- માલાબાર ગોલ્ડ અને કરીના કપૂર નિશાના પર
- સોશિયલ મીડિયા પર માલાબાર ગોલ્ડ ટ્રેન્ડ
- જાહેરાતને લઇ ઘણી બ્રાન્ડસ વિવાદમાં ફસાઇ છે
તાજેતરમાં ઘણી બ્રાન્ડ્સ જાહેરાતોને લઈને સોશિયલ મીડિયા પર લોકોની નારાજગીનો શિકાર બની છે. હ્યુન્ડાઈ અને કિયા મોટર્સ જેવી ઓટો કંપનીઓ તાજેતરમાં સોશિયલ મીડિયા પર બહિષ્કારનો ભોગ બની હતી. ટાટા ગ્રુપની જ્વેલરી કંપની તનિષ્ક પણ એક એડને લઈને વિવાદોમાં ફસાઈ છે. હવે માલાબાર ગોલ્ડના આ એપિસોડમાં એક નવું નામ ઉમેરાયું છે. તાજેતરમાં એક જાહેરાતને કારણે લોકો આ જ્વેલરી બ્રાન્ડ પર પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
અક્ષય તૃતીયા માટે માલાબાર ગોલ્ડની જાહેરાત
માલાબાર ગોલ્ડે તાજેતરમાં અક્ષય તૃતીયા તહેવારને લઈને એક જાહેરાત રજૂ કરી હતી. આ જાહેરાતમાં બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર છે. અક્ષય તૃતીયાને લગતી આ જાહેરાતમાં કરીના ચાંલ્લા વગર જોવા મળી રહી છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સને આ વાત પસંદ આવી નથી. લોકોનું કહેવું છે કે અક્ષય તૃતીયા હિંદુઓ માટે પવિત્ર તહેવાર છે અને લોકો આ પ્રસંગે ઘરેણાં ખરીદે છે. યુઝર્સ સવાલ ઉઠાવી રહ્યા છે કે કરીના કપૂરે હિંદુઓના તહેવારની જાહેરાતમાં ચાંલ્લો કેમ કર્યો નથી?
સોશિયલ મીડિયા પર બૉયકૉટ ટ્રેન્ડ
કેટલાંય યુઝર્સ #Boycott_MalabarGold અને #No_Bindi_No_Business હેશટેગ્સ સાથે ટ્વિટર પર પોસ્ટ અપડેટ કરી રહ્યાં છે. એક યુઝરે લખ્યું, 'માલાબાર ગોલ્ડની નવી જાહેરાત હિન્દુ તહેવારોની મજાક ઉડાવવાનું નવું ઉદાહરણ છે. ભારતીય મહિલાઓના પરંપરાગત પહેરવેશમાં ચાંલ્લાનું મહત્વ છે. હિંદુ પરંપરાઓની મજાક ઉડાવવી અને હિંદુઓ તમારા માટે પૈસા ખર્ચે તેવી અપેક્ષા રાખવી...હવે નહીં.'
ચાંલ્લો ના કરવાથી યુઝર્સ ભડકયા
અન્ય એક યુઝર્સે 'બૉયકોટ મલબાર ગોલ્ડ' અને 'નો બિંદી, નો બિઝનેસ' હેશટેગ્સનો ઉપયોગ કરીને લખ્યું, 'કહેવાતા જવાબદાર જ્વેલર અક્ષય તૃતીયા માટે જાહેરાત રજૂ કરી રહ્યા છે અને કરીના કપૂર બિંદી એટલે કે ચાંલ્લા વગર છે. શું તેઓ હિંદુ સંસ્કૃતિને માન આપે છે?' એક યુઝરે લખ્યું, 'બિંદી હિન્દુઓ માટે લાલ ટપકાં કરતાં પણ વધારે છે. જો માલાબાર ગોલ્ડ જેવી બ્રાન્ડ આ વાતને સમજવાની કોશિશ ન કરે અથવા જાણી જોઈને અવગણના કરે તો હિન્દુઓ માટે આવી બ્રાન્ડને બહારનો રસ્તો બતાવવાનો સમય આવી ગયો છે.
માલાબાર આટલી જૂની કંપની
કેટલાક યુઝર્સ આ સમગ્ર મામલાને કરીના કપૂરના લગ્ન અને માલાબાર ગોલ્ડના માલિકના ધર્મ સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. કરીના કપૂરે બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા છે. કંપનીની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર માલાબાર ગોલ્ડની સ્થાપના 1993માં એમપી અહેમદના નેતૃત્વમાં સાહસિકોની ટીમ દ્વારા કરવામાં આવી હતી. કંપનીનું મુખ્ય મથક કેરળના કોઝિકોડ શહેરમાં છે.