- ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોન મુશ્કેલ બની શકે
- ભારતીય રિઝર્વ બેંકે કેટલાક નિયમો કડક કર્યા
- ક્રેડિટ અને પર્સનલ લોનમાં અસામાન્ય વધારો જોવા મળ્યો
મોટા ભાગના લોકો તેમની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડનો આશરો લે છે. ભારતીય બેંકો અને નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFCs) ક્રેડિટ કાર્ડ અને વ્યક્તિગત લોન જેવી અસુરક્ષિત લોન આપે છે. જોકે હવે ક્રેડિટ કાર્ડ મેળવવા અને પર્સનલ લોન લેવી મુશ્કેલ બની શકે છે. ભારતીય રિઝર્વ બેંકે કેટલાક નિયમો કડક કર્યા છે. RBIએ બેંકો અને નોન બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓના અસુરક્ષિત લોન પોર્ટફોલિયો સંબંધિત નિયમોને કડક બનાવ્યા છે.
RBIએ કયા નિયમો કડક કર્યા?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ બેંકોની અસુરક્ષિત લોન અંગે ગયા ગુરુવારે એક રીલીઝ જારી કરી હતી. કેન્દ્રીય બેંકે આમાં કહ્યું હતું કે હવે બેંકો અને નોન-બેંકિંગ કંપનીઓએ અસુરક્ષિત લોન પોર્ટફોલિયો માટે વધુ મૂડી અલગ રાખવાની જરૂર પડશે. આ મૂડી પહેલા કરતા 25 ટકા વધુ હશે. જ્યાં અગાઉ 100 ટકા મૂડી અલગ રાખવામાં આવતી હતી હવે બેન્કો અને નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓએ 125 ટકા મૂડી અલગ રાખવાની રહેશે. ધારો કે બેંક 5 લાખ રૂપિયાની પર્સનલ લોન આપે છે તો પહેલા તેને માત્ર 5 લાખ રૂપિયા અલગ રાખવા પડતા હતા પરંતુ હવે બેંકે 25 ટકા વધુ એટલે કે 6 લાખ 25 હજાર રૂપિયા અલગ રાખવા પડશે.
RBIએ આવો નિર્ણય કેમ લીધો?
હાલનાં સમયમાં પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી રહી છે. ગયા વર્ષે અસુરક્ષિત લોનોએ બેંક લોન વૃદ્ધિને મોટા માર્જિનથી આગળ વધાર્યું હતું. ખાસ કરીને ક્રેડિટ અને પર્સનલ લોનમાં અસામાન્ય વધારો જોવા મળ્યો હતો. જ્યારે પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડની સંખ્યામાં વધારો થયો છે ત્યારે ડિફોલ્ટના કેસોમાં પણ વધારો થયો છે અને સમયસર ચુકવણીના કેસમાં ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં આરબીઆઈએ આ પ્રકારની લોનના નિયમો કડક કર્યા છે.
ગ્રાહકો પર શું અસર થશે?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના આ લોન નિયમને કારણે બેંકો અને નોન બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓએ અલગથી વધુ મૂડી રાખવી પડશે. આનો અર્થ એ છે કે બેંકો અને નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ પાસે અસુરક્ષિત લોન માટે ઓછા પૈસા બચશે જેના કારણે ગ્રાહકોને આવી લોન લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય બેંકો અને ABFC પણ કેટલાક માપદંડો નક્કી કરી શકે છે.
આ નિયમ કયા પ્રકારની લોન પર લાગુ થશે નહીં?
ભારતીય રિઝર્વ બેંકે સ્પષ્ટતા કરી છે કે કયા પ્રકારની લોન પર આ નિયમ લાગુ કરવામાં આવશે નહીં. સામાન્ય રીતે બે પ્રકારની લોન હોય છે સુરક્ષિત અને અસુરક્ષિત લોન. અસુરક્ષિત લોનમાં વ્યક્તિગત લોન અને ક્રેડિટ કાર્ડનો સમાવેશ થાય છે. જ્યારે સુરક્ષિત લોનમાં હોમ લોન, કાર લોન, ગોલ્ડ લોન અને પ્રોપર્ટી લોન વગેરેનો સમાવેશ થાય છે. આવી લોન સુરક્ષિત છે કારણ કે તેના બદલામાં બેંકો પાસે કંઈક યા બીજી રકમ રાખવામાં આવે છે. RBIનો આ નિયમ સુરક્ષિત લોનને અસર કરશે નહીં.