Citizenship Amendment Act : India must honour religious freedom : US
  • Home
  • Featured
  • ‘100 ઉંદર મારીને પાટે બેઠલી બિલાડી’ અમેરિકાએ હવે ભારતને આપી આ વાહિયાત સલાહ

‘100 ઉંદર મારીને પાટે બેઠલી બિલાડી’ અમેરિકાએ હવે ભારતને આપી આ વાહિયાત સલાહ

 | 11:16 pm IST

ભારત સરકાર દ્વારા સંસદમાં નાગરિકતા કાયદો પસાર કરવામાં આવ્યા પછી દેશનાં પૂર્વોત્તર રાજ્યો સહિત અનેક રાજ્યોમાં ભારે હિંસક વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે ત્યારે અમેરિકાએ ભારતને ધાર્મિક સ્વતંત્રતાનું સન્માન જાળવવા સલાહ આપી છે. અમેરિકાનાં રાજદ્વારીએ આ મામલે ચિંતા વ્યક્ત કરી છે. લાર્જ ફોર ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમનાં રાજદૂત સેમ બ્રાઉનબેકે જણાવ્યું હતું કે, બંધારણ એ ભારતની સૌથી મોટી તાકાત છે. એક લોકશાહી દેશ તરીકે અમે તેનાં બંધારણનું સન્માન કરીએ છીએ પણ નાગરિકતા કાયદાનાં અમલની અસરોથી અમે ચિંતિત છીએ. અમને આશા છે કે, ભારત એક જવાબદાર દેશ તરીકે ધાર્મિક સ્વતંત્રતાનું સન્માન જાળવશે.

ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલે પણ ચિંતા દર્શાવી

ભારત અને અમેરિકા વચ્ચે આવતા અઠવાડિયે ટુ પ્લસ ટુ મિટિંગ યોજાવાની છે તે પહેલા તેમણે ઉપર મુજબ ટ્વિટ કર્યું હતું. ભારતનાં વિદેશપ્રધાન જયશંકર અને સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ 18 ડિસેમ્બરે અમેરિકામાં યુએસ વિદેશપ્રધાન માઈક પોમ્પિઓ અને સંરક્ષણપ્રધાન માર્ક એસ્પર સાથે મંત્રણા યોજવાનાં છે તે પહેલાં તેમણે આ સલાહ આપી હતી. ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલે પણ કાશ્મીર અને આસામમાં માનવ અધિકારો જાળવવા તાકીદ કરી હતી અને ચિંતા દર્શાવી હતી.

મૂળભૂત રીતે પક્ષપાતી : સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર સંસ્થા

ભારતનાં નાગરિકતા કાયદાને સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકારનાં પ્રવક્તા જેરેમી લોરેન્સે મૂળભૂત રીતે પક્ષપાતભર્યો ગણાવ્યો હતો. તેમાં મુસ્લિમોને નાગરિકતા આપવામાં બાકાત રાખીને જાતિ અને ધર્મને આધારે ભેદભાવ રાખવામાં આવ્યો છે તેમ જિનીવા ખાતે તેમણે કહ્યું હતું.

અમેરિકા, યુકે, ફ્રાન્સ અને ઇઝરાયેલે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી

નાગરિકતા કાયદાનાં અમલ માટે ભારતમાં પૂર્વનાં તેમજ અન્ય રાજ્યોમાં હિંસક દેખાવો ફાટી નીકળ્યા પછી અમેરિકા, યુકે, ફ્રાન્સ અને ઇઝરાયેલ દ્વારા તેમનાં નાગરિકોને ભારતમાં પ્રવાસ કરતા પહેલા સાવચેત કર્યા છે અને ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. યુકે, અમેરિકા, ફ્રાન્સ અને ઇઝરાયેલએ તેના નાગરિકોને કાશ્મીર અને લદ્દાખ તેમજ પૂર્વનાં રાજ્યો આસામ, ત્રિપુરા અને મેઘાલય નહીં જવા ચેતવણી આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન