Corona vaccine operations in rural Bhavnagar are Serious mistakes
  • Home
  • Bhavnagar
  • ભાવનગર: કોરોના વેક્સિન કામગીરીમાં આંકડાઓ વધુ દેખાડવા લોલમલોલ

ભાવનગર: કોરોના વેક્સિન કામગીરીમાં આંકડાઓ વધુ દેખાડવા લોલમલોલ

 | 11:05 pm IST
  • Share

  • વેક્સિનના મોટા આંકડા બતાવવા ખોટા નામો લખી નાખ્યા
  • ઓફિસરોએ ગોળ ગોળ જવાબ આપી વાતને ટાળી દીધી

કોરોના સામેના જંગમાં લડવા એક માત્ર સાધન છે વેક્સિન. જેથી વેક્સિન વધુમાં વધુ લોકો લે તે માટે સરકાર અનેક પ્રકારે પ્રચાર પ્રસાર કરી રહી છે. બીજી બાજુ ભાવનગર ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વેક્સિન કામગીરીમાં આંકડાઓ વધુ દેખાડવા લોલમલોલ ચાલી રહી છે તેનો પુરાવો પણ જોવા મળ્યો.

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ભાવનગરના ભૂંભલી ગામે મહિલા મેડિકલ ઓફિસરનો એક ઓડીયો વાયરલ થયો છે, જેમાં આ મહિલા વેક્સિનના બીજા ડોઝમાં તમામના નામો લખી નાખવાની તેમના સ્ટાફને સૂચના આપી રહ્યા છે. બીજી બાજુ બીજા ડોઝ માટેના નામોનું લિસ્ટ પણ સોશિયલ મીડિયામાં વહેતુ થયું છે જે પણ તદ્દન ખોટું હોવાનું સંદેશ ન્યૂઝ એ કરેલ રિયાલિટી ચેકમાં બહાર આવ્યું છે.

ભાવનગર જિલ્લાના 9 PHC સેન્ટરોમાં 9000થી વધુ લોકોને વેક્સિનનો બીજો ડોઝ મળી ગયાનું લિસ્ટ તેમજ ભુંભલીના મહિલા મેડિકલ ઓફિસરનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સંદેશ ન્યૂઝ એ કુલ 9 સેન્ટર પૈકી ના 1 એવા ફરિયાદકા ગામે મુલાકાત લીધી અને જેમાં નામો લિસ્ટમાં છે તેમને મળવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો, પરંતુ જે નામો છે તેમાંથી એક પણ વ્યક્તિ ફરિયાદકાનો છે જ નહીં તે વાત ખુદ તલાટી મંત્રીએ સ્વીકારી હતી.

જયારે પીએચસી સેન્ટરમાં આ મામલે પૂછવામાં આવ્યું તો મેડિકલ ઓફિસર તેમજ તાલુકા હેલ્થ ઓફિસર લાજવા ના બદલે ગાજવા લાગ્યા અને આ લિસ્ટમાં જેમના નામ છે તેમને ડોઝ અપાયો છે કે કેમ તે ચેક કરવાના બદલે મીડિયાને દબાવવાની કોશિશ કરી હતી. મેડિકલ ઓફિસર અને તાલુકા હેલ્થ ઓફિસર સુનિલ પટેલ બીજા ઉપર ખો આપી અને દૂર ભાગ્યા હતા. જે લોકોના નામ લિસ્ટમાં નામ છે તે કોઈ ફરિયાદકામાં જોવા જ ના મળ્યા જે ફોન નંબર આપેલા છે તે તદ્દન ખોટા હોવાનું બહાર આવ્યું છે.

તો બીજી તરફ જે આઈડી પ્રુફનો ઉપયોગ થયાનું જણાવ્યું છે તે વોટર આઈડી કોમ્પ્યુટરમાં નોટ ફાઉન્ડ દર્શાવતા હતા. એટલે કે, તમામ કામગીરી માત્ર આંકડા બનાવવા માટે થઈ હોય તેમ સાબિત થતું હતું. આ મામલે આરોગ્ય અધિકારીને પૂછતાં તેને કોઈ સ્પષ્ટતા કરી નહીં અને લિસ્ટ મામલે તપાસ કરશું તેમ જણવ્યું હતું. આ લિસ્ટ મામલે જો તંત્ર યોગ્ય તપાસ કરે તો બોગસ રસીકરણના કૌભાંડનો પર્દાફાશ થઇ શકે તેમ છે અને આરોગ્ય વિભાગને તેમણે જ કરેલી કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉભા થાય તેમ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો