મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનું પરિણામ આજે 23 નવેમ્બરે જાહેર થઈ ચૂક્યું છે અને રાજ્યની 288 વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરે મતદાન થયું હતું. દેશના જીડીપીમાં મહારાષ્ટ્ર રાજ્ય મહત્વની ભૂમિકા ભજવે છે અને રાજ્યમાં થઈ રહેલી રાજકીય હિલચાલ અર્થતંત્ર તેમજ સ્થાનિક શેરબજારને પણ મોટી અસર કરે છે.


મહારાષ્ટ્રમાં મહાયુતિની ગઠબંધન સરકાર બને તેવું લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં સોમવારે એટલે કે 25 નવેમ્બરે શેરબજાર પર તેની મોટી અસર જોવા મળી શકે છે. ત્યારે નિષ્ણાતોના કહેવા મુજબ કેટલાક શેર્સના ભાવમાં વધારો થઈ શકે છે.

મહારાષ્ટ્રની ચૂંટણીની અસર શેરબજાર પર જોવા મળી શકે

તાજેતરમાં લોકસભાની ચૂંટણી બાદ સ્થાનિક શેરબજારમાં હલચલ જોવા મળી હતી. જોકે, રોકાણકારોએ બજારને ટાળ્યું હતું અને FMGC અને ફાર્મા સેક્ટરના શેરમાં રોકાણ કર્યું હતું. નિષ્ણાતોનું માનવું છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી આ વલણ પણ બદલાઈ શકે છે અને રોકાણકારો રેલવે, ઈન્ફ્રા અને બેન્કિંગ ક્ષેત્રના શેર્સમાં રોકાણ કરી શકે છે.

રાજ્યમાં મહાગઠબંધનની સરકાર બનશે તે લગભગ નિશ્ચિત લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં રોકાણકારોને આશા છે કે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર સાથે રેલવે, બેન્કિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે કામ થશે. કારણ કે ભારત સરકાર અને મહારાષ્ટ્ર રાજ્ય સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેગમેન્ટ પર વિશેષ ધ્યાન આપ્યું છે અને ઈન્ફ્રા સેક્ટરની કંપનીઓ બેન્કો પાસેથી ક્રેડિટ લાઈન્સ લેશે, તેથી, જ્યારે સોમવારે શેરબજાર ખુલશે, ત્યારે તેમાં વધારો જોવા મળી શકે છે. બેન્કિંગ શેરો તેમજ ઈન્ફ્રા અને રેલવેના શેરમાં તેજી જોવા મળી શકે છે.

આ કંપનીના શેરના ભાવમાં થઈ શકે છે વધારો

નિષ્ણાતોના મત મુજબ રેલવે સેક્ટરની RVNL, IRFC, Railtel અને IRCON ઈન્ટરનેશનલ કંપનીના શેરમાં સોમવારે વધારો જોવા મળી શકે છે. ત્યારે ઈન્ફ્રા સેક્ટરમાં મધ્યમ અને લાંબા ગાળાના રોકાણ માટે લાર્સન એન્ડ ટર્બો પર રોકાણ કરી શકાય છે. આ સિવાય SBI, કેનેરા અને જમ્મુ-કાશ્મીર બેન્ક જેવી સરકારી બેન્કોના શેરમાં પણ મોટી હલચલ જોવા મળી શકે છે. આ સાથે જ ICICI બેંક અને HDFC બેન્ક જેવી ખાનગી ક્ષેત્રની બેન્કોના શેરમાં પણ વધારો જોવા મળી શકે છે.

ડિસ્કલેમર: શેરબજારમાં રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, સંદેશ ન્યૂઝ રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરતું નથી. 

  • Follow us on: