- ભારત 2025ના અંત સુધીમાં 5,000 અબજ અમેરિકી ડોલરની અર્થતંત્ર બની જશે:અમિત શાહ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વને કારણે ભારતે છેલ્લા એક દાયકામાં દરેક મોરચે ઝડપથી પ્રગતિ કરી
- 2014 અને 2023 ની વચ્ચે ભારત 11મા અર્થતંત્રમાંથી વધીને વિશ્વની પાંચમી અર્થવ્યવસ્થા બન્યું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે કહ્યું હતું કે ભારત 2025ના અંત સુધીમાં 5,000 અબજ અમેરિકી ડોલરની અર્થતંત્ર બની જશે. તેઓ દેહરાદૂનમાં 'ઉત્તરાખંડ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ'માં બોલી રહ્યા હતા. કોન્ફરન્સના બીજા અને છેલ્લા દિવસે સત્રને સંબોધતા તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વને કારણે ભારતે છેલ્લા એક દાયકામાં દરેક મોરચે ઝડપથી પ્રગતિ કરી છે.
ભારત 11માં સ્થાનેથી પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા
શાહે કહ્યું હતું કે, 'આજે વિશ્વ ભારત તરફ આશાભરી નજરે જોઈ રહ્યું છે. 2014 અને 2023 ની વચ્ચે ભારત 11મા અર્થતંત્રમાંથી વધીને વિશ્વની પાંચમી (સૌથી મોટી) અર્થવ્યવસ્થા બની ગયું છે. તેમણે કહ્યું હતું કે આઝાદીના 75 વર્ષ દરમિયાન દેશે આટલી મોટી છલાંગ પહેલા ક્યારેય નથી લીધી હતી. તેમણે આનો સંપૂર્ણ શ્રેય પીએમ મોદીના દૂરંદેશી નેતૃત્વ અને તેમના લક્ષ્યોને વાસ્તવિકતામાં બદલવાની તેમની ક્ષમતાને આપ્યો છે.
જીડીપી વધારવાનો પ્રયાસ
શાહે જણાવ્યું હતું કે મોદી આબોહવા પરિવર્તન સામેની ચળવળનું નેતૃત્વ કરી રહ્યા છે આતંકવાદ મુક્ત વિશ્વ માટે આંતરરાષ્ટ્રીય અભિયાનનું નેતૃત્વ કરી રહ્યા છે અને તેમના મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ દ્વારા વિશ્વની ધીમી જીડીપીને વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે G-20 દિલ્હી ઘોષણા રાજદ્વારી મોરચે ભારતની એક મોટી ઉપલબ્ધિ છે જેને વિશ્વ આવનારા દાયકાઓ સુધી યાદ રાખશે.
આ પહેલા ઉત્તરાખંડ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટના ઉદ્ઘાટન સમયે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે મારા ત્રીજા કાર્યકાળ દરમિયાન આગામી કેટલાક વર્ષોમાં દેશ દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. PM મોદીએ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને સ્વ-સહાય જૂથોની આવક વધારવા માટે બ્રાન્ડ 'હાઉસ ઓફ હિમાલય' પણ લોન્ચ કરી હતી.