UPS હેઠળ, હવે કેન્દ્રીય કર્મચારીઓને એક નિશ્ચિત પેન્શન આપવામાં આવશે, જે છેલ્લા 12 મહિનાના એવરેજ બેઝિક સેલેરીના 50% હશે. આ પેન્શન મેળવવા માટે કર્મચારીએ ઓછામાં ઓછા 25 વર્ષ સુધી સર્વિસ કરવી પડશે. કેન્દ્ર સરકારે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)ના વિકલ્પ તરીકે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) શરૂ કરી છે. આ યોજનાની સત્તાવાર જાહેરાત 24 જાન્યુઆરીએ કરવામાં આવી હતી. આ યોજના 1 એપ્રિલ, 2025થી લાગુ કરવામાં આવશે.
સરકારી કર્મચારીઓને જ મળશે લાભ
UPS માત્ર અને માત્ર સરકારી કર્મચારીઓ માટે જ લાગુ થશે, જેઓ પહેલાથી NPS હેઠળ રજિસ્ટર્ડ છે. સરકારી કર્મચારીઓ પાસે NPS અથવા UPS વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ હશે. નાણા મંત્રાલયે કહ્યું છે કે NPS હેઠળ પાત્રતા ધરાવતા કેન્દ્ર સરકારના કર્મચારીઓ પાસે હવે NPS હેઠળ યુનિફાઇડ પેન્શન સ્કીમ પર સ્વિચ કરવાનો વિકલ્પ છે. યુપીએસ સ્કીમ ત્યારે શરૂ કરવામાં આવી હતી જ્યારે જૂની પેન્શન સ્કીમ (OPS)ને લઈને ઘણી માંગ હતી. જૂની પેન્શન યોજનામાં રિટાયર્ડ કર્મચારીઓને તેમની સેલેરીના 50 ટકા પેન્શન તરીકે આપવામાં આવતું હતું.
યુનિફાઇડ પેન્શન સ્કીમ (યુપીએસ) શું છે?
હવે યુપીએસ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓને નિશ્ચિત પેન્શન આપવામાં આવશે, જે છેલ્લા 12 મહિનાના એવરેજ બેઝિક સેલેરીના 50% હશે. આ પેન્શન મેળવવા માટે કર્મચારીએ ઓછામાં ઓછા 25 વર્ષ સુધી સેવા આપવી પડશે. તેમજ,જો કર્મચારીનું મૃત્યુ થાય છે, તો તેના પરિવારને એક નિશ્ચિત પેન્શન પણ આપવામાં આવશે, જે કર્મચારીને મળેલા પેન્શનના 60 ટકા હશે. આ સિવાય મિનિમમ એશ્યોર્ડ પેન્શન પણ આપવામાં આવશે, એનો મતલબ એ થાય છે જો કર્મચારી 10 વર્ષ સુધી નોકરી કરે છે તો તે કર્મચારીને ઓછામાં ઓછું 10,000 રૂપિયાનું પેન્શન મળશે.
મોંઘવારીના આધારે વધશે પેન્શન
યુનિફાઇડ પેન્શન સ્કીમ હેઠળ ઇન્ડેક્સેશન પણ ઉમેરવામાં આવ્યું છે. મતલબ કે નિવૃત્ત કર્મચારીઓનું પેન્શન મોંઘવારી પ્રમાણે વધતું રહેશે. આ વધારો પેન્શનમાં મોંઘવારી ભથ્થા (Dearness Alloawance) તરીકે ઉમેરવામાં આવશે. આની ગણતરી ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ ફોર ઈન્ડસ્ટ્રીયલ વર્કર્સ (AICPI-W)ના આધારે કરવામાં આવશે. રિટાયર્મેન્ટ પર એક સામટી રકમ પણ આપવામાં આવશે. લગભગ 23 લાખ કર્મચારીઓને તેનો લાભ મળવાનો છે.
કોને મળશે આ યોજનાનો લાભ ?
NPS હેઠળ આવરી લેવામાં આવેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે આ યુનિફાઇડ પેન્શન યોજના શનિવારે 25 જાન્યુઆરી 2025 ના રોજ સરકાર દ્વારા સૂચિત (નોટિફાઈ) કરવામાં આવી છે. યુનિફાઇડ પેન્શન સ્કીમ એવા કેન્દ્ર સરકારના કર્મચારીઓને લાગુ થશે જેઓ NPS એટલે કે નેશનલ પેન્શન સ્કીમ હેઠળ આવરી લેવામાં આવ્યા છે અને આ હેઠળ, UPS નો વિકલ્પ પસંદ કરી શકાય છે. યુપીએસ પસંદ કરનારા લોકો અન્ય કોઈપણ પોલિસી છૂટ (Policy discount), પોલિસીમાં ફેરફાર, નાણાકીય લાભ (Financial benifit) માટે હકદાર રહેશે નહીં.
સરકારનું કેટલું યોગદાન રહેશે
24 ઓગસ્ટ 2024ના રોજ યુપીએસની જાહેરાત કરતી વખતે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે તેનાથી સંબંધિત તમામ માહિતી શેર કરી હતી. નવી પેન્શન યોજના (NPS)માં કર્મચારીએ તેની બેઝિક સેલેરીના 10 ટકા યોગદાન આપવું પડશે અને તેમાં સરકારનું યોગદાન 14 ટકા છે. 1 એપ્રિલ, 2025થી UPS લાગુ થયા બાદ સરકારનું આ યોગદાન કર્મચારીના બેઝિક સેલેરીના 18.5 ટકા રહેશે. આ હિસાબે પ્રથમ વર્ષમાં સરકારી તિજોરી પર 6250 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે.