બજેટ 2026 પહેલા દેશના ઓટોમોબાઈલ ક્ષેત્રમાંથી સરકાર સામે મહત્વપૂર્ણ માંગણીઓ આવી રહી છે. સ્કોડા ઓટો ફોક્સવેગન ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને CEO પિયુષ અરોરાએ જણાવ્યું છે કે ઓટોમોબાઈલ ઉદ્યોગની ગતિ જાળવવા માટે નીતિ સાતત્ય, માળખાગત વિકાસ અને ઇલેક્ટ્રિક વાહન (EV) ઇકોસિસ્ટમને મજબૂત બનાવવું અત્યંત જરૂરી છે.
સ્પષ્ટ નીતિ માળખું રોકાણ
સ્કોડા ઓટો ફોક્સવેગન ઇન્ડિયા ભારતમાં કુલ 6 બ્રાન્ડ્સનું સંચાલન કરે છે, જેમાં સ્કોડા, ફોક્સવેગન, ઓડી, બેન્ટલી, લેમ્બોર્ગિની અને પોર્શનો સમાવેશ થાય છે. આવા મોટા વૈશ્વિક જૂથ માટે સ્થિર અને સ્પષ્ટ નીતિ માળખું રોકાણ અને ઉત્પાદન બંને માટે મહત્વનું બની જાય છે.
દેશના પેસેન્જર વાહન ઉદ્યોગને મોટો ફાયદો
અહેવાલો અનુસાર પિયુષ અરોરાએ જણાવ્યું હતું કે ગયા વર્ષે અમલમાં આવેલા GST સુધારાઓથી દેશના પેસેન્જર વાહન ઉદ્યોગને મોટો ફાયદો થયો છે. હવે જો બજેટ 2026માં ઇલેક્ટ્રિક વાહનોને લગતા કેટલાક મુખ્ય કસ્ટમ ડ્યુટી મુદ્દાઓનું નિરાકરણ લાવવામાં આવે, તો તે EV સેગમેન્ટને વધુ વેગ આપી શકે છે. તેમણે જણાવ્યું કે કસ્ટમ્સ ડ્યુટીમાં સુધારાઓ થવાથી બહુરાષ્ટ્રીય કંપનીઓ માટે આયાત અને નિકાસ બંનેનું સંચાલન સરળ બની શકે છે. ખાસ કરીને વૈશ્વિક સપ્લાય ચેઇન સાથે જોડાયેલી કંપનીઓ માટે આ સુધારા ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે.
નિષ્ણાતોનો મત
નિષ્ણાતોના મતે વિવિધ ટેક્નોલોજીઓ માટે સ્પષ્ટ અને એકરૂપ માળખું હોવું ઉદ્યોગ માટે સકારાત્મક પગલું સાબિત થશે. દ્વિપક્ષીય વેપાર કરારો અંગે તેમણે જણાવ્યું કે આવા કરારો સ્કોડા-ફોક્સવેગન જૂથ માટે નવી તકો ખોલી શકે છે. આ કરારોના માધ્યમથી નવા બજારોમાં ઉત્પાદનો અને નવી ટેક્નોલોજી રજૂ કરવી સરળ બનશે.
ઉત્પાદનો વિકસાવવાની અને ત્યારબાદ નિકાસ કરવાની
અરોરાએ સ્પષ્ટ કર્યું કે કંપનીની મુખ્ય વ્યૂહરચના ભારતમાં સ્થાનિક રીતે ઉત્પાદનો વિકસાવવાની અને ત્યારબાદ નિકાસ કરવાની છે. ભારતીય ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વાહનો ડિઝાઇન અને ઉત્પાદન કરવાનું કંપની ચાલુ રાખશે. સ્કોડા બ્રાન્ડની વૈશ્વિક સફળતા અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે ગયા વર્ષે સ્કોડાએ વિશ્વભરમાં રેકોર્ડ 10 લાખ કાર વેચી હતી. ભારત, જર્મની, ચેક રિપબ્લિક અને યુકે તેના મુખ્ય બજારો છે. ભારતમાં EVનો પ્રવેશ હજુ ઓછો હોવાથી, ભવિષ્યમાં વીજળીકરણ કંપની માટે એક મહત્વપૂર્ણ ક્ષેત્ર બની રહેશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય બજેટ 2026 આગામી 1 ફેબ્રુઆરીએ રજૂ થવાનું છે, જેમાં ઓટોમોબાઈલ અને EV ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ જાહેરાતોની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Union Budget 2026 : 92 વર્ષ પછી બદલાઈ ભારતીય બજેટની પરંપરા, જાણો શું થયું 2017માં