Common symptoms of corona include home quarantine, rest, drink plenty of water, take paracetamol
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • કોરોનાના સામાન્ય લક્ષણોમાં હોમ ક્વોરન્ટાઇન થઈ આરામ કરો, ખૂબ પાણી પીઓ, પેરાસિટામોલ લો

કોરોનાના સામાન્ય લક્ષણોમાં હોમ ક્વોરન્ટાઇન થઈ આરામ કરો, ખૂબ પાણી પીઓ, પેરાસિટામોલ લો

 | 7:07 am IST
  • Share

ગુજરાત સરકારે કોરોનાકાળમાં લોકોને માર્ગદર્શન આપવા માટે નિષ્ણાત ડોક્ટરોને સાંકળીને રચેલા ટાસ્કફોર્સ દ્વારા શુક્રવારે બપોરે પાટનગરમાં ર્સ્વિણમ સંકુલ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવાયું હતું કે, કોરોનામાં ૮૦ ટકા દર્દીઓ ગળામાં સોજો, તાવ, બોડી પેઇન જેવા સામાન્ય લક્ષણો ધરાવતા હોય છે, આવા દર્દીઓએ રેમડેસિવિર દવા માટે ખોટી ભાગદોડ કરવાને બદલે હોમ ક્વોરન્ટાઇન થઈ માત્ર ત્રણ જ બાબતો ઉપર જ ધ્યાન આપવાની જરૂર છે, એક શરીરને મહત્તમ આરામ આપો.

બીજું, શરીરમાં હાઈડ્રેશન જાળવી રાખવા માટે સતત ખૂબ પાણી પીઓે, જે રેમડેસિવિર કરતાંય અક્સીર ઈલાજ છે અને ત્રીજા અંતિમ પગલાંરૂપે તાવ કાબૂમાં લાવવા પેરાસિટામોલ તરીકે ડોલો દવા દર આઠ કલાકે લો. સી-પ્રોટીન કે ડી-ડાઇમર ઉપર ધ્યાન આપવાની બિલકુલ જરૂર નથી. સામાન્ય લક્ષણોમાં બીજી કોઈ દવાઓ આડઅસર કરે તેવી પૂરી શક્યતા છે. બાદમાં વારંવાર શ્વાસ ચઢે કે ઓક્સિજનનું પ્રમાણ ૯૪થી નીચે જાય કે અશક્તિ લાગે તો જ દર્દીઓએ હોસ્પિટલમાં દાખલ થવાનો માર્ગ અપનાવવો જોઈએ.

નિષ્ણાત તબીબોના ટાસ્કફોર્સમાં જાણીતા કાર્ડિયોલોજિસ્ટ પદ્મશ્રી તેજસ પટેલ, પબ્લિક હેલ્થ ઇન્સ્ટિટયૂટના ડિરેક્ટર ડો. દિલીપ માવળંકર, ડાયાબિટોલોજિસ્ટ ડો. વી.એન. શાહ, ચેપીરોગોના એક્સપર્ટ ડો. અતુલ પટેલ, પલ્મોનોલોજિસ્ટ-ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો. તુષાર પટેલ અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો. મહર્ષિ દેસાઈ સામેલ છે.

વેક્સિન લો અને મોતથી બચો : તમામ વસતીનું રસીકરણ કરો : ડો. તેજસ પટેલ

ડો. તેજસ પટેલે વેક્સિનેશન ઉપર ભાર મૂકતાં જણાવ્યું છે કે, કોરોનાથી બચવાનો હાથવગો ઉપાય હોય તો તે રસીકરણ છે, એટલે રસી લેનારને કોરોના ના થાય એવું માનવાની હરગીજ જરૂર નથી, રસી લેવાનો સૌથી મોટો ફાયદો એ છે કે, મૃત્યુથી બચી શકાશે, કેમ કે રસીકરણ પછી મૃત્યુનું પ્રમાણ ઓછું છે, જે સિદ્ધ થઈ ચૂક્યું છે, બીજું એ કે સુપરસ્પ્રેડર થવાના ચાન્સિસ પણ ઘટી જાય છે. અત્યંત મોટી કોઈ બીમારી ના હોય તો તબીબની સલાહ અનુસરીને વેક્સિન લેવા જેવી જ છે. અત્યારે ૪૫થી ઉપરની વયના લોકોને રસી આપવામાં આવે છે, પણ સરકારે ક્રમશઃ તમામ વસતીને વેક્સિન હેઠળ આવરી લેવી જોઈએ, એવો સ્પષ્ટ મત પણ આ કાર્ડિયોલોજિસ્ટે વ્યક્ત કર્યો હતો.

સોજાવાળા દર્દીઓ બને ત્યાં સુધી સ્ટિરોઇડ પ્રકારની દવાઓ ના લે : ડો. અતુલ પટેલ

ડો. અતુલ પટેલે કહ્યું, કોરોનાએ ચેપી કરતાં ઇન્ફ્લેમેટરી રોગ વધારે છે, કેમ કે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાતવાળા ૧૫-૨૦ ટકા દર્દીઓનાં ફેફસાં, લિવર, આંતરડાં, કિડની, મગજમાં કોરોનાને કારણે સોજા આવે છે, જેને કારણે પ્રથમ લક્ષણ તરીકે દર્દીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે. આવા દર્દીઓએ ડેક્સામેથાસોન જેવી સ્ટિરોઇડ્સ બિલકુલ ના લેવી જોઈએ, પણ ટોસિલિઝુમેબ તથા રેમડેસિવિર દવા-ઇન્જેક્શન લેવા જોઈએ, આ દવાઓમાં સફળતાનો રેશિયો ૮૦ ટકા જેટલો છે. જે દર્દીને સપ્લિમેન્ટ ઓક્સિજન આપવાનો થાય એ દર્દીએ પાંચ દિવસ અને વેન્ટિલેટર ઉપરના દર્દીએ ૧૦ દિવસ આ દવાઓ ડોક્ટરની સલાહ મુજબ લેવી જોઈએ.

પહેલા વેવ કરતાં અત્યારનો વેવ ૩ ગણી ઝડપે આગળ વધી રહ્યો છે : ડો. માવળંકર

અત્યારનો કોરોનાનો વેવ ગયા વર્ષના કોરોનાના વેવ કરતાં ત્રણ ગણી અને એથીય વધુ ઝડપ ધરાવે છે તેથી ખાસ સાવધ રહેવાની જરૂર છે, એમ ઉલ્લેખી ડો. દિલીપ માવળંકરે જણાવ્યું હતું કે, હાલનો કોરોનાનો સ્ટેન વધુ ઘાતક હોઈ તેનાથી બચવા લોકોએ ક્યાંય ભીડભાડ ના કરવી જોઈએ, જાહેરમાં વધારે સંખ્યામાં ભેગા થવું બને ત્યાં સુધી ટાળવું જોઈએ, લોકોએ ઘરનાં તથા ઓફિસના બારીબારણાં ખુલ્લાં રાખવા જોઈએ. એમણે આરટીપીસીઆર ટેસ્ટિંગ વધુ પ્રમાણમાં કરવા ઉપર ભાર મૂકી જણાવ્યું હતું કે, વેક્સિન લીધાં પછી તથા એકવાર કોરોનામાં આવ્યા બાદ બીજી વાર પણ કોરોના થઈ રહ્યો છે- આ બધા કેસો ઊંડો અભ્યાસ માગી લે છે.

કોરોના પોઝિટિવ આવે એટલે તરત સિટિસ્કેનના રિપોર્ટ માટે દોડવાની જરૂર નથી : ડો. તુષાર પટેલ

ડો. તુષાર પટેલે જણાવ્યું કે, આરટીપીસીઆર પોઝિટિવ આવ્યો એટલે તૂર્ત જ સિટિસ્કેનનો આગ્રહ બિલકુલ ખોટો છે, શરૂઆતના ૫-૬ દિવસમાં તો સિટિસ્કેનના રિપોર્ટમાં કોરોનાની અસર પકડાય જ નહીં, ઊલટાનું સિટિસ્કેનના રેડિએશનની આડઅસર પણ થઈ શકે, એટલે ૭-૮ દિવસ બાદ સિટિસ્કેન રિપોર્ટ કઢાવવો જોઈએ. એમણે અમુક કલાકો ઊંધા સૂવા તથા યોગ-પ્રાણાયામ કરવાની પણ સલાહ આપી હતી.

કોરોના વાઇરસ સામેનું આ યુદ્ધ આપણે સાથે મળીને લડીએ : ડો. વી.એન. શાહ

કોરોના વાઇરસ એક યુદ્ધ તરીકે જોઈ એની સામે આપણે બધાએ સાથે મળીને લડવાનું છે, એમ ઉલ્લેખી ડો. વી.એન. શાહે જણાવ્યું હતું કે, લોકોને કોરોના માટે જરૂરી માર્ગદર્શન આપવા છેક ગ્રામકક્ષા સુધી સરકારે ટાસ્ક ફોર્સ ઊભા કરવાની જરૂર છે, કેમ કે હાલ તો કોરોનાનો સ્ટેન અગાઉ કરતાં ૪થી ૬ ગણો ઝડપથી આગળ વધી રહ્યો છે અને એમાં વેક્સિનને કારણે ૮૫થી ૯૦ ટકા સુધી રક્ષણ મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન