• આઝાદીથી અત્યાર સુધીના સમયગાળામાં બજેટમાં કુલ 24,187.81 ગણી વૃદ્ધિ નોંધાઈ

  • જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધીએ દેશના વડાપ્રધાનપદે રહીને બજેટ રજૂ કર્યું હતું,
  • 2019માં તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલીની તબિયત ખરાબ હોવાથી મંત્રી પીયૂષ ગોયલે બજેટ રજૂ કર્યું હતું

ઘણા બધાને એ ખબર નહીં હોય કે નાણાવર્ષ 1947-48નું ભારતનું બજેટ કેટલું હતું અને ઘણાને એ જાણીને આૃર્ય થશે કે તે સમયે આખા દેશનું બજેટ આજના એક જિલ્લા જેટલું કે તેનાથી પણ ઓછું હતું.

નાણાવર્ષ 1947-48માં ભારતનું કુલ બજેટ 197.1 કરોડ રૂપિયા જ હતું, જે ગયા નાણાવર્ષમાં 47.65 લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું. આનો અર્થ એ થયો કે આ સમયગાળામાં કુલ 24,187.81 ગણી વૃદ્ધિ નોંધાઈ છે. આની સાથે એ પણ નોંધ લેવી જોઈએ કે બજેટ રજૂ કરવાના સમયમાં પણ છેલ્લા થોડા વર્ષોમાં ફેરફાર થયા છે. પહેલાં સાંજે પાંચ વાગ્યે બજેટ રજૂ કરવામાં આવતું હતું. તેને 1999માં તત્કાલીન નાણામંત્રી યશવંત સિન્હાએ બદલીને સવારના 11 વાગ્યાનું કરી દીધું હતું. આ પ્રથા આજે પણ ચાલુ છે. સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ તત્કાલીન નાણામંત્રી આરકે ષણ્મુગમ્ ચેટ્ટીએ 26 નવેમ્બર 1947ના રોજ 197.1 કરોડ રૂપિયાની રકમ સાથે રજૂ કર્યું હતું.

વડાપ્રધાને બજેટ રજૂ કર્યું

લોકસભા સચિવાલયના ડેટા દ્વારા જાણવા મળે છે કે એવાં ઉદાહરણ પણ છે, જેમાં નાણામંત્રીના બદલે દેશના વડાપ્રધાને બજેટ રજૂ કર્યું હોય. લોકસભાના દસ્તાવેજોમાં પીએમ નહેરુ દ્વારા બજેટ રજૂ કરાયાનો ઉલ્લેખ છે. દસ્તાવેજો અનુસાર, તેમણે 1958-59નું બજેટ રજૂ કર્યું હતું. આવા બીજા વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી હતાં. નાણામંત્રી મોરારજી દેસાઈના રાજીનામા બાદ ઇન્દિરા ગાંધીએ વડાંપ્રધાનપદે રહીને નાણાવર્ષ 1969-70નું બજેટ રજૂ કર્યું હતું. દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે 2019માં તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલીની તબિયત ખરાબ હોવાના કારણે તે વર્ષનું બજેટ તેમના સહયોગી મંત્રી પીયૂષ ગોયલે રજૂ કર્યું હતું.

પહેલાં રેલવે બજેટ અલગ હતું

2017 પહેલાં દેશમાં બે બજેટ રજૂ થતાં હતાં. પહેલું તો સામાન્ય બજેટ જે નાણામંત્રી રજૂ કરે છે. આ ઉપરાંત સંસદમાં દેશનું રેલવે બજેટ રજૂ થતું હતું, જેને રેલવે મંત્રી રજૂ કરતા હતા. જોકે, 2017માં રેલવે બજેટને સામાન્ય બજેટમાં સમાવી લેવામાં આવ્યું હતું.

રાજ્યસભા પાસે બજેટ બદલવા કે રિજેક્ટ કરવાનો અધિકાર નથી

લોકસભામાં બજેટ રજૂ કરાયા બાદ નાણામંત્રી બજેટ દરખાસ્તોને રાજ્યસભામાં પણ રજૂ કરે છે. જોકે, ઉચ્ચ ગૃહ પાસે બજેટને સ્વીકૃત કે અસ્વીકૃત કરવાનો અધિકાર નથી. ઉચ્ચ ગૃહમાં બજેટ પર ચર્ચા કર્યા બાદ તેને લોકસભામાં મોકલવામાં આવે છે. બજેટ ચર્ચા બાદ વિશિષ્ટ ફાળવણી કે અનુદાનના માગણી સંદર્ભે ચર્ચા થાય છે. અનુદાનની માગ પર ચર્ચાના અંતે એવી બધી માગણીઓને એકસાથે કરી લેવાય છે અને ગિલોટિન નામની પ્રક્રિયાના માધ્યમથી તેને પસાર કરવામાં આવે છે.



  • Follow us on: