Buy from local market: Vocal for local
  • Home
  • Columnist
  • સ્થાનિક બજારથી ખરીદો : વોકલ ફોર લોકલ  

સ્થાનિક બજારથી ખરીદો : વોકલ ફોર લોકલ  

 | 6:57 am IST
  • Share

સંકેત : નેટ માર્કેટિંગ આવતા સ્થાનિક અને નાના ઉદ્યોગપતિઓ રોજગાર ગુમાવતા થઈ ગયા છે

અર્થશાસ્ત્રી જેને વિમુખતા (એલિએનેશન) કહે છે તે ગ્રાહક અને વેપારી વચ્ચેના સંબંધોનો અભાવ.

સ્વાતંત્ર્ય પહેલાં જ્યારે ઇંગ્લેન્ડનો સામાન ભારતના બજારોને ઘમરોળતો હતો ત્યારે ગાંધીજીએ સ્વદેશીનું સૂત્ર આપ્યું હતું. એટલું જ નહીં, તેમને ગ્રામસ્વરાજનું સૂત્ર આપી આર્થિક રીતે ભારતના ગામોને સમૃદ્ધ બનાવવાની વાત કરી હતી. ત્યાર બાદ ભારતમાં અનેક ખાદી, ગ્રામોદ્યોગ વ.ની સંસ્થાઓ સ્થપાઈ હતી. જે ભારતમાં પિન પણ નહોતી બનતી તે ભારત મહત્ત્વના ઔદ્યોગિક ઉત્પાદન કરતું થઈ ગયું હતું. ભારતમાં બે વિચારકોએ સ્વદેશીની વાતો પછીથી કરી. એક હતા માનવેન્દ્રનાથ રોય અને બીજા હતા દીનદયાળ ઉપાધ્યાય. ત્યાર બાદ એક સ્વદેશી આંદોલન પણ ચાલ્યું હતું. પરંતુ ત્યાર બાદ એલપીજી (ઉદારીકરણ, ખાનગીકરણ તથા વૈશ્વીકરણ) આવતા આપણે આંતરરાષ્ટ્રીય પ્રભાવવાળા અને બહુરાષ્ટ્રીય કંપનીઓવાળા ઉત્પાદનો તરફ વળ્યાં. અંગ્રેજી ગુલામીના જમાનામાં વેપાર કરવા માટે ભારત જેવા દેશોને ગુલામ બનાવવા જરૂરી હતા. પરંતુ હવેના વેપારી જમાનામાં રાજકીય રીતે ગુલામ બનાવ્યા વિના દેશના વેપાર પર કરારોથી કબજો જમાવી શકાય. આથી એલપીજીના સમયમાં હવે બહુરાષ્ટ્રીય કંપનીઓ વર્ચસ્વ જમાવવા લાગી છે. આની સામે સ્થાનિક વેપારીઓ, નાના કારખાનેદારો, ઝોમેટો કે સવિગઈ જેવા સામે નાના ખાણીપીણીવાળા, એમેઝોન કે ફ્લિપકાર્ટ સામે નાના વેપારીઓ અને કારીગરો બેકાર બનવા લાગ્યા છે. આ સ્થિતિ આર્િથક સંસ્થાનવાદ લાવી શકે. આથી જ આપણા નાના વેપારીઓ, ઉત્પાદકો વ.ને બચાવવા માટે અને સ્થાનિક બજારને મહત્ત્વ આપવા માટે આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વોકલ ફોર લોકલ’ (સ્થાનિક માટે બોલો) નામનું સૂત્ર આપી સ્વદેશી આંદોલનને સ્થાનિક બજાર સુધી લંબાવી આપ્યું હતું.

પરંતુ માનવીનું ગ્રાહક તરીકેનું વર્તન અજબ હોય છે. તે સાદગીથી નહીં, ચળકાટથી આકર્ષાય છે,

તે દેશીથી નહીં, વિદેશીથી આકર્ષાય છે. તે નાનાથી નહીં, મોટાથી આકર્ષાય છે. તે જાણીતાથી નહીં, નવાથી આકર્ષાય છે. તે વાતચીતથી નહીં, જાહેરખબરોથી આકર્ષાય છે. આમ હોવામાં તેને પોતાનો દરજ્જો ઊંચો લાગે છે. મારા એક પાડોશી કહેતા હતા, ‘અમે દેશી કેરી નથી ખાતા, ખાસ રત્નાગિરિથી આાફૂસ મગાવીએ છીએ.’ પોતાના કાંડા પર ટાઇટન ઘડિયાળ પહેરનાર તે નહીં બતાવે, પરંતુ રાડો પહેરનાર અવશ્ય તેનું પ્રદર્શન કરશે. ઘરે બનાવેલી વેફર ખાવાને બદલે બહારની વેફર ખાશે. ગ્રાહકોની આ માનસકિતાનો લાભ બહુરાષ્ટ્રીય અને મોટી કંપનીઓ ઉઠાવે છે.

કોઈ કહેશે શું ફેર પડે છે. ગ્રાહકની સ્વતંત્રતા છે કોનું ઉત્પાદન વાપરવું તેની. વાત સાચી, સ્વાતંત્ર્ય છે, પરંતુ તેની અસર શું પડે છે તેનો અભ્યાસ કર્યો છે? પર્યાવરણ વિજ્ઞાાનીઓ કહે છે કે, ઉત્પાદન કે સેવામાં જેમ વધુ પ્રક્રિયા તેમ કાર્બન પદછાપ (ફૂટપ્રિન્ટ) વધારે. વધુ કાર્બન એટલે વધુ ગરમી. વધુ ગ્લોબલ ર્વોિંમગ તેમ ઓઝોન પડમાં વધુ ગાબડાં. અને સૂર્યના પારજાંબલી કિરણોના પ્રવેશથી કેન્સર જેવા રોગોમાં વધારો. ગરમીથી બરફ્ પીગળતા સમુદ્ર કિનારાના શહેરોના ડૂબવાનો ખતરો. અનેક કૃષિ ઉત્પાદનો તથા પશુ પક્ષીઓને ખતરો. ગરમી વધતા ચક્રવાત વધવાનો ખતરો. તમે કહેશો આ બધું તો પર્યાવરણ બગડવાથી થાય છે. સ્થાનિક બજારને પર્યાવરણ સુધારવા સાથે શું લાગે વળગે? તો તેની વાત કરીએ. તમે એમેઝોનથી બૂટ મંગવો. હવે એમેઝોન કંપની બૂટ તો નથી બનાવતી. તે તમારા ગામના મોચીને ઓર્ડર આપશે. તેને પોતાના ગોડાઉનમાં રાખશે જેમાં ઊર્જા વપરાય.અને કાર્બન પડછાપ સર્જાય. પછી તેને પોતાના પેકિંગમાં મૂકે તેમાં ઊર્જા વપરાય અને કાર્બન સર્જાય. એમેઝોનની ઝોનલ ઓફિસે જાય અને ત્યાં સંગ્રહ થાય તેમાં ઊર્જા વપરાય. પછી તમારા તેમાં ડીઝલ વપરાય અને કાર્બન ઉત્પન્ન થાય. સ્થાનિક એજન્ટ તમને આપવા આવે તેમાં ઊર્જા વપરાય તેમાં કાર્બન સર્જાય. વળી બૂટ ન ગમે તો આ પ્રક્રિયા ફ્રી થાય જેમાં બમણી ઊર્જા વપરાય. આના કરતા તમારા ગામના મોચી પાસેથી બૂટ ખરીદો તો શૂન્ય કાર્બન સર્જાય. જો ન ગમે તો તે મહાશય બદલી આપે તો પણ વધુ કાર્બન ન વપરાય. આમ હોવાથી આજના પર્યાવરણ વિજ્ઞાાનીઓ સ્થાનિક બજારના ઉત્પાદનો વાપરવાની ભલામણ કરે છે.  સ્થાનિક બજારના પ્રમાણમાં નેટ માર્કેટિંગની વિશ્વસનીયતા ના પ્રશ્નો બહુ છે. ખોરાકની બાબતમાં આ વાત બહુ સાચી ઠરે છે. નેટ માર્કેટથી મંગાવેલ ખોરાક 10થી 20 % મોંઘો પડે છે. અમદાવાદની એક બહુ જાણીતી હોટેલના છ લોકો જમે તેવા ટિફ્નિની કિંમત રૂ 1,000 છે. પરંતુ આ જ વસ્તુ અન્ય દ્વારા મંગાવવામાં આવે તો તે રૂ 1,200માં પડે છે. હું આ સાબિત કરી શકું તેમ છું. સ્વિગી કે ઝોમેટોથી સામગ્રી મંગાવનાર પોતાના ઘરની બહાર તેનું પેકિંગ પાડોશીને બતાવવા માટે ફંકે છે. પરંતુ તેને ખબર નથી કે, આવી કંપનીના માણસો તમે મંગાવેલ જાણીતી હોટેલના ખોરાકને બદલે રસ્તા પરની લારીનો ખોરાક તેના પેકિંગમાં મૂકી આપે તો તમને ખબર પણ નથી પડતી. વળી જાતે લાવેલ ખોરાકમાં પસંદગીની શક્યતા રહેલી છે, જ્યારે મંગાવેલ ખોરાકમાં તમને ના ભાવતો સ્વાદ આવી જાય તો પસ્તાવાનો વારો આવતા મેં બહુ જોયું છે. વળી ખોરાકની ગુણવત્તાના સવાલો તો ઉપસ્થિત થાય જ છે.

અર્થશાસ્ત્રી જેને વિમુખતા (એલિએનેશન) કહે છે તે ગ્રાહક અને વેપારી વચ્ચેના સંબંધોનો અભાવ. આ દૂરથી આવતા સામાનનું નેટ બજાર અવૈયક્તિક અને ચહેરા વિનાનું છે. આ વિમુખતાથી ડિપ્રેશન જેવી અનેક સમસ્યાઓ સર્જાઈ શકે છે. તમે સ્થાનિક વેપારીને ઓળખો છો. વસ્તુ તમારે જોઈતી આપશે, બદલી આપશે.અહીં વૈયક્તિક સંબંધો હોવાથી છેતરપિંડી થવાની શક્યતા ઓછી છે. જ્યારે નેટ બજારમાં ખૂબ જ છેતરપિંડી થાય છે. કાયદો પણ તેમાં મદદ નથી કરતો.  સહુથી મહત્ત્વની વાત, નેટ માર્કેટિંગ આવતા અને આપણે દૂર દૂરથી વસ્તુઓ મંગાવતા થઈ જતા સ્થાનિક વેપારીઓ અને નાના ઉદ્યોગપતિઓ રોજગાર ગુમાવતા થઈ ગયા છે. આમ કોઈ તમારા પાડોશી હશે, કોઈ સગાં હશે. કોઈ મિત્ર હશે. તમે ઇચ્છો છો કે સ્થાનિક સ્તરે બેરોજગારી આવે. આમ થાય તો આપઘાત, ચોરી, લૂંટફાટ નૈતિક અધઃપતન વ. જેવી અનેક સમસ્યાઓ સર્જાઈ શકે છે. વળી સ્થાનિક બજારમાંથી ખરીદી કરવાથી જે નફો તમારા જ ગામમાં રહેવાનો હતી તે હવે પરદેશની કંપની લઈ જશે. પરિસ્થિતિ વધુ વણસે અને ભારત આર્િથક વસાહતમાં ફેરવાઈ જાય તે પહેલાં સ્થાનિક બજાર તરફ વળીએ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો