• નિફ્ટી કેશ-ફ્યૂચર્સમાં 120નું પ્રીમિયમ યથાવત્ : ઈન્ડિયા વિક્સમાં 0.7 ટકા વૃદ્ધિ

  • મિડ અને સ્મોલ-કેપ્સમાં જોકે મજબૂતી
  •  ભેલ, સિએટ, જ્યોતિ લેબ્સ નવી ઊંચાઈએ

સતત આંઠ સત્રોથી તેજી દર્શાવ્યાં બાદ ભારતીય બજારમાં વિરામ જોવા મળ્યો હતો. યુએસ બજારોની આગેવાની વૈશ્વિક બજારોમાં નરમાઈને કારણે પણ ઊંચા મથાળે વેચવાલી જોવા મળી હતી અને માર્કેટે સમગ્ર દિવસ માટે રેડ ઝોનમાં ટ્રેડ દર્શાવ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 415 પોઇન્ટ્સ ગગડી 62,680ની સપાટીએ જ્યારે નિફ્ટી 117 પોઇન્ટ્સના ઘટાડે 18,696 પર બંધ જોવા મળ્યાં હતાં. નિફ્ટી કેશ સામે ફ્યૂચર્સ 119 પોઇન્ટ્સ પ્રીમિયમે 18,815 પર બંધ રહ્યો હતો. લાર્જ-કેપ્સમાં વ્યાપક વેચવાલી પાછળ બ્રેડ્થ નરમ જળવાય હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 34 ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 14 કાઉન્ટર્સ અગાઉના બંધ સામે પોઝિટિવ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે સુધારો જળવાયો હતો અને બ્રેડ્થ પોઝિટિવ જળવાય હતી. વોલેટિલિટી ઇન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 0.67 ટકા સુધારા સાથે 13.45ની સપાટીએ બંધ રહ્યો હતો.

બુધવારે તીવ્ર ઉછાળા બાદ ગુરુવારે યુએસ બજારો પાછા પડયાં હતાં. જેની પાછળ એશિયાઈ બજારો ઘટાડા સાથે ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જેની અસરે ભારતીય બજાર ગેપ-ડાઉન ઓપનિંગ બાદ અગાઉના બંધને દર્શાવવામાં નિષ્ફ્ળ રહ્યું હતું. નિફ્ટી 18,812ના બંધ સામે 18,752ની સપાટીએ ખૂલી ઈન્ટ્રા-ડે 18,782ની ટોચ દર્શાવી ઘટતો રહ્યો હતો. ઈન્ટ્રા-ડે તેણે 18,639નું તળિયું બનાવ્યું હતું. આમ લગભગ પખવાડિયા બાદ માર્કેટે દિવસમાં કોઈ એક સમયે ગ્રીન ઝોનમાં ટ્રેડ દર્શાવ્યું નહોતું. ટેક્નિકલ એનાલિસ્ટ્સના મતે માર્કેટમાં સતત સુધારા બાદ આ પ્રકારનું કરેક્શન સ્વાભાવિક છે. બજારનો ટ્રેન્ડ સુધારાત્મક જ છે. લોંગ ટ્રેડર્સે 18,300ના સ્ટોપલોસને જાળવીને તેમની પોઝિશન ઊભી રાખવી જોઈએ. આગામી સપ્તાહે આરબીઆઈની બેઠકને કારણે શરૂઆતી સત્રોમાં બજારમાં વધ-ઘટ ઊંચી જોવા મળી શકે છે. જોકે ત્યારબાદ તે ફરી સુધારાતરફી બની રહે તેવી શક્યતા છે. નિફ્ટી ડિસેમ્બરમાં જ 19 હજારની સપાટી દર્શાવે તેવું બની શકે એમ તેઓ ઉમેરે છે. શુક્રવારે બજારને મેટલ, રિઅલ્ટી અને મીડિયા શેર્સ તરફથી સપોર્ટ સાંપડયો હતો. એ સિવાય તમામ સેક્ટરલ સૂચકાંકો નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી મેટલ 0.5 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં મોઈલ, વેદાંતા, તાતા સ્ટીલ, સેઈલ, કોલ ઈન્ડિયા જેવા કાઉન્ટર્સ સુધરવામાં અગ્રણી હતા. મેટલ ઈન્ડેક્સ 6,700ની સપાટી પાર કરી ગયો હતો અને તેની ગયા વર્ષની ટોચથી 100 પોઇન્ટ્સ છેટે જોવા મળ્યો હતો. નિફ્ટી રિઅલ્ટી એક ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં હેમિસ્ફ્અર 6 ટકા ઊછળ્યો હતો. જ્યારે ફિનિક્સ મિલ્સ, પ્રેસ્ટિજ એસ્ટેટ, સોભા ડેવલપર્સ અને ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટીમાં 2 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ 1.2 ટકા ઊછળ્યો હતો. જેમાં ડિશ ટીવી 7 ટકા, ટીવી18 બ્રોડકાસ્ટ 3 ટકા, ઝી એન્ટરટેઈનમેન્ટ 2 ટકા અને નેટવર્ક 18નો ટકાનો સમાવેશ થતો હતો. બીજી બાજુ બેન્કિંગ, ફાર્મા, આઈટી, ઓટો સહિતના સેક્ટરલ સૂચકાંકો નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી બેંક 0.4 ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જોકે તેણે 43 હજારની સપાટી જાળવી રાખી હતી. બેન્કિંગ કાઉન્ટર્સમાં બંધન બેંક, એયુ સ્મોલ ફઈ. બેંક, પીએનબીમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. જ્યારે આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, બેંક ઓફ્ બરોડા નેગેટિવ બંધ સૂચવતાં હતાં. આઈટી કાઉન્ટર્સ પણ રેડિશ જોવા મળતાં હતાં. જેમાં ઈન્ફેસિસ, ટીસીએસ અને વિપ્રો મુખ્ય હતાં. નિફ્ટી એફ્એમસીજી પણ અડધા ટકા ઘટાડે બંધ રહ્યો હતો. જેમાં તાતા કન્ઝયૂમર પ્રોડક્ટ્સ, એચયુએલ, નેસ્લે, પીએન્ડજી, આઈટીસી તમામ નેગેટિવ જોવા મળી રહ્યાં હતાં. નિફ્ટી ફાર્મા અને નિફ્ટી કન્ઝ્મ્પ્શન પણ ઘટાડો સૂચવી રહ્યાં હતાં.

નિફ્ટી કાઉન્ટર્સની વાત કરીએ તો એપોલો હોસ્પિટલ્સ 2 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ટેક મહિન્દ્રા, તાતા સ્ટીલ, ગ્રાસિમ, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, બીપીસીએલ પોઝિટિવ જોવા મળતાં હતાં. જ્યારે આઈશર મોટર્સ, એમએન્ડએમ, તાતા કન્ઝયૂમર્સ, હીરો મોટોકોર્પ, મારુતિ સુઝુકી, એચડીએફસી બજાજ ઓટો વગેરે નોંધપાત્ર ઘટાડો દર્શાવતાં હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ભેલ 7 ટકા ઊછળી રૂ. 90ની સપાટી કુદાવી ગયો હતો. શેર છેલ્લા ઘણા વર્ષોની ટોચ પર ટ્રેડ થયો હતો. આ ઉપરાંત એસ્ટ્રાલ, એબી કેપિટલ, એમએન્ડએમ ફઈનાન્શિયલ, એલએન્ડટી ફઈનાન્સ, ઓરેકલ ફઈનાન્સમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો.


  • Follow us on: