કોંગ્રેસનો સંકલ્પપત્ર- કરી વચનોની લહાણી :પાટીદારોને અનામત, પેટ્રોલમાં ભાવ ઘટાડો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • કોંગ્રેસનો સંકલ્પપત્ર- કરી વચનોની લહાણી :પાટીદારોને અનામત, પેટ્રોલમાં ભાવ ઘટાડો

કોંગ્રેસનો સંકલ્પપત્ર- કરી વચનોની લહાણી :પાટીદારોને અનામત, પેટ્રોલમાં ભાવ ઘટાડો

 | 5:55 pm IST
  • Share

પાટીદારોને અનામત, મહિલાઓને ઘરનું ઘર, બેકારોને ભથ્થું રૂ.4000, ખેતી માટે વિનામૂલ્યે પાણી, ખેડૂતોના દેવાં માફી, સરદાર પટેલ યુનિવર્સલ હેલ્થ કેર કાર્ડ જેવા મુદ્દાઓને સમાવતો સંકલ્પ પત્ર કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ચૂંટણી ઢંઢેરામાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે પટેલોને અનામતના ક્વોટામાં ફેરફાર કર્યા વગર અનામત અપાશે. ખેડૂતોને 16 કલાક વિજળી આપવામાં આવશે. આ ઉપરાંત એક મોટી જાહેરાત કરવામાં આવી હતી કે પેટ્રોલ અને ડિઝલના જે ભાવ છે તેમાં રૂ.10 સુધીનો ઘટાડો કરાશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો. અશોક ગેહલોત અને ભરતસિંહ સોલંકીની હાજરીમાં આ ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો.

ચૂંટણી ઢંઢેરાને જાહેર કરતાં ભરતસિંહે કહ્યું હતું કે, “યુવાનોને રોજગારી માટે રાજ્યમાં ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. ફિક્સ પગાર પ્રથા અને કરાર આધારિત પ્રથાનો અંત લવાશે. મહિલાઓને કોઈ પણ જાતિના ભેદભાવ વગર મકાન અપાશે. ખેડૂતોને મફત પાણી અને 16 કલાક વીજળી આપવાની પણ ઘોષણા કરવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાતમાં વધું પડતા વિજળીના બિલને પણ ચૂંટણી ઢંઢેરામાં સમાવવામાં આવ્યો છે. બિલમાં 50 ટકા સુધીનો ઘટાડો કરાશે.”

કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ચૂંટણી ઢંઢેરામાં સરવાળે સસ્તારત, રોજગાર, ખેતી, ખેડૂત, પટેલ, ઓબીસી, મહિલાઓ અને ન્યાય સહિતના મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે.

આ ચૂંટણીઢંઢેરાની વિશેષતા એ છે કે તેમાં 24 જેટલાં ચેપ્ટર છે. એક ચેપ્ટરમાં 30 મુદ્દાઓને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. આ મામલે કોંગ્રેસનું કહેવું છે કે ચૂંટણી ઢંઢેરા માટે 15થી 20 હજાર જેટલાં સૂચનો આવ્યા હતા. તેને વર્ગીકૃત કરી 1000 જેટલાં મુદ્દાઓ તૈયાર કરવામાં આવ્યા હતા. આ મુદ્દાઓને સમાવીને ચૂંટણીઢંઢેરો તૈયાર કરવામાં આવ્યો છે. હકીકતમાં તો આ ચૂંટણી ઢંઢેરો નથી પણ સંકલ્પપત્ર છે, જેમાં સમાજના દરેક વર્ગ લોકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા છે.

કોંગ્રેસ મહામંત્રી દિપક બાબરિયાનું કહેવું છે કે, ” આ સંકલ્પ પત્રમાં અનામત ફોર્મુલાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આર્ટીકલ 46ના પ્રાવધાનોને આધારે બિલ લાવીશું. બંધારણની કલમ 31(C)ને ધ્યાનમાં રાખીને કરાશે. કલમ 15(4) અને 16(4) હેઠળ OBCને મળતાં લાભ અપાશે. આ ઉપરાંત વેપારીઓને પડતી મુશ્કેલીને ધ્યાનમાં લઈને GST મુદ્દે વેપારીઓનાં સુચનો પણ સમાવવામાં આવ્યાં છે.”

સંકલ્પપત્રના મુખ્ય મુદ્દાઓ
1 ખેતી માટે વિના મૂલ્યે મળશે પાણી
2. ખેતી માટે 16 કલાક વીજળી મળશે.
3. ખેડૂતોનું દેવું માફ થશે.
4. સરદાર પટેલ યુનિવર્સલ હેલ્થ કેર કાર્ડ અપાશે.
5. બેરોજગારોને બેકારી ભથ્થુ મળશે રૂ. 4000
6. ઈન્ટરવ્યુ માટે જનારાને મફત એસટી મળશે.
7. મહિલાને ઘરનું ઘર મળશે.
8. પેટ્રોલ ડિઝલના ભાવમાં રૂપિયા 10નો ઘટાડો કરાશે.
9. વિદ્યાર્થીઓને લેપટોપ કેસ્માર્ટ ફોન અપાશે.
10. સરકારી ભરતીનું કામ ઝડપી બનાવાશે.
11. દરેક તાલુકામાં રોજગાર અને  માહિતી કેન્દ્ર
12. રાજીવગાંધી ફાર્માસ્યૂટીક્લ્સનું ગુજરાતમાં કરાશે વિસ્તરણ
13. વીજળીના દરમાં 50 ટકા સુધીનો ઘટાડો કરાશે.
14. સ્થાનિકોને રોજગારીમાં પ્રાથમિકતા અપાશે.
15. ગરીબોને 2 રૂપિયે કિલો ઘઉં અને 3 રૂપિયે કિલો ચોખા અપાશે.
16. આંદોલન દરમિયાન થયેલા કેસો પાછા ખેંચાશે. બંધારણની કલમ 31(c)ને ધ્યાનમાં રાખીને પટેલોને અનામત અપાશે.
17. 49 ટકામાં ફેરફાર કર્યા વગર અનામત આપવામાં આવશે. કલમ 15(4) અને 16(4) હેઠળ OBCને મળતાં લાભ અપાશે.
18. પોલીસ વિભાગોમાં કામના કલાકોની સમીક્ષા થશે.
19. ત્રણ મહિનામાં લેન્ડ પોલીસી ઘડવામાં આવશે.
20 ગ્રામ્ય વિસ્તારોમાં વિસ્થાપન અટકાવવા સ્માર્ટ વિલેજ બનાવાશે.
21 સરકારી નોકરીમાં ખાલી જગ્યાઓ માટે ઝડપી ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.
22. તમામ વિભાગોમા સિટિઝન ચાર્ટર્ડનો થશે સમાવેશ
23 મહિલાઓ માટે પિંક ટ્રાન્સપોર્ટની કરાશે વ્યવસ્થા

24. 200 યુનિટ સુધી બે રૂપિયે લેખે અપાશે વીજળી
25. ગંભીર ગુનાના નિકાલ માટે સ્થપાશે ફાસ્ટ ટ્રેક કોર્ટ
26. મહોલ્લા દવાખાના શરૂ કરવામાં આવશે.
27. વ્યવસાયિક વેરામાં 50 ટકાનો ઘટાડો કરાશે.

કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરાને ગુજરાતની અસ્મિતાને ફરીથી સ્થાપિત કરવાની નેમ સાથેનો સંકલ્પ ગણાવી ગુજરાતના નવસર્જન માટેનો ચૂંટણીઢંઢેરો ગણાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન