નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2026-27નું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. 53 લાખ કરોડ રૂપિયાના તોતિંગ કદ ધરાવતા આ બજેટમાં રેલવે કોરિડોર અને સસ્તી દવાઓ જેવી જાહેરાતો ચોક્કસ થઈ છે, પરંતુ મધ્યમ વર્ગ અને ખેડૂતો જે આશા રાખીને બેઠા હતા, તેમાં મોટો નિરાશાનો સુર જોવા મળ્યો છે. ખાસ કરીને 5 મુખ્ય મોરચે જનતાની અપેક્ષાઓ તૂટી છે:


1. ઇન્કમ ટેક્સ: સ્લેબમાં કોઈ ફેરફાર નહીં

ટેક્સપેયર્સને આશા હતી કે નવી ટેક્સ વ્યવસ્થા (New Tax Regime) હેઠળ જે 12 લાખ સુધીની આવક પર શૂન્ય ટેક્સની મર્યાદા છે, તેને વધારીને 14 લાખ કરવામાં આવશે. પરંતુ સરકારે સ્લેબમાં કોઈ ફેરફાર ન કરીને મધ્યમ વર્ગને નિરાશ કર્યો છે.

2. રોકાણ પર છૂટ: સેક્શન 80C જેવી રાહતનો અભાવ

નવા ટેક્સ રજીમ તરફ લોકોને આકર્ષવા માટે એવી અપેક્ષા હતી કે PPF, NPS અને ELSS જેવા રોકાણો પર વધારાની ટેક્સ છૂટ મળશે. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું કે આ છૂટ માત્ર જૂની ટેક્સ વ્યવસ્થામાં જ મર્યાદિત રહેશે, જેનાથી બચત કરનારા વર્ગને કોઈ નવો ફાયદો મળ્યો નથી.

3. ખેડૂતો: પીએમ કિસાન નિધિમાં વધારો નહીં

ખેતી ક્ષેત્ર માટે અપેક્ષા હતી કે પીએમ કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક 6000 થી વધારીને 12000 કરવામાં આવશે. સાથે જ લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર કાયદેસરની ગેરંટી કે મોટી જાહેરાતની આશા હતી, જે આ બજેટમાં જોવા મળી નથી.

4. સિનિયર સિટીઝન: રેલવે કન્સેશન પર મૌન

વરિષ્ઠ નાગરિકો લાંબા સમયથી રેલવે ટિકિટમાં મળતી જૂની છૂટછાટો પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા હતા. બજેટમાં નવા રેલ કોરિડોર તો મળ્યા, પરંતુ વૃદ્ધો માટે ભાડામાં રાહત કે TDS કપાતમાં કોઈ મોટી સુવિધા જાહેર કરવામાં આવી નથી.

5. શેરબજાર: રોકાણકારોને બેવડો ફટકો

શેરબજારના રોકાણકારો માટે આ બજેટ નુકસાનકારક સાબિત થયું છે. LTCG અને STCG ટેક્સમાં ઘટાડાની આશા સામે F&O ટ્રેડિંગ પર ટેક્સ (STT) વધારી દેવામાં આવ્યો છે. આ પગલાથી ટ્રેડિંગ મોંઘું બન્યું છે અને શેરબજારમાં પણ તેની નકારાત્મક અસર જોવા મળી છે.

આ પણ વાંચોઃ Budgetનો ટેક્સ ઝટકો, STT વધતા જ શેરબજારમાં ભૂકંપ, જાણો શું છે STT અને તમારી પર શું થશે અસર?


  • Follow us on: