Coronavirus Cases hike in Ahmedbad, Corona testing increase
  • Home
  • Ahmedabad
  • આખરે અમદાવાદમાં જેનો ડર હતો એ જ થયું, કોરોનાવાયરસનો કહેર

આખરે અમદાવાદમાં જેનો ડર હતો એ જ થયું, કોરોનાવાયરસનો કહેર

 | 9:19 am IST
  • Share

  • કોવિડ ટેસ્ટિંગ માટે 40 ડોમ ઉભા કરાયા

  • દરરોજ 7000 ટેસ્ટઃ દિવાળી પછી 42000 ટેસ્ટ કરાયા

  • સોલા સિવિલમાં કોવિડ માટે 400 બેડ સાથે આગોતરી તૈયારી

અમદાવાદમાં દિવાળીના તહેવારો બાદ કોવિડ-19ના કેસોમાં ધીમો વધારો થયો છે અને 8 નવેમ્બરથી અત્યાર સુધીમાં કોરોનાના નવા 100 કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે. હાલ દરરોજ 7000 કોરોના ટેસ્ટ કરવામાં આવે છે અને દિવાળી પછી અત્યાર સુધીમાં કોરોનાના 42000 ટેસ્ટ કરવામાં આવ્યા છે. શહેરમાં કોરોનાના ટેસ્ટ માટે 35થી 40 ડોમ ઉભા કરવામાં આવ્યા છે. દિવાળીના તહેવારો પછી શહેરમાં કોરોનાના રોગચાળાએ ફરી માથું ઉંચક્યું છે અને મ્યુનિ. દ્વારા શહેરમાં કોરોનાને વકરતો અટકાવવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. આ હેતુસર ટેસ્ટિંગ, વેક્સીનેશન પર ભાર મૂકાશે અને જે લોકોને વેક્સીનનો સેકન્ડ ડોઝ લેવાનો બાકી છે તેવી વ્યક્તિઓની યાદી તૈયાર કરીને તેમનો સંપર્ક કરીને વેક્સીન લેવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં લગભગ 60 ટકા નાગરિકોનું વેક્સીનેશન પૂરૂં કરાયું છે અને આગામી મહિને 80 ટકા લોકોને વેક્સીનેશન હેઠળ લાવવામાં આવશે.

મ્યુનિ. હેલ્થ ઓફ્સિરે જણાવ્યું છે કે, શહેરમાં કોરોનાને લઈ RTPCR અને એન્ટીજન ટેસ્ટ વધારવામાં આવ્યા છે. શહેરમાં અલગ અલગ જગ્યાએ ડોમ ઉભા કરવા તેમજ વેકસીનેશન વધારવા માટે સૂચના અપાઈ છે. જે વિસ્તારમાં કેસો આવે ત્યાં હેલ્થ ખાતાના કર્મચારીઓ જઈ આસપાસના લોકોને ધ્યાન રાખવા સૂચના આપવામાં આવે છે અને કોરોનાના લક્ષણો જોવા મળે તેવા વ્યક્તિઓના કેસ હિસ્ટ્રી તપાસવા સૂચના અપાઈ છે.

સોલા સિવિલમાં કોવિડ માટે 400 બેડ સાથે આગોતરી તૈયારી

કોરોનાના કેસ ધીમે ધીમે વધવા માંડયા છે ત્યારે સિવિલ હોસ્પિટલની જેમ જ સોલા સિવિલ હોસ્પિટલમાં પણ આગોતરી તૈયારી પૂરી થઈ છે, સોલા સિવિલમાં કોરોના સંદર્ભે કુલ 400 બેડ તૈયાર કરાયા છે, જે પૈકી 50 આઈસીયુ વિથ વેન્ટિલેટર બેડ, 50 ઓક્સિજન બેડ તૈયાર રખાયા છે, વેન્ટિલેટર પણ કાર્યરત્ કરાયા છે, જે જરૂર પડયે ઈન્સ્ટોલ કરવામાં આવશે, તેમ સોલા સિવિલ હોસ્પિટલના સૂત્રો કહે છે. દિવાળી પહેલાં જામેલી ભીડ પછી ધીમે ધીમે કોરોનાના કેસ વધતાં તબીબો પણ ચિંતિત બન્યા છે.

આંબાવાડીમાં 8, નવરંગપુરામાં 6 મકાન માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા

અમદાવાદ શહેરમાં છેલ્લા 15 દિવસથી કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે, જોકે સરકારી ચોપડે કોરોના પોઝિટિવ કેસના આંકડા ઓછા બતાવવામાં આવતાં હોય તેવી સ્થિતિ છે, કારણ કે, શહેર ખાનગી લેબોરેટરીમાં જ રોજના ચારથી પાંચ કોવિડ પોઝિટિવ દર્દી આવી રહ્યા છે તો કેટલીક લેબોરેટરીમાં બેથી ત્રણ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે, એક જ લેબોરેટરીમાં છેલ્લા 15 દિવસમાં 75 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે, તેમ ખાનગી લેબ.ના સંચાલકોનું કહેવું છે.

શહેરની ખાનગી લેબોરેટરી સાથે સંકળાયેલા સૂત્રો કહે છે કે, છેલ્લા 15 દિવસથી કોરોના ટેસ્ટિંગ માટે આવતાં દર્દીઓની સંખ્યામાં વધારો દેખાયો છે, શહેરની 50 જેટલી લેબોરેટરીમાં કોવિડ માટે RTPCR ટેસ્ટ થાય છે, ખાનગી લેબોરેટરીમાં ત્રણથી માંડીને પાંચ જેટલા કેસ આવી રહ્યા છે, મોટા ભાગના એવો લોકો પોઝિટિવ છે જેઓ દિવાળીના તહેવારો સમયે બહાર ગામ ફરવા ગયા હતા, દિવાળી પહેલાં શહેરના વિવિધ બજારોમાં ઠેર ઠેર ભીડ ઊમટી હતી, એ પછીથી ધીમે ધીમે પોઝિટિવ દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો