દેશ-દુનિયામાં બે દિવસ અગાઉ ધામધૂમથી દિવાળી પર્વ ઉજવાઈ ગયું. હવે એક દિવસ બાદ અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાવાની છે. જે બાદ દેશ અને વિદેશના માર્કેટમાં તેજી અને મંદીના વમળો જોવા મળી શકે છે. જો કે, શેરબજારમાં તાજેતરમાં જ આશરે આઠ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આવામાં આગામી અઠવાડિયે નવા વર્ષમાં માર્કેટમાં તેજી આવશે કે ઘટાડો યથાવત્ રહેશે. આ માટે અમેરિકાના ફેડરલ રિઝર્વ વ્યાજ દર, ચૂંટણી, વિદેશી પોર્ટફોલિયો જેવા પરિબળો મહત્ત્વના સાબિત થવાના છે.
સ્થાનિક કંપનીઓના ત્રિમાસિક પરિણામો આ સપ્તાહે શેરબજારની દિશા નક્કી કરશે. નિષ્ણાતોએ કહ્યું કે આ સપ્તાહ ઘટનાઓથી ભરેલું રહેશે. સપ્તાહ દરમિયાન ઘણા મેક્રો ઈકોનોમિક ડેટા આવવાના છે, જે બજારની દિશા માટે મહત્વપૂર્ણ રહેશે. આ સિવાય વૈશ્વિક વલણ પણ બજારને દિશા આપશે. આ કારણે બજારની વધઘટ ચાલુ રહેવાની શક્યતા છે.
આ પરિબળો બજારને અસર કરશે
મળતી માહિતી અનુસાર, આ અઠવાડિયું વૈશ્વિક મોરચે ઘટનાપૂર્ણ રહેવાનું છે. તમામની નજર 5 નવેમ્બરે યોજાનારી અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી પર છે. આ સિવાય અમેરિકન FOMC (ફેડરલ ઓપન માર્કેટ કમિટી)ની બેઠક મહત્વની રહેશે. ભૌગોલિક રાજકીય દબાણ અને ક્રૂડ ઓઈલના ભાવ પણ બજારને પ્રભાવિત કરશે. મીનાએ કહ્યું કે ઘરેલું મોરચે, બીજા ક્વાર્ટરના પરિણામોનો અંતિમ તબક્કો ખૂબ જ અગત્યનું છે.
રોકાણકારો યુએસ માર્કેટના વિકાસ પર નજર રાખશે
મળતી માહિતી અનુસાર, આ અઠવાડિયે રોકાણકારો યુએસ માર્કેટના વિકાસ પર નજર રાખશે. ખાસ કરીને 5 નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી અને ફેડરલ રિઝર્વની પોલિસી બેઠક પર. મિશ્રાએ કહ્યું કે, ડોમેસ્ટિક મોરચે ડો. રેડ્ડીઝ, ટાઇટન, ટાટા સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટાટા મોટર્સ સહિતની કંપનીઓના ત્રિમાસિક પરિણામો આવશે. ઉપરાંત, એચએસબીસી મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ અને સર્વિસીસ પીએમઆઈ જેવા મુખ્ય આંકડાઓ બહાર પાડવામાં આવશે, જે બજારના દૃષ્ટિકોણથી ખૂબ મહત્વ ધરાવે છે. ગયા મહિને, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) દ્વારા સતત વેચાણને કારણે મુખ્ય ઈન્ડેક્સ તેમની ઓલટાઈમ હાઈ ઊંચાઈથી સાત ટકાથી વધુ ઘટ્યા હતા.
Disclaimer: શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લેવી