- સરકાર આ મહિને સોવરિન ગોલ્ડ બોન્ડની હપ્તા બહાર પાડશે
- સિરીઝ-4 માટેની તારીખ 12-16 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી
- ગોલ્ડ બોન્ડની પાકતી મુદત 8 વર્ષની હશે પરંતુ 5 વર્ષ પૂર્ણ થયા બાદ તેને રિડીમ કરવાનો વિકલ્પ હશે
સરકાર ફરીથી સસ્તું સોનું ખરીદવાની તક આપવા જઈ રહી છે. સરકાર આ મહિને સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB)ની હપ્તા બહાર પાડશે. ત્યાર બાદ બીજો હપ્તો ફેબ્રુઆરીમાં રિલીઝ થશે. નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 2023-24 સિરીઝ-3 આ મહિને 18-22 ડિસેમ્બરે ખુલશે. સિરીઝ-4 માટેની તારીખ 12-16 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. અગાઉ સિરીઝ-1 19-23 જૂન વચ્ચે અને સિરીઝ-2 11-15 સપ્ટેમ્બર વચ્ચે ખોલવામાં આવી હતી.
બોન્ડ્સનું વેચાણ બેંકો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, પોસ્ટ ઓફિસ અને માન્ય સ્ટોક એક્સચેન્જ BSE અને NSE દ્વારા કરવામાં આવશે. પરંપરાગત સોનાની માંગ ઘટાડવા અને ઘરગથ્થુ બચત વધારવાના ભાગરૂપે ગોલ્ડ બોન્ડનું વેચાણ સૌપ્રથમ નવેમ્બર 2015માં શરૂ કરવામાં આવ્યું હતું. ગોલ્ડ બોન્ડની પાકતી મુદત 8 વર્ષની હશે પરંતુ 5 વર્ષ પૂર્ણ થયા બાદ તેને રિડીમ કરવાનો વિકલ્પ હશે.










