નાણાકીય વર્ષ 2026-27નું કેન્દ્રીય બજેટ રજૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દેશના ઓટોમોબાઇલ ઉદ્યોગની દિગ્ગજ કંપનીઓએ સરકાર સમક્ષ પોતાની મહત્વની માંગણીઓ રજૂ કરી છે. ટાટા મોટર્સ અને મર્સિડીઝ-બેન્ઝ જેવી અગ્રણી કંપનીઓએ ઈલેક્ટ્રિક વાહનોના વેચાણને પ્રોત્સાહન આપવા અને ટેક્સ માળખામાં સુધારા કરવા પર ભાર મૂક્યો છે.


કોમર્શિયલ સેગમેન્ટ પર ધ્યાન

એન્ટ્રી લેવલ EV અને કોમર્શિયલ સેગમેન્ટ પર ધ્યાન ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સના MD અને CEOના જણાવ્યા અનુસાર અગાઉના જીએસટી સુધારાઓ અને રેપો રેટમાં ઘટાડાને કારણે પેટ્રોલ કારોની કિંમતો સ્પર્ધાત્મક બની છે. આ સ્થિતિમાં, પ્રારંભિક સ્તરની ઈલેક્ટ્રિક કારો સામે સ્પર્ધાનું દબાણ વધ્યું છે. તેમણે બજેટમાં આ ખાસ સેગમેન્ટ માટે વિશેષ પ્રોત્સાહનોની માંગ કરી છે.

પીએમ ઈ-ડ્રાઈવ યોજનામાં ઇલેક્ટ્રિક કારોને સામેલ કરવા મૂકાયો ભાર

વધુમાં, તેમણે 'પીએમ ઈ-ડ્રાઈવ' યોજનામાં કોમર્શિયલ ઈલેક્ટ્રિક કારોને સામેલ કરવા પર ભાર મૂક્યો છે. તેમણે તર્ક આપ્યો કે કોમર્શિયલ વાહનો સામાન્ય કાર કરતા પાંચ ગણું વધુ અંતર કાપે છે, છતાં કુલ વેચાણમાં તેમનો હિસ્સો માત્ર 7% છે. જો આ સેગમેન્ટને સરકારી સહાય મળે, તો પર્યાવરણ અને તેલની આયાત પર મોટી સકારાત્મક અસર પડી શકે છે.

મર્સિડીઝ-બેન્ઝ

કસ્ટમ ડ્યૂટીના તર્કસંગતકરણની માંગ લક્ઝરી કાર ઉત્પાદક મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાના MDએ જણાવ્યું કે, પ્રીમિયમ સેગમેન્ટમાં માંગ વધારવા માટે આયાતી કારો પરની કસ્ટમ ડ્યૂટી ઘટાડવી અનિવાર્ય છે. હાલમાં 40,000 ડોલરથી ઓછી કિંમતની આયાતી કાર પર 70% અને તેથી વધુ કિંમતની કાર પર 110% જેટલી મસમોટી કસ્ટમ ડ્યૂટી લાગે છે. અય્યરે આ દરોને તર્કસંગત બનાવી એક જ સ્લેબ હેઠળ લાવવાની દરખાસ્ત મૂકી છે. તેમના મતે, જો ડ્યૂટી ઘટશે તો વેચાણ વધશે અને અંતે સરકારની કુલ કર આવકમાં પણ વૃદ્ધિ થશે.

આર્થિક નીતિઓ દ્વારા ટકાઉ વિકાસની આશા

ઓટોમોબાઇલ ક્ષેત્રની આ માંગણીઓ સ્પષ્ટ કરે છે કે ઉદ્યોગ હવે માત્ર વેચાણ વધારવા જ નહીં, પરંતુ ઈલેક્ટ્રિક મોબિલિટી અને સ્થિર આર્થિક નીતિઓ દ્વારા ટકાઉ વિકાસ ઈચ્છે છે. હવે જોવાનું એ રહેશે કે નાણામંત્રી આ બજેટમાં મધ્યમ વર્ગની ઈવી કારો અને લક્ઝરી સેગમેન્ટ માટે કેવી રાહતોની જાહેરાત કરે છે.

આ પણ વાંચોઃ Atal Pension Yojana: નિવૃત્તિ સમયે નો ટેન્શન, મોદી સરકારની અટલ પેન્શન યોજના હવે 2031 સુધી રહેશે અકબંધ


  • Follow us on: