ભારતીય ઓટોમોબાઈલ સેક્ટર માટે વર્ષ 2026નું કેન્દ્રીય બજેટ અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહ્યું છે. સપ્ટેમ્બર 2025 પછી રિકવરીના પંથે રહેલા આ સેક્ટરને હવે નવી રફ્તારની આશા છે. ભારતની જીડીપી (GDP) માં અંદાજે 7 ટકા જેટલો મહત્વનો ફાળો આપનાર ઓટો ઉદ્યોગ હાલમાં મિશ્ર પ્રતિસાદનો સામનો કરી રહ્યો છે. એક તરફ મોંઘી પેસેન્જર કારોની માંગ જળવાઈ રહી છે, તો બીજી તરફ એન્ટ્રી-લેવલ કાર અને ટુ-વ્હીલર સેગમેન્ટ હજુ પણ સંઘર્ષ કરી રહ્યા છે.
માસ-માર્કેટ અને સામાન્ય ગ્રાહકોની અપેક્ષાઓ
ભારતમાં હાલમાં દર 1,000 વ્યક્તિએ માત્ર 26 કારનું પ્રમાણ છે, જે દર્શાવે છે કે આ ક્ષેત્રમાં વૃદ્ધિની વિશાળ તકો છે. નિષ્ણાતોના મતે, સુરક્ષા ફીચર્સ અને નવા નિયમોને કારણે વાહનોની કિંમતોમાં વધારો થયો છે, જેની સીધી અસર સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર પડી છે. જો બજેટમાં સસ્તી ફાયનાન્સિંગ સુવિધા, ટેક્સમાં ઘટાડો અને વાહનોના સંચાલન ખર્ચમાં રાહત આપવામાં આવે, તો માસ-માર્કેટ સેગમેન્ટમાં ફરી તેજી આવી શકે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં વાહનોની વધતી માંગ પોઝિટિવ સંકેત આપી રહી છે.













