- હવેથી એસ્કેપ્ડ ઈન્કમ 50 લાખથી નીચે હશે તો
- બજેટમાં ઈન્કમટેક્સ મામલે રાહત આપવા પ્રસ્તાવ : પહેલી સપ્ટેમ્બરથી અમલ
- વર્ષ સમાપ્ત થયાના ત્રણ વર્ષથી વધુ સમય બાદ આઈટીઆરનું રિઓપનિંગ અને રિએસમેન્ટ કરી શકાશે
મંગળવારે રજૂ કરાયેલા વર્ષ 2024-25ના સામાન્ય બજેટમાં ઈન્કમટેક્સ મામલે એક મહત્વપૂર્ણ રાહતજનક ઘોષણા કરવામાં આવી છે. હવેથી એક મર્યાદિત સમય રેખા પસાર થઈ ગયા બાદ ઈન્કમટેક્સ એથોરિટી જૂના ઈન્કમટેક્સ રિટર્ન (આઈટીઆર)નું રિઓપનિંગ અને રિએસેસમેન્ટ કરી શકશે નહીં.
બજેટમાં કરાયેલી આ જાહેરાત મુજબ, રિટર્ન ફાઈલ કરતા સમયે જાહેર નહીં કરાયેલી આવક (એસ્કેપ્ડ ઈન્કમ) રૂ.50 લાખથી નીચે હશે તો ત્રણ વર્ષથી વધુ જૂના આઈટીઆરનું હવેથી રિએસેસમેન્ટ કે રિઓપનિંગ નહીં કરી શકાય. આ અંગે નાણાંમંત્રી દ્વારા દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. આ અંગેની જોગવાઈઓ પહેલી સપ્ટેમ્બર 2024થી અમલમાં આવશે. બજેટ 2024 રજૂ કરતાં કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારમણે જણાવ્યું હતું કે, હું આઈટીઆરના રિઓપનિંગ અને રિએસેસમેન્ટને સરળ બનાવવા અંગેનો પ્રસ્તાવ રજૂ કરૂં છું. હવેથી રિટર્ન ફાઈલ કરતાં સમયે જાહેરી નહીં કરાયેલી રકમ રૂ.50 લાખ કે તેથી વધુ હોય તો જ આકરણી વર્ષ સમાપ્ત થયાના ત્રણ વર્ષથી વધુ સમય બાદ આઈટીઆરનું રિઓપનિંગ અને રિએસમેન્ટ કરી શકાશે. જેની મહત્તમ સમય મર્યાદા એસેસમેન્ટ યરથી પાંચ વર્ષ સુધીની છે. એટલું જ નહીં તપાસના વર્ષ પહેલાં સર્ચ કેસની સમય રેખા દસ વર્ષથી ઘટાડી છ વર્ષ કરવાનો પણ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. જેનાથી કર અનિશ્ચિતતા અને વિવાદોમાં ઘટાડો થશે.










