ભારત વિશ્વમાં ઝડપથી વધતી અર્થવ્યવસ્થા છે. ગ્રોથના મામલે ભારતે અમેરિકા, ચીન, જાપાન અને જર્મની સુદ્ધાને પાછળ છોડી દીધા છે. જ્યા વિશ્વની બે મોટી ઈકોનોમી ધરાવતા દેશ જાપાન અને યુકે અત્યારે મંદીનો સામનો કરી રહી છે. જ્યારે ભારતનું અર્થતંત્ર તેજીથી મજબૂત થઈ રહ્યું છે. જો બધુ ઠીક રહ્યું તો કેટલાક વર્ષો પછી દેશની ઈકોનોમી વિશ્વમાં ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બની શકે છે. આ વાતની ભવિષ્યવાણી દિગ્ગજ રેટિંગ એજન્સીએ કહી છે. જાણીએ રેટિંગ એજન્સીએ રિપોર્ટમાં દેશની અર્થવ્યવસ્થાને લઈ શું કહ્યું....
ભારત વર્ષ-2030 સુધીમાં ત્રીજી સૌથી મોટી વૈશ્વિક અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે. રેટિંગ એજન્સી એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે એક રિપોર્ટમાં આ વાત કહી છે. જો કે એજન્સીએ જણાવ્યું હતું કે વધતી જતી વસ્તી મૂળભૂત સેવાઓનો વ્યાપ વધારવામાં વધતા પડકારો રજૂ કરે છે અને ઉત્પાદકતા જાળવવા માટે રોકાણની જરૂરિયાતમાં પણ વધારો કરે છે.
પાંચમું સૌથી મજબૂત અર્થતંત્ર
અહેવાલમાં જણાવાયું છે કે, નવી ઉભરતી અર્થવ્યવસ્થાઓ આગામી દાયકા અને તેના પછીની મહત્વાકાંક્ષાઓ ધરાવે છે. હાલમાં 3,600 અબજ ડોલરની અર્થવ્યવસ્થા, ભારતનું લક્ષ્ય વર્ષ-2047 સુધીમાં 30 હજાર અબજ ડોલરનું અર્થતંત્ર બનવાનું છે. ભારત અત્યારે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.
તો ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ક્યારે બનશે?
એસએન્ડપીએ જણાવ્યું હતું કે, ભારત આગામી ત્રણ વર્ષમાં સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બનવા માટે તૈયાર છે અને વર્ષ-2030 સુધીમાં વૈશ્વિક સ્તરે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. 2024 માં ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ જાયન્ટ જેપી મોર્ગનના ગવર્નમેન્ટ ઇમર્જિંગ માર્કેટ્સ બોન્ડ ઇન્ડેક્સમાં તેનો પ્રવેશ વધારાના સરકારી ધિરાણ અને સ્થાનિક મૂડી બજારોમાં નોંધપાત્ર સંસાધનોની ઍક્સેસ પ્રદાન કરી શકે છે.
આ રીતે અર્થતંત્રને પાંખો મળશે
S&P એ તેના Emerging Markets Future Look: A Decisive Decade રિપોર્ટમાં જણાવ્યું હતું કે આગામી દાયકામાં વૈશ્વિક અર્થતંત્રને આકાર આપવામાં ઊભરતાં બજારો મહત્વની ભૂમિકા ભજવશે. જ્યારે 2035 સુધીમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)નો સરેરાશ વૃદ્ધિ દર 4.06 ટકા રહેશે, જ્યારે અદ્યતન અર્થતંત્રો માટે આ દર 1.59 ટકા રહેશે. વર્ષ-2035 સુધીમાં, ઊભરતાં બજારો વૈશ્વિક આર્થિક વૃદ્ધિમાં લગભગ 65 ટકા યોગદાન આપશે. આ વૃદ્ધિ મુખ્યત્વે એશિયા-પેસિફિક ક્ષેત્રની ઉભરતી અર્થવ્યવસ્થાઓ દ્વારા પ્રદાન કરવામાં આવશે. જેમાં ચીન, ભારત, વિયેતનામ અને ફિલિપાઈન્સનો સમાવેશ થાય છે.
વધુમાં, ભારત 2035 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે સ્થાપિત થશે, જ્યારે ઇન્ડોનેશિયા અને બ્રાઝિલ આઠમા અને નવમા ક્રમે આવશે, S&Pએ જણાવ્યું હતું. તેણે જણાવ્યું હતું કે ભારતે તેના મૂડી ખર્ચમાં વધારો કરીને તેની નબળી નાણાકીય ક્ષમતાને સુધારવા માટે પણ પગલાં લીધાં છે, જે લાંબા ગાળાની વૃદ્ધિને વધુ ટેકો આપશે.