- બીએસઈનું માર્કેટકેપ રૂ.346.46 લાખ કરોડની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું
- વૈશ્વિક શેરબજારોમાં વેચવાલીને અવગણી ભારતીય બજારની આગેકૂચ અકબંધ
- બીએસઈ સેન્સેક્સ 431.02 પોઈન્ટ્સ ઊછળી 69,296ની સપાટીએ
તાજેતરના વિધાનસભા ચૂંટણીના પરિણામોની અસર હજુ પણ જળવાય રહેતાં ભારતીય શેરબજારમાં તેજીનો દોર મંગળવારે આગળ વધ્યો હતો. સતત છઠ્ઠા સત્રમાં પોઝિટિવ ટ્રેન્ડ સાથે સ્થાનિક બેન્ચમાર્ક્સ તેમની સર્વોચ્ચ ટોચ પર બંધ રહ્યાં હતાં. જેમાં બીએસઈ સેન્સેક્સ 431.02 પોઈન્ટ્સ ઊછળી 69,296ની સપાટીએ જ્યારે નિફ્ટી 168 પોઈન્ટ્સ ઊછળી 20855ની સપાટીએ બંધ રહ્યાં હતાં. છેલ્લાં પાંચ સત્રોમાં બેન્ચમાર્ક નિફ્ટીમાં 1060 પોઈન્ટ્સની તીવ્ર વૃદ્ધિ નોંધાઈ છે. 24 નવેમ્બરે નિફ્ટી 19795ની સપાટી પર બંધ રહ્યો હતો. ગયા ગુરુવારે એક્ઝિટ પોલ્સ પછી બજારમાં તેજીની ઝડપ વધી છે. જેણે વૈશ્વિક બજારોની ધરાર અવગણના કરી છે. મંગળવારે હોંગ કોંગ શેરબજારના હેંગસેંગે 2 ટકાથી વધુ ગગડી તેનું વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું. તેમ છતાં ભારતીય બેન્ચમાર્ક્સની ગતિ નવી ટોચ ભણી જળવાય રહી હતી.
બ્રોડ માર્કેટમાં ઊંચા મથાળે થોડું વેચાણ જોવા મળ્યું હતું. જેને કારણે માર્કેટ બ્રેડ્થ સાધારણ નેગેટિવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3875 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2031 નેગેટિવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1731 કાઉન્ટર્સ પોઝિટિવ બંધ જોવા મળ્યાં હતાં. 375 કાઉન્ટર્સે તેમની વાર્ષિક કે સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી.










