- વાસ્તવિક રીતે સરેરાશ કરવેરામાં ઘટાડો થયો હોવાનો નાણામંત્રીનો દાવો
- જૂની આવકવેરા પદ્ધતિ અંગે સમીક્ષા પછી અંતિમ નિર્ણય લેવાશે
- આ વખતના બજેટમાં ગરીબો, યુવાઓ, મહિલાઓ, અને ખેડૂતો પર ફોકસ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને મંગળવારે કહ્યું કે જૂની આવકવેરા પદ્ધતિ ચાલુ રાખવી કે કેમ તેનો હજુ નિર્ણય લેવાયો નથી. તે અંગેની સમીક્ષા પછી અંતિમ નિર્ણય લેવાશે.પ્રેસ કોન્ફરન્સમાં તેમણે ટેક્સેશન અને અન્ય વિષયો મુદ્દે પોતાની વાત રજૂ કરી હતી.
તેમણે કહ્યું કે, કરનું માળખું વધારવાનો પ્રયાસ કંઈક એવો છે જેને અમે વારે વારે કહેતા રહ્યા છીએ કે ભારતનું કર માળખું મોટું કરવું જોઈશે, ભલે પછી તે પ્રત્યક્ષ કર હોય કે અપ્રત્યક્ષ કર હોય. બીજું એ કે, હવે પીએસયુ નફો કરી રહ્યા છે અને તેમાં સુધારો થઈ રહ્યો છે, કેમ કે, તેનું મૂલ્યાંકન વાસ્તવમાં વધી ગયું છે અને તેમનો દેખાવ પણ ઉત્તરોતર સુધરી રહ્યો છે. તે અમારા માટે માત્ર નાણાં મેળવવાનું સાધન બન્યું નથી. અમે તેને વધુ મજબૂત કરવા માગીએ છીએ.
બજેટ બાદની પ્રેસ કોન્ફરન્સમાં નિર્મલા સીતારામને કહ્યું કે આ વખતના બજેટમાં ગરીબો, યુવાઓ, મહિલાઓ, અને ખેડૂતો પર ફોકસ રહ્યું. નાણામંત્રીએ કહ્યું કે અમે પૂંજીગત લાભ માટે પણ દૃષ્ટિકોણ સરળ બનાવવા માગતા હતા. બીજું, કંઈ પણ હોય, વાસ્તવિક રીતે સરેરાશ કરવેરામાં ઘટાડો થયો છે. જ્યારે આપણે કહીએ છીએ કે તે 12.5 ટકા છે, કેમ કે અમે વિભિન્ન વર્ગો માટે કામ કર્યું છે, પણ મુદ્દો એ છે કે અમે તેને સરેરાશ કરતાં નીચો 12.5 ટકા સુધી લઈ આવ્યા, જે ઓછો છે, અને બજારમાં રોકાણને પ્રોત્સાહિત કરે છે. નિર્મલા સીતારામને કહ્યું કે આ બજેટમાં રોજગાર સંબંધી દરેક વાત સામેલ છે. નવી ટેક્સ સિસ્ટમ હેઠળ ભરાયેલા ઈન્કમ ટેક્સ રિટર્ન લગભગ 70 ટકા જેટલા છે. એટલે
નવી પદ્ધતિ ઘણા લોકોને માફક આવી હોય તેવું ફલિત થઈ રહ્યું છે.
નાણામંત્રીએ કહ્યું હતું કે વિપક્ષ પાસે ખુરશી બચાવવાનો સવાલ કરવાનો અધિકાર જ નથી. તેમણે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે તેઓ તમામ મળીને પણ ભાજપ જેટલી બેઠકો લાવી શક્યા નથી. પત્રકાર પરિષદમાં હાજર રહેલા મહેસૂલ સચિવ સંજીવ મલ્હોત્રાએ કહ્યું કે કેપિટલ ગેઈન ટેક્સને વધુ સુસંગત કરવાથી ચાલુ નાણાકીય વર્ષમાં સરકારને વધારાની 15 હજાર કરોડની આવક થવાની આશા છે.