- લગભગ 100 ભારતીય નેતાઓ હાજર રહ્યા હતા
- વિભાજનથી વૈશ્વિક અર્થતંત્રને 7 ટકા જેટલું નુકસાન
- મોદીના નેતૃત્વમાં G-20ની ભારતની અધ્યક્ષતાની રાહમાં
વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક શુક્રવારે આબોહવા, યુદ્ધ અને આર્થિક મુદ્દાઓ પર પાંચ દિવસની ઉગ્ર ચર્ચાઓ બાદ સમાપ્ત થઈ હતી. વર્લ્ડ ઇકોનોમિક ફોરમનાં સ્થાપક અને કાર્યકારી અધ્યક્ષ ક્લોસ શ્વેબે વૈશ્વિક આર્થિક અને રાજકીય સંકટ વચ્ચે ભારતને એક ચમકતો સિતારો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે ભારતને એવા મહત્વપૂર્ણ સમયે G-20નું અધ્યક્ષપદ મળ્યું છે, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નેતૃત્વ આ વિભાજિત વિશ્વ માટે મહત્વપૂર્ણ છે. પાંચ દિવસની બેઠકમાં ચાર કેન્દ્રીય પ્રધાનો અને એક મુખ્ય પ્રધાન સહિત લગભગ 100 ભારતીય નેતાઓ અને પ્રતિનિધિમંડળના સભ્યોએ ભાગ લીધો હતો.
WEF દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, શ્વેબે કહ્યું કે G-20 ના ભારતના પ્રમુખપદ દરમિયાન તે ઘરેલું પડકારોના મોરચે નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે તેમજ બધા માટે ન્યાયી અને સમાન વિકાસને પ્રોત્સાહન આપી રહ્યું છે. WEFની વાર્ષિક બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે બહુવિધ કટોકટીઓએ વિભાજનને ઊંડું બનાવ્યું છે. ફોરમ ભારત સાથેના તેના 38 વર્ષના સહકારી ઈતિહાસને મહત્ત્વ આપે છે અને PM મોદીના નેતૃત્વમાં G-20ની ભારતની અધ્યક્ષતાની રાહ જુએ છે.










