આગામી કેન્દ્રીય બજેટ 2026-27થી મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને ઘણી મહત્વપૂર્ણ જાહેરાતોની આશા છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઓફ ઈન્ડિયા (AMFI) એ સરકાર સમક્ષ કુલ 27 મહત્વપૂર્ણ માંગણીઓ મૂકી છે, જેનો મુખ્ય હેતુ રોકાણને વધુ આકર્ષક બનાવવાનો, કરના ભારમાં રાહત આપવાનો અને ભારતીય મૂડી બજારને મજબૂત કરવાનો છે.
AMFI ની સૌથી મહત્વપૂર્ણ માંગણીઓ
AMFI ની સૌથી મહત્વપૂર્ણ માંગણીઓમાં એક છે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ પર લાંબા ગાળાના મૂડી લાભ (LTCG) માટે ઇન્ડેક્સેશન લાભ ફરી શરૂ કરવો. 2024ના બજેટમાં આ લાભ દૂર કરવામાં આવ્યો હતો, જેના કારણે ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને નિવૃત્ત લોકો પર અસર પડી હતી. અહેવાલ મુજબ, સરકાર બે વિકલ્પો પર વિચાર કરી રહી છે –ઇન્ડેક્સેશન વગર 12.5% ટેક્સ અથવા 36 મહિનાથી વધુ સમય માટે રોકાણ રાખવામાં આવે તો ઇન્ડેક્સેશન સાથે 20% ટેક્સ. આ ફેરફારોથી ડેટ ફંડ્સ ફરીથી આકર્ષક બની શકે છે.
ELSS માટે અલગ કર કપાતની માંગ
AMFI એ નવી કર વ્યવસ્થા હેઠળ ELSS (Equity Linked Savings Scheme) ને અલગ કર કપાત લાભ આપવાની માંગ કરી છે. હાલમાં નવી કર વ્યવસ્થામાં ELSS ને કોઈ વિશેષ લાભ મળતો નથી. જો આ માંગ સ્વીકારવામાં આવે, તો ELSS ફરીથી મધ્યવર્ગ માટે લોકપ્રિય કર બચત વિકલ્પ બની શકે છે. આ ઉપરાંત, ELSS ના નિયમ 3A માં ફેરફાર કરીને ₹500 ના ગુણાંકની મર્યાદા દૂર કરવાની પણ માંગ છે, જેથી રોકાણકારો કોઈપણ રકમમાં રોકાણ કરી શકે.
ઇક્વિટી ફંડની વ્યાખ્યામાં ફેરફાર
AMFI એ સૂચન કર્યું છે કે વિદેશી ઇક્વિટીમાં રોકાણ કરનાર ફંડ ઓફ ફંડ્સ ને પણ ઇક્વિટી-ઓરિએન્ટેડ ફંડ તરીકે ગણવામાં આવે. હાલમાં આવા ફંડ્સ પર ડેટ ફંડ જેવો કર લાગુ થાય છે, જે રોકાણકારો માટે અયોગ્ય છે.
નિવૃત્તિ માટે નવી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ
AMFI એ Mutual Fund Linked Retirement Scheme (MFLRS) શરૂ કરવાની ભલામણ કરી છે, જે NPS જેવી EEE (Exempt-Exempt-Exempt) કર વ્યવસ્થાથી સજ્જ હોય. જો આ અમલમાં આવે, તો લોકો નિવૃત્તિ માટે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા વધુ બચત કરવા પ્રોત્સાહિત થશે.
ડેટ-લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (DLSS)
બોન્ડ માર્કેટને મજબૂત બનાવવા માટે DLSS શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. આ સ્કીમ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં લાંબા ગાળાનું રોકાણ વધારવામાં મદદરૂપ થશે અને સરકાર તેમજ કંપનીઓ માટે મૂડી એકત્ર કરવી સરળ બનાવશે.
મૂડી લાભ કરમાં વધારાની રાહત
5 વર્ષથી વધુ સમય સુધી મ્યુચ્યુઅલ ફંડ ધરાવતા રોકાણકારો માટે વધારાની કર રાહતની પણ માંગ છે. સાથે જ, ઇક્વિટી કમાણી પર વર્તમાન ₹1.25 લાખની વાર્ષિક કરમુક્ત મર્યાદા વધારવાની ભલામણ કરવામાં આવી છે, કારણ કે મહેંગાઈની સરખામણીમાં આ મર્યાદા ખૂબ ઓછી છે.
ફંડ ઓફ ફંડ્સ માટે ટેક્સ પેરિટી
AMFI એ માંગ કરી છે કે જે ફંડ ઓફ ફંડ્સ પોતાના 90% રોકાણ ઇક્વિટીમાં કરે છે, તેમને પણ ઇક્વિટી ફંડ તરીકે જ ગણવામાં આવે, જેથી ઓછો કર લાગુ પડે. જો બજેટ 2026માં AMFI ની આ માંગણીઓમાંથી મોટા ભાગની સ્વીકાર થાય, તો મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે આ બજેટ એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. ખાસ કરીને મધ્યવર્ગ, વરિષ્ઠ નાગરિકો અને નિવૃત્તિ માટે બચત કરનાર લોકો માટે આ ફેરફારો લાંબા ગાળે ખૂબ લાભદાયી રહેશે.
આ પણ વાંચો : Union Budget 2026 : મધ્યમ વર્ગ અને રોકાણકારોને મળશે મોટી રાહત?