Civil Hospital found great success in organ donation of a brain dead patient
  • Home
  • Ahmedabad
  • સિવિલ હોસ્પિટલમાં ઐતિહાસિક ઘટનાઃ બ્રેઇન ડેડ દર્દીના અંગદાનમાં મળી મોટી સફળતા

સિવિલ હોસ્પિટલમાં ઐતિહાસિક ઘટનાઃ બ્રેઇન ડેડ દર્દીના અંગદાનમાં મળી મોટી સફળતા

 | 11:12 pm IST
  • Share

  • ગુજરાતની સિવિલમાં પ્રથમ વખત બ્રેઇન ડેડ દર્દીના બંને હાથ અને હ્રદયનું દાન થયુ
  • નડીયાદના બ્રેઇન ડેડ અરૂણભાઇ પ્રજાપતિના હ્રદય અને ફેફસા ચેન્નઇ લઈ જવાયા
  • જ્યારે બંને હાથ ગ્રીન કોરિડોર મારફતે મુંબઇ લઇ જવાયા

 

દશેરાનો પવિત્ર દિવસ આજે સિવિલ હોસ્પિટલ માટે ઐતિહાસિક દિવસ બની રહ્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નડિયાદના 52 વર્ષીય અરૂણભાઇ પ્રજાપતિ બ્રેઇનડેડ જાહેર થતા તેમના પરિવારજનોએ અંગદાન માટેની તૈયારી દર્શાવી હતી. અરૂણભાઇ પ્રજાપતિના અંગોના દાન થકી ગુજરાતમાં પ્રથમ વખત બંને હાથના દાન મેળવવામાં પણ સફળતા મળી હતી. જ્યારે સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત બંને ફેફસાનું પણ દાન મળ્યું હતું. બ્રેઇનડેડ અરૂણભાઇનું હ્રદય અને બંને કિડનીનું પણ દાન મેળવવામાં સફળતા મળી હતી.

નડિયાદના વ્યક્તિના હાથ જયપુરના યુવાનને મળ્યા તો હ્રદય અને ફેફસા ચેન્નઈ પહોંચ્યા 

અંગદાનમાં મળેલ બંને હાથ મુંબઇ સ્થિત હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા જયપુરના ૨૨ વર્ષીય યુવકને પ્રત્યારોપણ માટે ગ્રીન કોરિડોર મારફતે મોકલવામાં આવ્યા હતા. જ્યારે હ્રદય અને ફેફસાને ગ્રીન કોરિડોર મારફતે ચેન્નઇ મોકલવામાં આવ્યા. બંને કિડનીને અમદાવાદ સિવિલ મેડિસીટી સ્થિત કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવી હતી.

શું કહ્યું ડોક્ટર્સે

સમગ્ર વિગતો આપતા સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલને રીટ્રાઇવલ સેન્ટર તરીકે મંજૂરી મળ્યાને દશેરાના પવિત્ર દિવસે 3૦૦ દિવસ પૂર્ણ થયા છે. આ ૩૦૦ દિવસોમાં કોરોનાકાળની વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ સિવિલ હોસ્પિટલમાં 14 બ્રેઇનડેડ દર્દીઓના અંગોના દાન મેળવવામાં સફળતા મળી છે. અત્યાર સુધીમાં 14 બ્રેઇનડેડ દર્દીઓના કુલ 50 અંગોનું દાન સ્વીકારાયુ છે. જેમાં 14 લીવર, 25 કિડની, 4 સ્વાદુપિંડ, ૩ હ્રદય, 2 હાથ અને 2 ફેફસાનો સમાવેશ થાય છે. તદ્ઉપરાંત 32 આંખોના પણ દાન મેળવવામાં સફળતા મળી છે. આ તમામ અંગોના દાન થકી 38થી વધુ વ્યક્તિના જીવનશૈલીમાં સુધાર આવ્યો છે તેમજ તેમને નવજીવન મળ્યું છે.

બંને હાથના દાન મેળવવાના દેશમાં 5 અને વિશ્વમાં 110 કિસ્સા નોંધાયા છે

દશેરાના દિવસે અરૂણભાઇના થયેલ અંગદાનની વિગતમાં તેઓ નડીયાદના વતની હતા. તેઓને મગજના ભાગમાં ગાંઠ થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. જ્યા તેઓ બ્રેઇનડેડ જાહેર થતા સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમ દ્વારા અરૂણભાઇના પરિવારજનોને અંગદાન માટે સમજાવવામાં આવ્યા હતા. જેમાં તેમના પરિવારજનોએ સામાન્યત: થતા હ્રદય, ફેફસા અને કિડનીના અંગોના દાન માટે સમંતિ દર્શાવી હતી. પ્રથમ વખત એવું બન્યું કે અંગદાનમાં બંને હાથના દાન માટે પણ પરિવારજનો દ્વારા સંમતિ દર્શાવવામાં આવી હોય. નોંધનીય બાબત એ છે કે, બંને હાથોના દાન સ્વીકાર્યા બાદ કોઇ એક જ જરૂરિયાતમંદ વ્યક્તિમાં બંને હાથનું પ્રત્યારોપણ કરવામાં આવતું હોય છે. ગુજરાત રાજ્યમાં આ પ્રકારની પ્રથમ ઘટના બની રહી હતી. જ્યારે સમગ્ર દેશમાં સંભવિત વર્ષ 2015માં પ્રથમ વખત બંને હાથનું દાન સ્વીકારીને પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 5 કિસ્સામાં આ પ્રકારની સફળતા મળી છે. જ્યારે વિશ્વ સ્તરે આ પ્રકારના 110 કિસ્સા નોંધાયા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો