મંગળવારે શેરબજારમાં હાહાકાર જોવા મળ્યો. બપોરે 3.30 કલાકે શેરબજાર લાલ નિશાનમાં બંધ થયુ. સેન્સેક્સ 1307 પોઇન્ટના ઘટાડા સાથે 76,107.66 અંક પર બંધ થયો. જ્યારે નિફ્ટી 339 પોઇન્ટના ઘટાડા સાથે 23,179.85 અંકે બંધ થયો. નવા નાણાકીય વર્ષના પહેલા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારોમાં 1 ટકાથી વધુનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો. આ પાછળનું કારણ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રસ્તાવિત 'રેસિપ્રોકલ ટેરિફ' અંગે ફેલાયેલી આશંકા હતી, જેણે રોકાણકારોની ભાવનાઓને અસર કરી હતી.
ટેરિફને લઇને ખૌફ
ટ્રમ્પના સંભવિત ટેરિફ પ્લાનની અસર અંગે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારો પણ સાવધાનીભર્યા વાતાવરણમાં ટ્રેડ કરી રહ્યા છે. મોતીલાલ ઓસ્વાલના ટેકનિકલ રિસર્ચ હેડ રુચિત જૈનના જણાવ્યા અનુસાર, "જ્યારે સોમવારે ભારતીય બજારો બંધ હતા, ત્યારે વૈશ્વિક બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેની અસર આજે સ્થાનિક બજારમાં જોવા મળી રહી છે." તેમણે કહ્યું કે નિફ્ટીને 23,100 ની આસપાસ 20-દિવસનો EMA સપોર્ટ મળી શકે છે.
વૈશ્વિક સંકેતો
એશિયન બજારોમાં શરૂઆતના ફાયદા ગુમાવ્યા અને મિશ્ર વેપાર થયો, જ્યારે વોલ સ્ટ્રીટ ફ્યુચર્સ નબળા હતા. જાપાનનો નિક્કી 0.01% ઘટ્યો હતો જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.5% વધ્યો હતો. સોમવારે વોલ સ્ટ્રીટમાં ઘટાડા સાથે શરૂઆત થઈ હતી પરંતુ S&P 500 અને ડાઉ જોન્સ અનુક્રમે 0.55% અને 1% વધીને દિવસનો અંત આવ્યો. જો કે, નાસ્ડેક 100 0.14% ઘટ્યો.
ટ્રમ્પ બુધવારે વ્હાઇટ હાઉસ રોઝ ગાર્ડનમાં 2 એપ્રિલથી અમલમાં આવનારા ટેરિફની જાહેરાત કરે તેવી અપેક્ષા છે. આને ધ્યાનમાં રાખીને, બજારોમાં અનિશ્ચિતતા અને અસ્થિરતા ચાલુ રહે છે. જિયોજિત ઇન્વેસ્ટમેન્ટના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી.કે.એ જણાવ્યું હતું કે બજારની દિશા આ ટેરિફથી કયા ક્ષેત્રો અને દેશો પ્રભાવિત થાય છે તેના પર નિર્ભર રહેશે.