દેશમાં હવે ડિજિટલ પેમેન્ટમાં સતત વધારો થઈ રહ્યો છે. મે મહિનામાં UPI દ્વારા લોકોએ રેકોર્ડબ્રેક ડિજિટલ પેમેન્ટ કર્યુ છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર મે મહિનામાં UPI દ્વારા 18.68 બિલિયન ટ્રાન્ઝેકશન થયા છે, જ્યારે એપ્રિલ મહિનામાં 17.89 બિલિયન ટ્રાન્ઝેક્શન થયા હતા. મે મહિનામાં તેમાં 4.4 ટકાનો વધારો નોંધાયો છે. મે મહિનામાં 25.14 લાખ કરોડ રૂપિયાની લેણદેણ UPI દ્વારા કરવામાં આવી છે, જ્યારે એપ્રિલ મહિનામાં આ આંકડો 23.95 લાખ કરોડ રૂપિયા હતો.
2016થી UPI શરૂ કરવામાં આવ્યું છે
મે 2024ની તુલનામાં આ વર્ષે ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં 33 ટકાનો વધારો થયો છે, ત્યારે 14.03 બિલિયન ટ્રાન્ઝેક્શન થયા હતા, મે મહિનામાં એવરેજ દરેક દિવસે 602 મિલિયન ટ્રાન્ઝેક્શન થયા છે, જેમાં 81,106 કરોડ રૂપિયાની લેણદેણ થઈ છે. તમને જણાવી દઈએ કે 2016માં શરૂ થયા બાદ UPIએ ખુબ જ લોકપ્રિયતા મેળવી છે. નોટબંધી બાદ ડિજિટલ પેમેન્ટમાં મોટો વધારો થયો છે. સ્માર્ટફોનના ઉપયોગમાં વધારો થયા બાદ, ગૂગલ પે, ફોન પે, પેટીએમ જેવા ખાનગી એપ્સની એન્ટ્રી બાદ ડિજિટલ પેમેન્ટ ઓપ્શન મજબૂત બન્યો છે. બીજી તરફ મે મહિનામાં IMPS દ્વારા 464 મિલિયન ટ્રાન્ઝેક્શન થયા છે, જેના દ્વારા 6.41 લાખ કરોડ રૂપિયાની લેણદેણ કરવામાં આવી છે. ત્યારે આધાર ઈનેબલ પેમેન્ટ સિસ્ટમ (AePS) દ્વારા 105 મિલિયન અને ફાસ્ટેગ દ્વારા 404 મિલિયન ટ્રાન્ઝેક્શન થયા છે.
https://twitter.com/NPCI_NPCI/status/1929020344192340200
વિદેશમાં પણ UPI પેમેન્ટની બોલબાલા
UPIને પ્રોત્સાહન આપવા માટે સરકારે 1500 કરોડ રૂપિયાની યોજનાને પણ મંજૂરી આપી દીધી છે, જેથી નાના ડિજિટલ લેણદેણનો ખર્ચ ઓછો થઈ શકે પણ ફિનટેક કંપનીઓનું કહેવું છે કે આ ફંડ પર્યાપ્ત માત્રામાં નથી. પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ પણ મોટા વેપારીઓ માટે UPI પર 0.3 ટકા મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટ અને રૂપે ડેબિટ કાર્ડ પર સામાન્ય MDR લાગુ કરવાની માગ કરી છે. આ સિવાય UPI હવે સિંગાપુર, યુએઈ, મોરિશિયસ, શ્રીલંકા, ફ્રાન્સ, ભૂતાન અને નેપાળ જેવા દેશોમાં પણ શરૂ થઈ ગયું છે.