કેન્દ્રીય બજેટ 2026 હવે બહુ નજીક આવી ગયું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2026ના રોજ સંસદમાં તેમનું બજેટ રજૂ કરશે. આ ખાસ વાત છે કે, ઓછામાં ઓછા દાયકામાં પહેલી વાર બજેટ રવિવારે રજૂ થવાનું છે. આ તેમનું સતત નવમું બજેટ ભાષણ હશે, જેને લઈને દેશભરમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
27 જાન્યુઆરીએ સર્વપક્ષીય બેઠક
બજેટ પહેલા 27 જાન્યુઆરીએ સર્વપક્ષીય બેઠક અને સંસદના બજેટ સત્રની શરૂઆત થશે. આ દરમિયાન અનેક ક્ષેત્રો પોતાની માંગ સરકાર સમક્ષ રજૂ કરી રહ્યા છે. તેમાં સૌથી મહત્વની માંગ રિયલ એસ્ટેટ અને હાઉસિંગ ક્ષેત્ર તરફથી આવી રહી છે.
રિયલ એસ્ટેટ ક્ષેત્ર
રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલી સંસ્થા NAREDCO (National Real Estate Development Council) એ સરકાર સમક્ષ માગ કરી છે કે હાઉસિંગ લોન પર મળતી વ્યાજ કપાતની મર્યાદા વર્તમાન રૂ. 2 લાખથી વધારીને રૂ. 5 લાખ કરવી જોઈએ. હાલ આવકવેરા કાયદાની કલમ 24(b) હેઠળ ઘરલોન પર માત્ર 2 લાખ રૂપિયા સુધી વ્યાજ કપાતની છૂટ મળે છે, જે આજના મોંઘવારીના સમયમાં અપૂરતી સાબિત થઈ રહી છે. NAREDCOનું કહેવું છે કે જો આ મર્યાદા વધારવામાં આવે તો મધ્યમ વર્ગના લોકો ઘર ખરીદવા માટે વધુ પ્રોત્સાહિત થશે. પરિણામે હાઉસિંગ ડિમાન્ડ વધશે, રિયલ એસ્ટેટ સેક્ટરને ગતિ મળશે અને અર્થવ્યવસ્થાને પણ ફાયદો થશે.
એસ્ટેટ ક્ષેત્રને ‘ઉદ્યોગ’નો દરજ્જો
આ સાથે જ રિયલ એસ્ટેટ ક્ષેત્રને ‘ઉદ્યોગ’નો દરજ્જો આપવાની પણ માગ ઉઠી છે. જો આ ક્ષેત્રને ઉદ્યોગ તરીકે માન્યતા મળે તો ડેવલોપર્સને સસ્તી લોન, વધુ ફંડિંગ અને નીતિગત સહાય મળશે, જેનાથી ઘરોનાં ભાવ સ્થિર રહી શકે છે. આ ઉપરાંત, પોસાય તેવા આવાસ (Affordable Housing) ની વ્યાખ્યામાં પણ ફેરફાર કરવાની માગ કરવામાં આવી છે. હાલમાં 45 લાખ રૂપિયા સુધીના ઘરોને જ પોસાય તેવા માનવામાં આવે છે. NAREDCOનું કહેવું છે કે શહેરી વિસ્તારોમાં જમીન અને બાંધકામ ખર્ચ વધતાં હવે 90 લાખ રૂપિયા સુધીના ઘરોને પોસાય તેવા આવાસમાં સામેલ કરવાં જોઈએ.
જો સરકાર આ માંગ સ્વીકારે તો
જો સરકાર આ માંગ સ્વીકારે તો પ્રથમ વખત ઘર ખરીદનારાઓને મોટો લાભ મળશે. ખાસ કરીને મહાનગરો અને ટિયર-2 શહેરોમાં રહેતા લોકો માટે આ નિર્ણય ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. કુલ મળીને જોવામાં આવે તો બજેટ 2026માં હાઉસિંગ લોન, આવકવેરા રાહતો અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે મોટા એલાન થવાની સંભાવનાઓ છે. હવે સૌની નજર 1 ફેબ્રુઆરી પર ટકી છે કે સરકાર મધ્યમ વર્ગ અને ઘર ખરીદનારાઓને કેટલો મોટો રાહત પેકેજ આપે છે.
આ પણ વાંચો : Union Budget 2026 : બજેટ પહેલા કેમ અધિકારીઓને ‘લોક-ઇન’ કરવામાં આવે છે? જાણો