court has sentenced a son to life imprisonment for killing an elderly mother at his Rameshwar apartment in Rajkot
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • કપાતર પુત્રો ચેતી જજો: રાજકોટમાં વૃદ્ધ માતાની હત્યા કરનાર પુત્રને કોર્ટે ફટકારી આકરી સજા

કપાતર પુત્રો ચેતી જજો: રાજકોટમાં વૃદ્ધ માતાની હત્યા કરનાર પુત્રને કોર્ટે ફટકારી આકરી સજા

 | 7:40 pm IST
  • Share

ભણેલો ગણેલો અને શિક્ષિત અને તેમાંયે પ્રોફેસર કે જે વિદ્યાર્થીઓને જીવનના પદાર્થ પાઠ શિખવતો હોય તેવો પુત્ર પોતાની જનેતાને મારી નાંખીને તેને આત્મહત્યામાં ખપાવવાની કોશિશ કરે તે માન્યામાં ન આવે તેની ઘટના રાજકોટમાં બની હતી. રાજકોટમાં 27-9-2017ના રોજ અગાસીના ચોથા માળેથી ફેંકી દઈ માતાની પુત્રએ હત્યા કરી હતી. એક વૃદ્ધાએ ઉપરથી પડીને આત્મહત્યા કર્યાના બનાવમાં ‘તીસરી આંખે’ પુત્રનો ભાંડો ફોડી નાંખતા પુત્ર જેલના સળીયા ગણતો થઈ ગયો હતો.

કપાતર પુત્રને હવે તેના પાપની સજા કોર્ટે આપી છે. વૃદ્ધ માતાની હત્યા કરનારા પુત્ર સંદીપ નથવાણીને આજીવન કેદની સજા નામદાર કોર્ટ ફટકારી છે. શહેરના 150 ફૂટ રીંગ રોડ નાણાવટી ચોક પાસે આવેલા દર્શન એવન્યુ એપાર્ટમેન્ટની અગાસી પરથી પથારીવશ વૃદ્ધ જનેતાને ઠંડા કલેજે ફેંકી મોતને ઘાટ ઉતારનારો કપાતર પુત્ર હવે આખી જિંદગી જેલના સળિયા પાછળ રહેશે.

આરોપી પુત્ર સંદીપ નથવાણીનો કેસ ચાલવા ઉપર આવતા ફરિયાદી, ડોકટર, પોલીસ, ફ્લેટ ધારક, આરોપીની બહેન-બનેવી મળી કુલ 28 લોકોના મૌખિક જુબાની અને પુરાવા સહિતની હકીકતો ધ્યાને રાખી ડિસ્ટ્રીક્ટ સેશન્સ જજ પી.એન.દવે એ આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા સંભલાવી છે.

વાત એમ છે કે રાજકોટમાં 150 ફૂટ રોડ નાણાવટી ચોક પાસે આવેલા રામેશ્વર એપાર્ટમેન્ટમાં ત્રણ મહિના પહેલા એક વૃદ્ધા જયશ્રીબેન નથવાણીએ પોતાના એપાર્ટમેન્ટના ચોથે માળેથી પડીને આત્મહત્યા કરી લીધી હોવાના બનાવમાં સીસીટીવી ફૂટેજમાં એ આત્મહત્યા નહિં પણ હત્યા હોવાનું રહસ્ય ખોલી નાંખ્યું હતું. આ વિસ્તારના એક જાગૃત નાગરિકે મહિલાના મોત પછી જિજ્ઞાસાવશ ફલેટની સામે આવેલા સીસીટીવી ફૂટેજ ચકાસતા, તે ચોંકી ઉઠ્યો હતો. તેના સીસીટીવી ફૂટેજમાં તે આત્મહત્યા નહિં પણ હત્યા હોવાના જબરદસ્ત પૂરાવો હતો. આ નાગરિકે પોલીસને એક નનામો પત્ર લખી પોલીસ કન્ટ્રોલમાં આ ઘટના વિશે જાણ કરી હતી. પછી પોલીસે પ્રોફેસર પુત્ર સંદીપ નથવાણી ઉપર વોચ ગોઠવી હતી. તે પછી સીસીટીવી ફૂટેજને આધારે તેને દબોચીને જેલ ભેગો કરી દીધો હતો.

હૈયું કંપાવી દે તેવી ઘટનામાં ખોળાનો ખુંદનારજ યમદૂત બન્યો હોવાનું જોવા મળ્યું હતું. સીસીટીવી ફૂટેજમાં વૃદ્ધા જયશ્રીબેન અતિ બીમાર હોવાનું અને સપોટ વગર ચાલી શકતા પણ ન હોવાનું ખુલવા પામ્યું હતું. પુત્ર સંદીપ તેમને પકડીને સપોટ આપીને ચોથે માળે લઈ જતો સીસીટીવી ફૂટેજમાં ઝડપાઈ ગયો હતો. આ ઉપરાંત ઘટના સમયે પુત્રના મોબાઈલનું લોકેશન બરોબર ધાબા ઉપર જ મળ્યું હતું.

પોલીસની તપાસમાં પુત્ર સંદીપ ભાંગી પડ્યો હતો. પોતે માતાની અતિ લાંબી બીમારીથી સેવા ચાકરી કરીને કંટાળી ગયો હતો. આ ઉપરાંત દરરોજનો ઘર કંકાસ અને સામાજિક પ્રશ્નો પણ જવાબદાર હતો. તેણે જ તેની માતાને ઉપરથી નીચે ફેંકી દઈ મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે પુરાવા અને પુત્ર સંદીપના બયાનને આધારે પુત્ર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી તેને જેલમાં ધકેલી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન