વાંદાનું દૂધ અને ઔષધયુક્ત કોન્ટેક્ટ ચશ્મા : વિજ્ઞાાનની નવી દ્રષ્ટિ - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • વાંદાનું દૂધ અને ઔષધયુક્ત કોન્ટેક્ટ ચશ્મા : વિજ્ઞાાનની નવી દ્રષ્ટિ

વાંદાનું દૂધ અને ઔષધયુક્ત કોન્ટેક્ટ ચશ્મા : વિજ્ઞાાનની નવી દ્રષ્ટિ

 | 4:19 am IST
  • Share

સાયન્સ મોનિટરઃ વિનોદ પંડયા

બકરીનું દૂધ પીવું એ ઘણા લોકો માટે સજા સમાન છે. આફ્રિકાની હબસી પ્રજા ભેંસને મારીને ખાઇ શકે છે પણ ભેંસનું દૂધ તેઓ પીતા નથી. માત્ર ગાયનું દૂધ પીએ છે. બકરાના દૂધમાં ઘણા ઉત્તમ ગુણો છે પણ તેની દુર્ગંધ અસહ્ય હોય છે. બાળપણમાં અમે સૌરાષ્ટ્રના ખેતરોમાં ઊંટડીનું દૂધ પીધંુ છે. તે ગળ્યું અને ઘાટું હોય. રબારી લોકો તેની ચા બનાવે તેમાં ખાંડ ઓછી નાખવી પડે. પણ ઊંટડીનું દૂધ પીવાની વાતથી જ ઘણાને ઊબકા આવે. તેમાં વિજ્ઞાાનીઓ હવે વાંદા અને બીટલ ફેમિલીના જંતુના દૂધના ગુણગાન ગાઇ રહ્યા છે અને દુનિયાના ગરીબ કુપોષિત બાળકોને કોક્રોચનું દૂધ આપવાની યોજના વિજ્ઞાાનીઓ ઘડી રહ્યા છે. ઘણી બહેનો વાંદો જોઇને એવડી ચીસ પાડે કે તેના અવાજથી જ વાંદો મરી જાય. તેમાં વાંદાના દૂધ સામેનું રિએકશન જોવા જેવું હશે.

પેસિફ્કિ બીટલ તરીકે જાણીતા કોક્રોચની માદાઓ તેના ઉછરતા બચ્ચાંઓને દૂધ જેવો એક પદાર્થ પીવડાવે છે. ક્રિસ્ટેલોગ્રાફી દ્વારા તે દૂધના પ્રોટીનનું પૃથ્થકરણ કરવામાં આવ્યું તો વિજ્ઞાાનીઓને જાણવા મળ્યું કે કોક્રોચના દૂધમાં ગાયના દૂધ કરતા ત્રણ ગણા અને ભેંસના દૂધ કરતા ચાર ગણા વધુ પોષક તત્ત્વો હોય છે. આયોવા, અમેરિકાની યુનિવર્સિટીમાં આ સંશોધન થઇ રહ્યું છે. તેના બાયોલોજિસ્ટ બાર્બરા સ્ટે કહે છે કે કોક્રોચના દૂધમાંથી ખાસ પ્રોટીન સપ્લિમેન્ટ તૈયાર કરી ભૂખ્યા અને કુપોષિત બાળકોને આપવાની યોજના તૈયાર થઇ રહી છે. તે માટે લાખોની અને કરોડોની સંખ્યામાં કોક્રોચ પાળવા પડશે અને તે માટે ખાસ લેબોરેટરીઓ બાંધવી પડશે. એક નવો ઉદ્યોગ ખીલી ઊઠે તો નવાઇ નહીં. એ લેબોરેટરીઓ કયા નામથી ઓળખાશે ? કોક્રોચના તબેલા કહેવાશે !

વિજ્ઞાાન ચિત્રવિચિત્ર શોધ અને સંશોધનો કરે છે, પણ તેમાંના મોટા ભાગના માનવજાતિ માટે ખૂબ ઉપયોગી પુરવાર થાય છે. સંશોધકોની ટીમે એક નવા પ્રકારના કોન્ટેક્ટ લેન્સ વિકસાવ્યા છે જે પહેરવાથી બરાબર જોઇ તો શકાય, સાથે સાથે જરૂરી હોય તેવી દવા પણ એ કોન્ટેક્ટ લેન્સમાંથી આંખને મળતી રહેશે. વારંવાર વાયલ શોધી, મોં ઊંચું કરી આંખો પહોળી કરીને તેમાં ટીપાં નાખવાની ઝંઝટ દૂર થશે. જર્નલ ઓપ્થાલ્મોલોજી નામક સામયિકમાં તેની રચના વિશે ચર્ચા કરવામાં આવી છે. આ લેન્સ સાથે એક ઔષધયુક્ત ફ્લ્મિ ચીટકાડેલી હશે, પણ તેના કેન્દ્રનો ભાગ ખુલ્લો હશે જેથી જોવામાં અડચણ ના થાય. તે મધ્ય, કેન્દ્રનો ભાગ લેન્સનું જ કામ કરશે. તેની આસપાસની ગોળાકાર રિંગમાં ઔષધ હશે. ગ્લુકોમા નામની આંખની તકલીફ ધરાવતા વાનરો પર તેના પ્રયોગ થયા છે અને તેમાં ગ્લુકોમા માટેની લેટાનોપ્રોસ્ટ નામક દવા લેન્સના માધ્યમથી વાનરોને અપાઇ હતી. ગ્લુકોમાને કારણે મટે નહીં તેવું અંધત્વ આવે છે અને અંધત્વ માટે ગ્લુકોમા એક પ્રમુખ કારણ છે. ગ્લુકોમાની સચોટ સારવાર ઉપલબ્ધ નથી, પણ ગ્લુકોમાની આંખો પરની વિપરિત અસરને ધીમી પાડી શકાય છે. ઔષધીયુક્ત લેન્સ પહેરવાથી આંખો પરનું દબાણ ઓછું થાય છે. હાલમાં જે ટીપાં ઉપલબ્ધ છે તેનાથી આંખો બળે છે તેથી ઘણા લોકો તે નિયમિત લેવાનું ટાળે છે અથવા સાવ જ લેતા નથી. પણ ઔષધીયુક્ત કોન્ટેક્ટ લેન્સથી તે બળતરા ખૂબ ઓછી થશે અને આંખને નિયમિત માત્રામાં સતત દવા મળતી રહેશે. ગ્લુકોમા સિવાયની તકલીફેમાં તે મુજબ જોઇતી ઔષધો સાથેના લેન્સ પણ ભવિષ્યમાં વિકસાવી શકાશે. આંંખોમાં નંબર હોય અર્થાત દ્રષ્ટિની તકલીફ હોય તે માટે જ કોન્ટેક્ટ લેન્સ હોય છે તે જરૂરી નથી. આજકાલ આંખોનો રંગ બદલવા માટેના કોસ્મેટિક લેન્સ બજારમાં ઉપલબ્ધ છે. આવા ન્યુટ્રલ લેન્સ સારવાર દરમિયાન પહેરી શકાય. પણ લેન્સ પહેરવા અને અરીસા સામે જ ખોવાઇ જવા તે પણ એક મોટી કડાકૂટ છે. છતાં કોલંબિયા યુનિવર્સિટીના મેડિકલ સેન્ટરમાં કોન્ટેક્ટ લેન્સના વધુ બહોળા ઉપયોગ માટે સંશોધનો થઇ રહ્યા છે. સ્વિત્ઝર્લેન્ડની પ્રસિધ્ધ દવા કંપની નોવારટીસ અને ગૂગલના એક વિજ્ઞાાન યુનિટ સાથે મળીને કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ વિસ્તૃત બનાવી રહ્યા છે. તેઓ એવા લેન્સ તૈયાર કરી રહ્યા છે જે ડાયાબિટીસના દર્દી પહેરશે તો તેમના શરીરમાં સાકરનું પ્રમાણ હદથી વધી કે ઘટી જાય તેના સિગ્નલ આપશે.

એલિફ્ન્ટ નોઝ નામે ઓળખાતી માછલીઓની આંખોની અલગ ખૂબી છે. તેની આંખો પોતાના કોર્નિયા અને લેન્સને સતત એડજસ્ટ કરતી રહે છે જેથી તેની દ્રષ્ટિશક્તિ સામાન્ય જીવોથી ચડિયાતી છે. આ ખૂબી અને આંખોમાંની વ્યવસ્થાને આધાર બનાવી વિસ્કોનસીન યુનિવર્સિટીના સંશોધકો એક નવી ટેકનોલોજી વિકસાવી રહ્યા છે, જેમાં કોન્ટેક્ટ લેન્સ માનવીની પોતાની આંખના કોર્નિયા અને લેન્સ સાથે તાલમેલ સાધીને પોતાની રીતે સતત એડજસ્ટ થતા રહેશે. તેનાથી કોન્ટેક્ટ લેન્સ ન ફવવા અને નંબરો વધ-ઘટ થવાની સમસ્યા રહેશે નહીં. આ વરસના પ્રારંભમાં સંશોધકોએ આ ટેકનોલોજીના વિકાસ માટેની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે આ ટેકનોલોજી સાકાર કરવા માટે લેન્સની ડિઝાઇન, સેન્સરો, લેન્સના શેપ સાથે બંધબેસતી આવે સૂક્ષ્મ ઇલેક્ટ્રોનિક સરકીટ, તેમ જ આ લેન્સને કામ કરતા રાખવા માટે ઊર્જા પૂરી પાડવાની વ્યવસ્થા જેવા એન્જિનિયરિંગ પડકારોનો ઉકેલ લાવવાનો રહે છે. આ બધુ જ માનવીની આંખ પર ફીટ થાય તેવા ફ્લેક્સીબલ નરમ પડ સાથે સામેલ કરવું તે નાનીસુની વાત નથી, પણ તે થશે. થોડાં વરસો પછી આંખના ચશ્માના નંબર ગમે તે હોય, દુકાનમાંથી મળતા લેન્સ ખરીદવાથી સમસ્યા ઉકલી જશે.

ડ્રોન વિમાનો માત્ર મુસ્લિમ ત્રાસવાદીઓને ખતમ કરવાના ખપમાં નથી આવતા, તેના બીજા અનેક સુંદર ફયદાઓ છે. દૂરના ગ્રામ્ય વિસ્તારમાં તાબડતોબ જરૂરી દવાઓ અને સાધનો મોકલવામાં આવી રહ્યા છે. ડ્રોનની મદદ ટેનિસ શીખતા ખેલાડીઓ અને તેમના કોચ પણ લઇ રહ્યા છે, જેમાં હવામાંથી ડ્રોન એવા એંગલથી ટેનિસ બોેલ ફેંકે છે જેનાથી ખેલાડીની સ્વિંગ સમજી શકાય. બોઈંગ અને એરબસના વિમાનોના કદ ખૂબ મોટા હોય છે. ડ્રોન વિમાનો એ વિમાનોની બહાર આંટાફેરા મારીને વિમાનની બોડીમાં કોઇ બહારની ખામી હોય તો તેનું ઇન્સપેકશન કરે છે. એરબસ કંપનીએ આવા ડ્રોનને કામે લગાડી દીધા છે. ફેસબુક દુનિયાભરમાં ફ્રી વળી છે, પણ દૂરના અંતરિયાળ વિસ્તારમાં ડેટા-નેટવર્ક ન હોય ત્યાં ફેસબુક કેવી રીતે પહોંચે ? તો કંપનીએ એકવીલા નામના ડ્રોન તૈયાર કર્યા છે. ૪૦૦ કિલોગ્રામ વજનના એક એવા આ ડ્રોનનો કાફ્લો આકાશમાં ૬૦ થી ૯૦ હજાર ફીટની ઊંચાઇ પર મહિનાઓ સુધી સતત ઊડતા રહીને જમીન પરના લોકોને બ્રોડબેન્ડ કનેકશન પુરું પાડતા રહેશે. ?

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો