કેન્દ્રીય બજેટ 2026 હવે થોડા સમયમાં રજૂ થવાનું છે અને દેશનું નાણાકીય ક્ષેત્ર આ બજેટ તરફ ખાસ આશા સાથે જોઈ રહ્યું છે. નાણાકીય ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે આવનાર બજેટ માત્ર મોટા આંકડા કે ઘોષણાઓ પૂરતું ન રહે, પરંતુ તે દેશના નાણાકીય માળખાને મજબૂત બનાવે તેવો હોવો જોઈએ.


નાણાકીય ક્ષેત્રીની સૌથી મોટી માંગ

નાણાકીય ક્ષેત્રની સૌથી મોટી માંગ એ છે કે મૂડી સંબંધિત મર્યાદાઓને હળવી કરવામાં આવે જેથી બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ વધુ સારા રીતે ધિરાણ આપી શકે. મૂડીની ઉપલબ્ધતા વધવાથી નાના વ્યવસાયો, સ્ટાર્ટઅપ્સ અને વંચિત વર્ગોને સરળતાથી લોન મળી શકે અને નાણાકીય સમાવેશ વધે.

નિષ્ણાતોનો મત

નિષ્ણાતોના કહેવા મુજબ, બજેટમાં બચત, ધિરાણ અને ડિજિટલ ચુકવણી પર ખાસ ધ્યાન આપવું જોઈએ. છેલ્લા કેટલાક વર્ષોમાં ખાતા ખોલવામાં અને ડિજિટલ અપનાવવામાં પ્રગતિ થઈ છે, પરંતુ હવે આગળનો પડકાર એ છે કે ખાતાઓ સક્રિય રહે, લોકો લોનનો યોગ્ય ઉપયોગ કરી શકે અને અંતિમ સ્તરે સેવાઓ અસરકારક રીતે પહોંચે. આ માટે બેંકો અને ફાઇનાન્સિયલ મધ્યસ્થીઓ માટે ટકાઉ બિઝનેસ મોડેલ, પૂરતી પ્રવાહિતા અને સરકાર તરફથી યોગ્ય પ્રોત્સાહન જરૂરી છે.

ક્રેડિટ વધારવા પર નહીં પરંતુ તેની ગુણવત્તા

નિષ્ણાતોનું એવું પણ કહેવું છે કે , હવે ફક્ત ક્રેડિટ વધારવા પર નહીં પરંતુ તેની ગુણવત્તા પર ધ્યાન આપવાની જરૂર છે. જવાબદાર ધિરાણ, જોખમ વહેંચણી અને લાંબા ગાળાની સ્થિરતા ખૂબ જ મહત્વપૂર્ણ બનશે. તેમણે સૂચન કર્યું કે ક્રેડિટ ગેરંટી યોજના અને સહ-ધિરાણ માળખાને વધુ મજબૂત બનાવવામાં આવે. બેંકિંગ ક્ષેત્ર માટે પણ સુધારા જરૂરી છે. નાની ફાઇનાન્સ બેંકો અને શહેરી સહકારી બેંકો માટે મર્જર અને એક્વિઝિશન સરળ બનાવવાની શક્યતા છે. સાથે સાથે AI અને નવી ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે નીતિઓ લાવવામાં આવી શકે છે.

મોટી જાહેરાતોથી વધારે નીતિમાં સ્થિરતા

ખાનગી અને વિદેશી મૂડીને આકર્ષવા માટે જાહેર ક્ષેત્રની બેંકોમાં FDI મર્યાદા વધારવી અને વિદેશી બેંકો માટે કર પ્રક્રિયા સરળ બનાવવાની પણ માંગ છે. મૂડી બજારના દૃષ્ટિકોણથી, એક્સિસ સિક્યોરિટીઝના પ્રણવ હરિદાસને જણાવ્યું કે બજારને મોટી જાહેરાતોથી વધારે નીતિમાં સ્થિરતા અને વિશ્વસનીયતા જોઈએ છે. લાંબા ગાળાની બચતને પ્રોત્સાહન આપતી કર નીતિઓ ભારતને વૈશ્વિક રોકાણકારો માટે આકર્ષક બનાવશે. એકંદરે, નાણાકીય ક્ષેત્ર એવું બજેટ ઈચ્છે છે જે જમીન પર અસર કરે, નાણાકીય સમાવેશને સાચે મજબૂત બનાવે અને દેશના આર્થિક વિકાસને લાંબા ગાળે ટેકો આપે.

આ પણ વાંચો : Union Budget 2026: 1 ફેબ્રુઆરીએ બજેટ, જાણો સૌથી લાંબુ ભાષણ કયા નાણામંત્રીનું?


  • Follow us on: