બજેટ 2026 રજૂ થવાના આરે છે ત્યારે વરિષ્ઠ નાગરિકો માટે મહત્વપૂર્ણ કર રાહતોની માંગ ફરી એકવાર તેજ બની છે. નિવૃત્તિ બાદ ઘણા લોકો પેન્શન, ભાડાની આવક અને ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પરથી મળતી વ્યાજ આવક પર નિર્ભર હોય છે. આવી સ્થિતિમાં કર સંબંધિત છૂટછાટો તેમના માટે ખૂબ જ મહત્વની બની જાય છે.
FD પર TDS મર્યાદા વધારવાની માંગ
હાલમાં નાણાકીય વર્ષ 2025-26થી વરિષ્ઠ નાગરિકો માટે FD પર મળતી વ્યાજ આવક પર TDS કપાતની મર્યાદા ₹50,000 થી વધારીને ₹1 લાખ કરવામાં આવી છે. આ બદલાવથી અનેક નિવૃત્ત લોકોને રાહત મળી છે. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને આ મર્યાદાને વધુ વધારવી જોઈએ, કારણ કે ઘણા વરિષ્ઠ નાગરિકોની મુખ્ય આવકનો સ્ત્રોત FD વ્યાજ જ હોય છે.
ભાડાની આવક પર વધુ છૂટની અપેક્ષા
સરકારે તાજેતરમાં ભાડાની આવક માટે વાર્ષિક TDS મર્યાદા ₹2.40 લાખથી વધારીને ₹6 લાખ કરી છે, જે ઘરમાલિકો માટે મોટું રાહત પગલું છે. જો કે શહેરી વિસ્તારોમાં વધતા ભાડા અને જીવન ખર્ચને જોતા, આ મર્યાદાને હજી વધુ વધારવાની માંગ થઈ રહી છે, જેથી મધ્યમ વર્ગ અને વરિષ્ઠ નાગરિકોને સીધો લાભ મળી શકે.
જૂની કર વ્યવસ્થામાં ફેરફારની આશા
જૂની કર વ્યવસ્થા હેઠળ વરિષ્ઠ નાગરિકો માટે હાલમાં વાર્ષિક મુક્તિ મર્યાદા ₹3 લાખ છે, જ્યારે 80 વર્ષથી વધુ ઉંમરના સુપર સિનિયર સિટીઝન માટે ₹5 લાખ છે. નવી કર વ્યવસ્થામાં મૂળભૂત મુક્તિ મર્યાદા ₹4 લાખ કરવામાં આવી છે, પરંતુ તેમાં અનેક છૂટછાટો ઉપલબ્ધ નથી. તેથી બજેટ 2026માં જૂની કર વ્યવસ્થાને વધુ આકર્ષક બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ITR ફાઈલિંગથી મુક્તિમાં છૂટ
બજેટ 2024માં સરકારે 75 વર્ષથી વધુ ઉંમરના એવા વરિષ્ઠ નાગરિકો, જેઓની આવક ફક્ત પેન્શન અને વ્યાજ સુધી સીમિત છે, તેમને ITR ફાઈલિંગમાંથી મુક્તિ આપી હતી. હવે નાણાકીય નિષ્ણાતો આ વય મર્યાદાને 70 વર્ષ સુધી ઘટાડવાની ભલામણ કરી રહ્યા છે, જેને બજેટ 2026માં સ્વીકારવામાં આવે તેવી શક્યતા છે.
બચત યોજનાઓ પર કર રાહત
SCSS (Senior Citizen Saving Scheme) અને પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ પર મળતા વ્યાજ પર કર મુક્તિ વધારવાની પણ ચર્ચા ચાલી રહી છે. જો આ થાય, તો નિવૃત્ત લોકો માટે આર્થિક સુરક્ષા વધુ મજબૂત બનશે. બજેટ 2026 વરિષ્ઠ નાગરિકો માટે રાહત ભરેલું બની શકે છે. જો સરકાર TDS મર્યાદા, ભાડાની આવક અને બચત યોજનાઓ પર વધુ છૂટ આપે, તો નિવૃત્તિ બાદની જિંદગી વધુ નિશ્ચિત અને સુરક્ષિત બની શકે છે.
આ પણ વાંચો : “સંત પાસે કોઈ મિલકત નથી” સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું નામ લીધા વિના CM યોગીના કડક પ્રહારો