- પ્યુબિટી નામના ટ્વિટર હેન્ડલના ટ્વિટને રિટ્વીટ કર્યું
- પ્લેટફોર્મ પરથી ટ્વીટ લેબલ હટાવી દેવામાં આવ્યું છે
- બ્લુ વેરિફાઈડ યુઝર્સ માટે 'મ્યૂટ' અને 'બ્લોક'નો પણ સમાવેશ
ટ્વિટરના સીઈઓ એલોન મસ્કે જ્યારથી માઇક્રોબ્લોગિંગ કંપનીનો હવાલો સંભાળ્યો છે ત્યારથી ઘણા મોટા ફેરફારો જોવા મળ્યા છે. મસ્કે આ વર્ષે ઓક્ટોબરમાં લગભગ 3.64 લાખ કરોડ રૂપિયામાં ટ્વિટર ખરીદ્યું હતું. $8 (લગભગ રૂ. 660)માં ટ્વિટર બ્લુ સબ્સ્ક્રિપ્શન પછી, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વધુ એક મોટું અપડેટ આવ્યું છે. મસ્કે માહિતી આપી છે કે પ્લેટફોર્મ પરથી ટ્વીટ લેબલ હટાવી દેવામાં આવ્યું છે. મતલબ કે યુઝર્સ એ જોઈ શકશે નહીં કે ટ્વીટ કયા ઉપકરણથી કરવામાં આવી છે. અગાઉ, ટ્વીટ પર દેખાતું હતું કે આ ટ્વીટ iPhone, Android અથવા વેબ પરથી કરવામાં આવી છે.
હવે આ ફેરફાર મ્યૂટ અને બ્લોક સિગ્નલ જેવા સ્ટેપ્સ બાદ સામે આવ્યો છે. વિશ્વની સૌથી ધનાઢ્ય હસ્તીઓમાંથી એક એલોન મસ્ક ઈન્ટરનેટ યુઝર્સને ટ્વિટરમાં થતા દરેક ફેરફારની જાણકારી આપે છે. મસ્કે ટ્વિટર પરથી ડિવાઈસ લેબલ હટાવવાની માહિતી પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ સાથે શેર કરી છે. તેણે પ્યુબિટી નામના ટ્વિટર હેન્ડલના ટ્વિટને રિટ્વીટ કરીને આ માહિતી આપી છે.
માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર પ્યુબિટી નામના એકાઉન્ટમાંથી ટ્વિટ કર્યું. આ ટ્વીટમાં લખ્યું છે કે, “Twitter એ જોવાની ક્ષમતા હટાવી દીધી છે કે ટ્વીટ કયા ઉપકરણથી કરવામાં આવી હતી.” આ ટ્વીટને ઈલોન મસ્ક દ્વારા રીટ્વીટ કરવામાં આવી છે. અગાઉ, ટ્વિટરના નવા માલિકે ઘણા પત્રકારોના એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે, બાદમાં તે અકાઉન્ટ પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા.
નવા ટ્વિટર અપડેટ્સ
એલોન મસ્ક એ પણ કહ્યું છે કે સોશિયલ મીડિયા કંપની બ્લુ વેરિફાઈડ યુઝર્સ માટે 'મ્યૂટ' અને 'બ્લોક' પણ સામેલ કરશે. તેમણે વધુમાં જણાવ્યું કે ટ્વિટર યુઝર્સની એક્ટિવિટીનું પરીક્ષણ “NN મોડલ” (ન્યુટ્રલ નેટવર્ક) દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત, કંપની વપરાશકર્તાઓ માટે ફોલો કરેલા એકાઉન્ટના ટ્વીટ સિવાય અન્ય ટ્વીટ જોવાનું પણ સરળ બનાવશે.
ટ્વિટર બ્લુ ફરી ચાલુ
તમામ મુશ્કેલી બાદ ટ્વિટરે ગયા અઠવાડિયે ટ્વિટર બ્લુ પ્રીમિયમ સેવા ફરી શરૂ કરી છે. તેનું સબ્સ્ક્રિપ્શન લીધા પછી, વપરાશકર્તાઓને વાદળી વેરિફિકેશન બેજ મળશે. આ સિવાય ટ્વીટને એડિટ કરવા જેવી પ્રીમિયમ સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે. દર મહિને $8 (લગભગ રૂ. 660)ના દરે આ સેવા ફરી શરૂ કરવામાં આવી છે. જોકે, ટ્વિટર યુઝર્સે આ માટે દર મહિને $11 (લગભગ રૂ. 910)નો ચાર્જ ચૂકવવો પડશે.