- NHAIએ ટોલ ટેક્સ વધારવાનો નિર્ણય પાછો ખેંચી લીધો
- આગામી આદેશો સુધી ટોલ દરોમાં ફેરફાર કરવામાં આવશે નહીં
- અત્યારે હાલના ટોલ દરો જ લાગૂ રહેશે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ સોમવાર, 1 એપ્રિલથી દેશભરના નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે પર ટોલ ટેક્સ વધારવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. એક મીડિયા રિપોર્ટમાં આ વાત સામે આવી છે. મળી રહેલી માહિતી અનુસાર આ રોલબેક અંગે તમામ પ્રોજેક્ટ ડાયરેક્ટરોને જાણ કરવામાં આવી છે. મળી રહેલી માહિતિ અનુસાર નિયમ પાછો ખેંચાયો હોવાના કારણે અત્યારે હાલના ટોલ દરો જ લાગૂ રહેશે.
ટોલ ટેક્સમાં કોઈ ફેરફાર નહીં
NHAI દ્વારા ટોલ રેટ વધારવાના નિર્ણયના થોડા દિવસો બાદ જ આ વાત આવી છે. રવિવારે રાત્રે લગભગ 9 વાગ્યે NHAI ના પ્રોજેક્ટ મેનેજર (બરેલી) દ્વારા એક પત્ર પણ જારી કરવામાં આવ્યો છે કે આગામી આદેશો સુધી ટોલ દરોમાં ફેરફાર કરવામાં આવશે નહીં. આગ્રા અને ઉત્તર પ્રદેશના અન્ય વિસ્તારોમાં તૈનાત NHAI અધિકારીઓએ પણ પુષ્ટિ કરી છે કે હાલમાં ટોલ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
શું આના કારણે ટોલ ટેક્સ નથી વધતો?
એવું કહેવામાં આવી રહ્યું છે કે UPSRTCની જાહેર પરિવહન એજન્સીને NHAI તરફથી ટોલ દરોમાં સુધારો કરવાનો કોઈ આદેશ મળ્યો નથી. તેથી, બસ ભાડા પરના સરચાર્જમાં કોઈ ફેરફાર લાગુ કરવામાં આવશે નહીં. સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ થવાને કારણે ટોલ ફી વધારવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હોવાની અટકળો ચાલી રહી છે.
ફાસ્ટેગ કેવાયસી પણ જરૂરી છે
તાજેતરના સૂચનો અનુસાર જે ફાસ્ટેગ વપરાશકર્તાઓએ તેમની KYC વિગતો અપડેટ કરી નથી, તેમના ફાસ્ટેગ એકાઉન્ટ અને ઉપકરણને આજથી એટલે કે 1લી એપ્રિલથી અમાન્ય જાહેર કરવામાં આવશે. ફાસ્ટેગ કેવાયસી તમામ ફાસ્ટેગ વપરાશકર્તાઓ માટે ફરજિયાત છે. જો તમે હજી સુધી KYC કર્યું નથી, તો ફાસ્ટેગ બેંક ખાતામાંથી નિષ્ક્રિય થઈ જશે.