CM Vijay Rupani Announce Compensation For Kharif Crop Loss
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • રાજ્યના 53 લાખ ખેડૂતો માટે CM રૂપાણીની મોટી જાહેરાત, ખરીફ પાક નુકસાનીની મળશે આટલી સહાય

રાજ્યના 53 લાખ ખેડૂતો માટે CM રૂપાણીની મોટી જાહેરાત, ખરીફ પાક નુકસાનીની મળશે આટલી સહાય

 | 7:09 pm IST
  • Share

ખરીફ ઋતુ 2021માં કુદરતી આપત્તિ સમયે પાક નુકસાન સામે ખેડૂતોને સરળતાથી લાભ આપવા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને 2021 માટે સીએમ વિજય રૂપાણીએ મંજૂરી આપી દીધી છે. જે હેઠળ પાક નુકસાનીને લઈને ખેડૂતોને સહાય આપવામાં આવશે. પ્રીમિયમ ભર્યા વિના પણ ખેડૂતોને સહાય મળશે. આ યોજનાનો લાભ રાજ્યના 53 લાખ ખેડૂતોને થશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના લાખો ખેડૂતોને ખરીફ ઋતુમાં કુદરતી આપત્તિથી થતાં પાક નુક્સાન સામે સહાયરૂપ થવા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને વર્ષ 2021 માટે મંજૂરી આપી છે. આ યોજનામાં રાજ્યના નાના-મોટા તેમજ સિમાંત બધા જ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા છે. રાજ્યના અંદાજે 53 લાખથી વધુ કિસાનોને આ યોજનાનો લાભ મળશે. એટલું જ નહીં આ યોજના માટે ખેડૂતે કોઇ જ પ્રીમિયમ કે અન્ય કોઇપણ પ્રકારની નોંધણી ફી ભરવાની રહેશે નહીં. અનાવૃષ્ટિ-દુષ્કાળ-અતિવૃષ્ટિ-કમોસમી વરસાદ-માવઠું જેવા જોમખથી થતાં પાક નુક્સાનને પણ આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં આવરી લેવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના સહાય ધોરણ અંગેની વાત કરવામાં આવે તો, ખરીફ ઋતુમાં થયેલ પાક નુકસાનની ટકાવારી 33 થી 60 ટકા હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા 20,000ની સહાય વધુમાં વધુ 4 હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે. એટલું જ નહીં, ખરીફ ઋતુમાં થયેલ પાક નુકસાન 60 ટકાથી વધુ હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા 25,000ની સહાય મહત્તમ 4 હેક્ટરની મર્યાદામાં અપાશે. તદઉપરાંત વન અધિકાર કાયદા હેઠળ સનદ ધરાવતા વનબંધુ ખેડૂતોને પણ લાભ મળશે.

આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોની અરજી ઓનલાઇન મેળવવા ડેડિકેટેડ પોર્ટલ પણ તૈયાર કરાશે. લાભાર્થી ખેડૂતોએ ઇ-ગ્રામ સેન્ટર ઉપર જઇ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહશે. ખેડૂતોને અરજી માટે કોઇપણ પ્રકારની ચૂકવણી કે ફી ભરવાની રહેશે નહીં. તેમજ અરજીની ડેટા એન્ટ્રી માટે રાજ્ય સરકાર સંપૂર્ણ ખર્ચ ચૂકવશે. આ મુખ્યમંત્રી સહાય યોજનામાં પ્રાથમિક આકારણી અને ખેડૂતોની અરજીના આધારે લાભની ગણતરી તેમજ તાલુકા કક્ષાએથી સહાય મંજૂર થયા બાદ જિલ્લા કક્ષાએથી સહાયની રકમ લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં સીધી DBT દ્વારા ચૂકવવામાં આવશે.

આ યોજનાના સુચારુરૂપ અમલીકરણ તેમજ ખેડૂતોના માર્ગદર્શન માટે ટોલ ફ્રી નંબરની સુવિધા પણ આપવામાં આવી છે. આ યોજના ઉપરાંત જે ખેડૂત લાભાર્થીઓને એસ.ડી.આર.એફ યોજનાની જોગવાઇઓ મુજબ લાભ મળવાપાત્ર હશે તો તે પણ મળવાપાત્ર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન