કોરોના : સરકાર, પ્રજા અને મીડિયા એકબીજાને વિશ્વાસ અપાવે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • કોરોના : સરકાર, પ્રજા અને મીડિયા એકબીજાને વિશ્વાસ અપાવે

કોરોના : સરકાર, પ્રજા અને મીડિયા એકબીજાને વિશ્વાસ અપાવે

 | 1:20 am IST
  • Share

કેળવણીના કિનારે :-  ડો.અશોક પટેલ

કોરોના બીજા રાઉન્ડની મુલાકાતે છે ! ક્યાં સુધી રોકાશે તેનો આધાર લોકો અને સરકાર પર છે. નક્કી આપણે સૌએ કરવાનું છે કે એને આમંત્રણ આપવું ? આવે તો હરખભેર વધાવવો કે હિંમતભેર કાઢી મૂકવો ? હા, એ પણ યાદ રાખીશું કે, આપણા ઘેરથી બીજાના ઘેર મોકલવો છે કે બીજાના ઘેરથી આપણા ઘેર બોલાવવો છે ? કે સૌએ સાથે મળીને કાઢી મૂકવો છે ? ઉપરના દરેક પ્રશ્નમાં કટાક્ષ અને ગહનતા છે. સ્વાભાવિક છે કે, કોરોનાને કાઢવાનું કામ કોઈ એક વ્યક્તિ, કોઈ એક સમાજ કે કોઈ એક સરકાર કે કોઈ એક દેશ કે મીડિયા એકલા હાથે નહીં કરી શકે. સૌએ સાથે મળી એક સાથે પ્રયત્ન કરવા પડશે, મીડિયા, પ્રજા અને સરકારે સાથે મળી એકબીજાને વિશ્વાસ અપાવી ચોક્કસ નીતિ સાથે આગળ વધવું પડશે તો જ સફ્ળતા મળશે. કોઈ એક પક્ષની ઢીલી નીતિ કોરોનાને રોકવા માટે સક્ષમ છે.

ગત માર્ચ માસને યાદ કરો. તે પછીની આજની તારીખને પણ યાદ કરો અને આજના દિવસો પણ યાદ કરો. ગયા વર્ષે કોરોના આપણા માટે નવો હતો, તેને કોઈ ઓળખતું નહોતું. તેની સામે કેવી રીતે લડવું એ પણ પૂરેપૂરી જાણકારી નહોતી. જ્યારે આજે ડોક્ટર, સરકાર અને લોકો સૌ કોરોનાને ઓળખે છે. તેને કેવી રીતે હરાવવો તેની ખબર છે. કોરોનાને હરાવવા માટે જરૂરી દવાઓ અને અનુભવો આપણી પાસે છે. જેથી આજે એટલું ડરવાની જરૂર નથી જેટલું ગયા વર્ષે ડરતા હતા. પણ હા, ડરવાની જરૂર નથી પણ સાવચેતી રાખવાની જરૂર છે જે આપણે જાણીએ છીએ. છતાં એટલું તો કબૂલવું જ પડશે કે સાવચેતી રાખવામાં લોકો અને સરકાર બંને પોતાની ફ્રજ ચૂક્યા છે. લોકો પોતાની ઇચ્છા પ્રમાણે સાવચેતી રાખ્યા વગર ઘર બહાર રખડયા કરે છે તો સરકાર પણ સાવચેતી રાખ્યા વગર જાહેર કાર્યક્રમો કરે જાય છે. હકીકતમાં સરકારે પોતાના વર્તનવ્યવહાર દ્વારા એવા ઉદાહરણ પૂરાં પાડવાં જોઈએ કે જેથી તેમાંથી પ્રજા પ્રેરણા લે અને પોતાના વર્તનવ્યવહારમાં પરિવર્તન લાવે. તો સામે પક્ષે પ્રજાએ પણ કોરોના સામે લડવાની સરકારની ગાઇડલાઇનને મહત્ત્વ આપી તે મુજબ કરીને સરકારને પણ પ્રોત્સાહિત કરવી જોઈએ. તો મીડિયાએ એવી હકીકતો રજૂ કરવી જોઈએ કે જેમાંથી લોકો પ્રેરણા લે. પણ આજે ત્રણે પક્ષમાં તે બાબતને લઈને ગંભીરતા ઓછી જોવા મળે છે.

કોરોનાનું સ્વરૂપ બદલાયું. સરકારે કોરોના માટેના ટેસ્ટ વધાર્યા. કોરોનાની અત્યારે જે અસર જોવા મળે છે તે બાળકોથી વૃદ્ધો સુધીમાં જોવા મળે છે. પરિણામ સ્વરૂપ કોરોનાની થોડીઘણી અસર જોવા મળતી હોય તેવા દર્દીઓની સંખ્યામાં તીવ્રતાથી વધારો થયો. દર્દીઓની સંખ્યામાં એકાએક ઉછાળો આવવાને કારણે હોસ્પિટલો પણ એકાએક ભરાઈ ગઈ. લોકો વધુ ગભરાવા માંડયા. બસ અહી જ લોકોએ વધુ જાગૃત થવાની જરૂર છે. અત્યારે જે કોરોના છે તેમાં ક્યારેક લક્ષણો દેખાય પણ ખરા અને ક્યારેક લક્ષણો ના પણ દેખાય. લક્ષણો હોય તો કોરોના ના પણ હોય અને કોરોના હોય તો લક્ષણો ના પણ દેખાય. જેથી ડરને કારણે લોકોનો ધસારો હોસ્પિટલ તરફ વધી ગયો. હકીકતમાં ડોક્ટરોના કહેવા મુજબ અત્યારે કોરોનાની અસર ધરાવતા તમામ દર્દીઓએ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી. ઘેર બેઠા પણ ડોક્ટરની સલાહ મુજબ સારવાર કરી શકાય તેમ છે. ત્યારે સામાન્ય અસરમાં હોસ્પિટલ તરફ દોડી જતાં લોકોએ ડોક્ટરની સલાહ માનીને ઘરમાં જ સારવાર લેવી જોઈએ. જેથી બીજા ગંભીર દર્દીઓને હોસ્પિટલમાં સારવાર મળી શકે. બસ લોકોએ અત્યારે આ સમજીને સરકાર અને હોસ્પિટલને સહકાર આપવાનો છે.

કોરોનાની વેક્સિન આપવાનું શરૂ થઇ ગયું છે. ત્યારે જે લોકો વેક્સિન માટે લાયક છે તેમણે અવશ્યપણે વેક્સિન લેવી જ જોઈએ. ઘણાં લોકો માને છે કે વેક્સિન લીધા પછી પણ કોરોના તો થાય છે ને ! ત્યારે એવા લોકોએ સમજવાનું થાય કે, હા, વેક્સિન લીધા પછી કોરોના થઇ શકે, પણ સાથે વેક્સિન લીધી હોય તેમના મૃત્યુ થવાની શક્યતા ઘણીઘણી ઘટી જાય છે. સાથે વેક્સિન લેનાર દ્વારા કોરોના ફેલાવાની શક્યતા પણ ઘણી ઘટી જાય છે. સાથે એવી વ્યક્તિને જો કોરોના થશે તો તેને હોસ્પિટલમાં જવાની જરૂર નહીં રહે. ઉપરાંત વેક્સિનની અસરકારકતા ૮૦ ટકા હોય તો એનો અર્થ એ થાય કે ૧૦૦ વ્યક્તિને વેક્સિન આપી હોય તો ૨૦ લોકોને અસર ના પણ થાય. પરંતુ આપણે એ ૨૦ પર ધ્યાન નથી આપવાનું. આપણે તો ૮૦ ને અસર થાય છે તેની પર ધ્યાન આપવાનું છે. તો સૌએ સમજીને જેને જ્યારે તક મળે ત્યારે રસી લઈને સમાજ અને સરકારને સહકાર આપવો જોઈએ.

સરકારે પણ પોતાની નીતિમાં જરૂર જણાય ત્યાં ફેરફર કરીને લોકોને સમજાવવા અને પ્રોત્સાહિત કરવા જોઈએ. અગાઉ કહ્યું તેમ સરકારે જ ચૂંટણી વખતે અને તેની આગળપાછળ રાજકીય કાર્યક્રમોમાં લોકોનાં ટોળાં ભેગાં કયાંર્. અહીં રાજકીય પક્ષો ચિંતાવિહીન દેખાયા તે જોઇને લોકો પણ તેમ કરવા લાગ્યા. ત્યારે સરકાર અને રાજકીય પક્ષોએ એવા વર્તનવ્યવહાર કરવા જોઈએ કે જેમાંથી લોકો પ્રોત્સાહન મેળવે. અત્યારની પરિસ્થિતિમાં હોસ્પિટલની જેને જરૂર નથી તેવા લોકોને હોસ્પિટલ આવતા અટકાવવા માટે સરકારે ઘેરઘેર સેવા આપવામાં વધારો તો કરવો જ જોઈએ પણ સાથે ગુણવત્તામાં પણ વધારો કરવો જોઈએ. હા, લોકોની અપેક્ષા કે વર્તનવ્યવહારને કારણે સરકારને પણ કેટલીક મુશ્કેલીઓ પડે છે ત્યારે લોકોએ પણ સમજીને સરકારની ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ. ગયા વર્ષની જેમ પોલીસના ડરને કારણે આપણે કેટલાક નીતિનિયમોનું પાલન કરતા હતા, તો જો હજુ પણ લોકોનાં વર્તનમાં ફેરફર નહીં થાય તો સરકાર પોલીસનો આશરો લેશે જ. લોકડાઉન લાવવું સરકારને પણ નથી ગમતું. ત્યારે જો લોકો નહીં સમજે તો સરકારે કેટલાક અંશે એ પણ કરવું પડશે. માટે જ લોકોએ પણ હકારાત્મક વિચારસરણી રાખીને કોરોનાની ગાઇડલાઇન મુજબ વર્તન કરવા જોઈએ અને સરકારની કામગીરીમાં ભલે સીધા મદદરૂપ ના થઈએ તો આ રીતે પણ મદદરૂપ થઇ શકીશું. આપણે ગભરાવાની જરૂર નથી, જરૂર છે સાવચેતી રાખવાની. સાચવીશું તો બચીશું અને બચાવીશું. આજે તો કોરોના એટલે શું, કેવી રીતે બચાય, શું કરવું અને ના કરવું વગેરે સામાન્ય માણસ પણ જાણતો થઇ ગયો છે. ત્યારે તેની જાણકારી જ પૂરતી નથી, અમલ કરવો એ પણ જરૂરી છે. આજે આપણા વોટ્સએપ પર સૌથી વધુ એસએમએસ કોરોનાની સારવાર અને તકેદારી અંગેના હોય છે. સાથે સમાચારપત્રો અને ટી.વી. પર પણ જરૂરી અને પૂરતી માહિતી નિષ્ણાતો દ્વારા મળી જ રહે છે. ત્યારે ફ્રી કહેવાનું મન થાય કે, આપણે સૌ આટઆટલું જાણીએ છીએ તો તેનો અમલ કરવામાં કેમ મુશ્કેલી અનુભવીએ છીએ? હા, નવું અને જુદું કરવાનું આવશે તો મુશ્કેલી પડશે જ પણ એનું પરિણામ સારું હશે. હા, અહીં એક વાતની એ પણ નોંધ લેવી જ રહી કે જેમ લોકો અને સરકાર ક્યાંક ક્યાંક તેમની ફ્રજ ચૂક્યા છે તેમ સમાચારપત્રો અને ટી.વી. પણ તેમની ફ્રજ ક્યાંક ચૂક્યા છે. ક્યારેક બનતી નકારાત્મક ઘટનાને નકારાત્મક રીતે એવી રીતે રજૂ કરે છે કે વાંચનાર કે જોનાર ગભરાઈ જ જાય. તેનામાં આવેલી હકારાત્મકતા જતી રહે. તો પ્રસાર માધ્યમોએ પણ શું પીરસવું, કેવી રીતે પીરસવું તે નક્કી કરીને સમાજનાં હિતમાં પોતાની ફ્રજ બજાવવી જોઈએ. હા, સમાચાર કે ઘટનાને સમાજ સામે લાવો પણ ખરાબ રીતે નહીં કે જેની અસર નકારાત્મક થાય. જેમ નકારાત્મક ઘટનાઓ બને છે તેમ હકારાત્મક ઘટનાઓ પણ બને છે. તો નકારાત્મક કરતા હકારાત્મક ઘટનાને વધુ પ્રાધાન્ય આપીને રજૂ કરવામાં આવશે તો લોકોને હિંમત અને પ્રેરણા મળશે.

અશોકી : આ દુનિયામાં સફળ થવાનો સૌથી સરળ રસ્તો એ છે કે આપણે જે સલાહ બીજાને આપીએ છીએ તેનું પાલન આપણે પણ કરીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન