• સંધ્યા દેવનાથનને ભારતના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત
  • સંધ્યાએ પહેલા સિંગાપોર અને વિયેતનામના બિઝનેસને સેટ કરવામાં મદદ કરી હતી
  • દિલ્હી યુનિવર્સિટીમાંથી MBA કર્યું અને ઓક્સફર્ડ યુનિવર્સિટીની બિઝનેસ સ્કૂલમાંથી લીડરશિપમાં કોર્સ કર્યો હતો

સોશિયલ મીડિયા કંપની મેટાએ સંધ્યા દેવનાથનને તેના ભારતના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કર્યા છે. કંપનીએ ગુરુવારે આ અંગે માહિતી આપી છે. સંધ્યા META ખાતે અજીત મોહનનું સ્થાન લેશે, જેમણે આ મહિનાની શરૂઆતમાં તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. મેટા એ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરેન્ટ કંપની છે

સંધ્યા મેટા ઈન્ડિયાના વાઇસ પ્રેસિડન્ટ તરીકે કાર્યભાર સંભાળશે. મેટાના ચીફ બિઝનેસ ઓફિસર માર્ને લેવિને એક નિવેદન જારી કરીને કહ્યું કે, 'મેટા ઈન્ડિયાના લીડર તરીકે સંધ્યાનું સ્વાગત કરતાં અમને આનંદ થાય છે. પ્રોડક્ટ ઈનોવેશન અને ભાગીદારી નિર્માણમાં સંધ્યાનો ઉત્તમ ટ્રેક રેકોર્ડ છે. અમે તેમના આગમનથી અમે ખુશ છીએ.

વર્ષ 2016માં મેટાથી આ સફર શરૂ થઈ હતી

સંધ્યા દેવનાથન વર્ષ 2016 માં META માં જોડાઈ હતી. તેણે તે સમયે સિંગાપોર અને વિયેતનામના બિઝનેસને તૈયાર કરવામાં મદદ કરી હતી. આ સિવાય તેણે દક્ષિણપૂર્વ એશિયામાં મેટાનો ઈ-કોમર્સ બિઝનેસ શરૂ કરવામાં પણ ટીમને મદદ કરી હતી. વર્ષ 2020માં તે ઈન્ડોનેશિયા ગઈ હતી. જ્યાં તે APAC માટે ગેમિંગ લીડ હતી, જે મેટાનો એક ભાગ છે.

દિલ્હી યુનિવર્સિટીમાંથી MBA

સંધ્યા 1 જાન્યુઆરી 2023 થી મેટામાં તેમનું પદ સંભાળશે. સંધ્યાએ વર્ષ 1998માં આંધ્ર યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. આ પછી તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી MBA કર્યું. વર્ષ 2014માં તેણે ઓક્સફર્ડ યુનિવર્સિટીની બિઝનેસ સ્કૂલમાંથી લીડરશિપમાં કોર્સ કર્યો હતો.

ઘણા મોટા અધિકારીઓ મેટા છોડી ગયા

તાજેતરમાં કંપનીમાંથી ઘણા મોટા અધિકારીઓએ રાજીનામું આપી દીધું છે. આ અઠવાડિયે વોટ્સએપ ઈન્ડિયાના વડા અભિજીત બોઝ અને મેટા ઈન્ડિયાના પોલિસી હેડ રાજીવ અગ્રવાલના રાજીનામાના સમાચાર પણ આવ્યા છે. રાજીવ અગ્રવાલના રાજીનામા બાદ શિવનાથ ઠાકુરાલને METAના પબ્લિક પોલિસી ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

અત્યાર સુધી તેમની પાસે માત્ર વોટ્સએપ ઈન્ડિયાની જાહેર નીતિની જવાબદારી હતી. મેટાથી અલગ થયા બાદ અજીત મોહન હવે Snap inc સાથે જોડાવા જઈ રહ્યા છે. બંને કંપનીઓ સોશિયલ મીડિયાની દુનિયામાં એકબીજાની હરીફ છે.

બીજી તરફ, મેટાએ આ સમયે કંપનીમાંથી મોટી સંખ્યામાં કર્મચારીઓને કાઢી મૂક્યા છે. LinkedIn પર એક પોસ્ટમાં અભિજિત બોઝે લખ્યું કે WhatsApp માં અમારી તમામ ટીમો માટે આ મુશ્કેલ સમય છે. કારણ કે અમારે ગયા અઠવાડિયે ઘણા સારા સાથીદારોને અલવિદા કહેવું પડ્યું.


  • Follow us on: