નેપાળના વડાપ્રધાન બાલેન શાહની આ પહેલી દ્વિપક્ષીય વિદેશ મુલાકાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાલેન શાહની મુલાકાત દરમિયાન અનેક મુદ્દે વાતચીત થઇ. ભારત અને નેપાળના સંબંધો સારા રહે એ બંનેના હિતમાં છે નેપાળના વડાપ્રધાન બાલેન શાહ ભારતની બે દિવસની મુલાકાતે આવ્યા એ સાથે ભારત અને નેપાળના સંબંધોનું નવું પ્રકરણ શરૂ થયું છે. નેપાળમાં એક પરંપરા રહી છે કે, કોઇ પણ વડાપ્રધાન બને એ પછી સૌથી પહેલી વિદેશ યાત્રા ભારતની જ કરે છે. બાલેન શાહે આ પરંપરા જાળવી છે. ભૂતપૂર્વ વડાપ્રધાન કે. પી. શર્મા ઓલી અને પુષ્પ કમલ દહલ પ્રચંડે આ પરંપરા તોડીને ભારત આવવાના બદલે પહેલી મુલાકાત ચીનની કરી હતી. બાલેન શાહ સપ્ટેમ્બર, 2026માં અમેરિકા ગયા હતા પણ બહુપક્ષીય આંતરરાષ્ટ્રીય સંમેલન હતું. તેમની આ પહેલી દ્વિપક્ષીય મુલાકાત છે. ભારત અને નેપાળના સંબંધો પ્રાચીન સમયથી ઉમદા રહ્યા છે. જોકે, છેલ્લા થોડા વર્ષોમાં બંને વચ્ચેના સંબંધોમાં ભારે ચડાવ ઉતાર જોવા મળ્યા છે. નેપાળ ભારતની નજીક રહે એ ચીનથી સહન થતું નથી. ચીન બંને વચ્ચેની દોસ્તીમાં દરાર પાડવાના પ્રયાસો કરતું રહે છે. નેપાળના ભૂતપૂર્વ વડાપ્રધાન કે. પી. શર્મા ઓલી ચીનના ખોળે બેસી ગયા હતા. તેમના કાર્યકાળ દરમિયાન ભારત અને નેપાળના સંબંધો બગડ્યા હતા. બાલેન શાહની ઇમેજ પહેલા ભારત વિરોધીની હતી. બાલેન શાહ કાઠમંડુના મેયર હતા ત્યારે તેમણે ભારતના કાલાપાની અને લિપુલેખ સહિત ઘણા વિસ્તારોને નેપાળના ગણાવી ગ્રેટર નેપાળનો નકશો પોતાની ચેમ્બરમાં લગાડ્યો હતો. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, ભારત નેપાળના આંતરિક રાજકારણમાં દખલગીરી કરે છે. ભારત વિશે તેમણે ભલે જાતજાતની વાત કરી હોય પણ તેમણે ચીનનું ક્યારેય ખુલ્લું સમર્થન કર્યું નથી. વડાપ્રધાનપદ માટેની ચૂંટણી દરમિયાન તેમણે એવી વાતો કરી હતી કે, નેપાળ ભારત અને ચીન સહિત તમામ દેશો સાથે મળીને કામ કરવા જ ઇચ્છે છે. આ વખતની મુલાકાત વિશે તેમણે કહ્યું કે, ભારત અન નેપાળના સંબંધો નવી ઊંચાઇ હાંસલ કરવાના છે. નેપાળ અને ભારત વચ્ચે અનેક સમજૂતીઓ નેપાળના વડાપ્રધાન બાલેન શાહ અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી દ્વિપક્ષીય વાતચીત દરમિયાન અનેક કામો અને પ્રોજેક્ટો માટે સમજૂતી સાધવામાં આવી છે. નેપાળમાં આવેલા ભયંકર પૂર બાદ નેપાળની હાલત ખરાબ થઇ ગઇ છે. એ સિવાય પણ અમેરિકા અને ઇરાનના યુદ્ધના કારણે ઇંધણ અને અનાજની અછત સર્જાઇ છે. નેપાળ અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. ભારત આવતા પહેલા જ વડાપ્રધાન બાલેન શાહે પૂર પ્રભાવિત વિસ્તારોના પુર્નનિમાર્ણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો માટે ભારત સમક્ષ બે અબજ ડોલરની આર્થિક મદદ અને લોનનો પ્રસ્તાવ મૂક્યો હતો. બાલેન શાહની મુલાકાત દરમિયાન રામ જન્મભૂમિ અયોધ્યાથી સીતા જન્મસ્થળ જનકપુરને જોડતી સરયૂ કમલા એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી બતાવી પ્રારંભ કરવામાં આવ્યો. આ ઉપરાંત શિક્ષણ, આરોગ્ય, કૃષિ, ઉર્જા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને માનવ સંશાધન વિશે સમજૂતીઓ કરવામાં આવી. ભારતે આ વખતે પણ નેપાળ માટે થાય એ બધું કર્યું છે. નેપાળના વડાપ્રધાન બાલેન શાહનું વર્તન કેવું રહે છે તેના પર બંને દેશના સંબંધોનો આધાર રહેવાનો છે. એક હકીકત એ છે કે, નેપાળને બેઠું થવા માટે ભારત વગર ચાલવાનું નથી. ભારત અને નેપાળના સંબંધોમાં ચડાવ ઉતાર ભારત અને નેપાળ સંસ્કૃતિ, પરંપરા અને વેપારથી ગાઢ રીતે જોડાયેલા છે. ભારતે હંમેશાં નેપાળનું નાના ભાઇ તરીકે ધ્યાન રાખ્યું છે. આપણો દેશ આઝાદ થયો એ પછી 1950માં ભારત અને નેપાળ વચ્ચે શાંતિ અને મિત્રતા માટે ઐતિહાસિક સંધિ થઇ હતી. આ સંધિ બંને દેશો વચ્ચે ખુલ્લી સરહદ અને નાગરિકોને એક-બીજાના દેશમાં મુક્તપણે હરવા, ફરવા, રહેવા અને કામ કરવાના અધિકારો આપે છે. એ સમયથી બંને વચ્ચે ખૂબ જ સારા સંબંધો રહ્યા છે. તારીખ 20મી સપ્ટેમ્બર, 2015ના રોજ નેપાળે નવું બંધારણ અમલમાં મૂક્યું એ પછી બંને દેશના સંબંધોમાં અંતર સર્જાયું હતું. નેપાળના તરાઇ વિસ્તારમાં રહેતા ભારતીય મૂળના મધેસી અને થારુ સમુદાયનો એવો આક્ષેપ હતો કે, નવા બંધારણમાં અમને હાંસિયામાં ધકેલી દેવાયા હતા. મધેસીઓએ આંદોલન કરીને ભારત અને નેપાળ વચ્ચેના મુખ્ય વેપારી માર્ગો બંધ કરાવી દીધા હતા. રસ્તાઓ બંધ થતાં નેપાળમાં ઓઇલ, દવા અને જીવન જરૂરિયાતની ચીજોની અછત સર્જાઇ હતી. નેપાળે એ સમયે ભારત પર અઘોષિત નાકાબંધીનો આરોપ મૂક્યો હતો. નવા બંધારણમાં એ સિવાય પણ બીજું ઘણું એવું હતું જે ભારતના હિતોને નુકશાન પહોંચાડતું હતું. એક તરફ આ વિવાદ ચાલતો હતો ત્યારે બીજી તરફ નેપાળે ચીન તરફ પોતાનો ઝુકાવ વધાર્યો હતો. નેપાળને ભારતથી દૂર કરવા ચીને જાતજાતની લાલચો આપી હતી. નેપાળે એ પછી ભારતના ઉત્તરાખંડમાં આવેલા કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધૂરા પોતાના હોવાનો દાવો કર્યો હતો. જેના કારણે બંને વચ્ચે સરહદી વિવાદ સર્જાયો હતો. એ સિવાય પણ ભારતીય સેનામાં ગુરખાઓની ભરતી અને નેપાળના લોકોની ભારતમાં આવીને ખરીદી સહિત અનેક મામલે વાંધા વચકા શરૂ થયા હતા. ચીન હજુયે એવા પ્રયાસો કરવાનું છે કે, ભારત અને નેપાળ વધુ નજીક ન આવે. નેપાળના મોટા ભાગના લોકોનું કહેવું એવું છે કે, નેપાળ ભારતની નજીક રહે એ જ બધાના હિતમાં છે. ચીનનો ભરોસો કરવો નેપાળને ભારે પડી જાય એમ છે. નેપાળના વડાપ્રધાન બાલેન શાહે ભારતના બેંગલુરુમાં શિક્ષણ લીધું છે ગીત અને સંગીતની દુનિયામાંથી રાજકારણમાં આવેલા બાલેન શાહે ભારતમાં ઉચ્ચ અભ્યાસ કર્યો છે. વર્ષ 2016થી 2018 દરમિયાન બાલેન શાહે કર્ણાટકના બેંગલુરુમાં નિટ્ટે મિનાક્ષી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. બાલેન શાહને ભણાવનારા પ્રોફેસરો તેમના વિશે એવું કહેતા રહ્યા છે કે, તેઓ સિન્સિયર સ્ટુડન્ટ હતા. તેમનું મુખ્ય સંશોધન ભૂકંપ પ્રતિરોધક એન્જિનિયરિંગ અને નેપાળના માળખાગત પ્રોજેક્ટ્સ પર હતું. 2015માં નેપાળમાં વિનાશક ભૂકંપ આવ્યો હતો. ધરતીકંપ બાદ બાલેન શાહ પુનર્નિમાણના કામમાં જોડાયા હતા. એ સમયે જ તેમણે રાજકારણમાં આવવાનો નિર્ણય કર્યો હોવાનું તેમના મિત્રોનું કહેવું છે. રાજકારણમાં સફળતા મેળવવા માટે બાલેન શાહે પોતાની ઇમેજ અને રણનીતિ તૈયાર કરી હતી. રેપર તરીકે તેમને જબરદસ્ત લોકપ્રિયતા મેળવી હતી. યંગસ્ટર્સ સાથે હોવાનો તેમને મોટા ફાયદો મળ્યો છે. બાલેન શાહે કવિયત્રી અને લેખિકા સબીના કાફલે સાથે લવમેરેજ કર્યા છે. બંનેને એક દીકરી પણ છે. સામાન્ય સંજોગોમાં વડાપ્રધાન સાથે તેમના પત્ની પણ વિદેશ યાત્રાએ જતા હોય છે. સબીના ભારત આવ્યા નથી. બાલેન શાહે આ પ્રવાસને સાદગીપૂર્ણ અને જે કામ છે એ કરવા પૂરતો જ રાખ્યો હતો.