Court sentences father to son's murdered father for life imprisonment
  • Home
  • Gujarat
  • માસૂમ પુત્રનું ગળું કાપી નાંખનારા નિર્દય પિતા પર કોર્ટનું આકરૂ વલણ, ફટકારી આવી સજા

માસૂમ પુત્રનું ગળું કાપી નાંખનારા નિર્દય પિતા પર કોર્ટનું આકરૂ વલણ, ફટકારી આવી સજા

 | 7:44 pm IST

વાપીના ડુંગરા ખાતે ટયૂશનક્લાસ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતી પત્ની પર ખોટી શંકા રાખીને, પાંચ વર્ષ પહેલા પોતાના જ 9 વર્ષીય સગા માસૂમ પુત્રની છરાથી ગળું કાપી કરપીણ હત્યા કરનાર આરોપી પિતાને કોર્ટે તકસીરવાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે.

આ કેસની વિગત એવી છે કે, ડુંગરાના હરિયાપાર્ક ખાતે હરિકૃપા એપાર્ટમેન્ટના ફ્લેટ નં. 403માં રહેતા ચંદ્રેશ ઉદયરાજ મૌર્યા વર્ષ 2012માં વાપીની જે.બી.એફ. કંપનીમાં નોકરી કરતો હતો, જે નોકરી છોડી મૂકીને ઘરે જ રહેતો હતો જેથી પત્ની સાવિત્રીબેન મૌર્યા (ઉ. વ.32), દાદરા ખાતે ટયૂશન ક્લાસ ચલાવીને બેકાર પતિ તથા ડુંગરા હરિયાપાર્કમાં સ્થિત હરિયા એલ.જી. હાઇસ્કૂલમાં ધો.૫માં ભણતા એકના એક 9 વર્ષીય પુત્ર ઓમનું ગુજરાન ચલાવી રહી હતી.

કોઇપણ કામધંધો ન કરતા પતિ ચંદ્રેશ ઘણા સમયથી તેની પત્ની પર ખોટી શંકા કર્યા કરતો હતો, જેથી દંપતી વચ્ચે અવારનવાર ઝઘડાઓ થયાં કરતાં હતાં. ગત તા. 14-10-14ના રોજ સાવિત્રીબેન રાબેતા મુજબ સવારે 7 વાગ્યે ટયૂશન ક્લાસ ચલાવવા ઘરેથી નીકળી ગઇ હતી. ઘરમાં પતિ ચંદ્રેશ અને પુત્ર ઓમ હાજર હતાં.

સાવિત્રીબેને સવારે 9 વાગ્યે ટયૂશન ક્લાસ પુર્ણ કરી ઘરે પહોંચીને જોયું તો ઘરનો મુખ્ય દરવાજો અંદરથી બંધ હતો. બારણું ખખડાવવા છતાં અંદરથી કોઇ જવાબ ન મળતા, પતિ બાથરૂમમાં નહાતા હશે તેમ વિચારીને અર્ધો કલાક બહાર જ બેસી રહ્યા બાદ સાવિત્રીબેને બૂમાબૂમ કરીને આડોશી પાડોશીઓને ભેગા કરી બંધ દરવાજાનો નકુચો તોડી નાંખ્યો હતો. આ સમયે બેડરૂમમાં માસૂમ ઓમનું ગળું કાપી નંખાયું હતું, ઓમ લોહીલુહાણ હાલતમાં પલંગ પર મૃત હાલતમાં પડેલો હતો. નજીકમાં પિતા ચંદ્રેશના બંને હાથોના કાંડાની નસો કપાયેલી હતી અને બેભાન હાલતમાં પડેલો હતો. ઘટના અંગે પત્ની સાવિત્રીબેને પોતાના પતિ વિરુદ્ધ પુત્રની હત્યા કરી હોવાની ફરિયાદ ડુંગરા પો.સ્ટે.માં નોંધાવતા, પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

આ અંગેનો કેસ અત્રેની એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં ચાલી જતા, ડી.જી.પી. અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખી, જજ એમ.આર. શાહે આરોપી પતિ ચંદ્રેશ મૌર્યાને તેના પુત્રની હત્યાના ગુનામાં તકસીરવાર ઠેરવીને આજીવન કેદની સજા તથા રૂા. 3000નો દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો.

આરોપીએ પોલીસ તથા કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો

આરોપી પતિએ પોતે કરેલ જઘન્ય અપરાધને છુપાવવા માટે જાતે જ છરાથી પોતાના બંને હાથના કાંડાની નસો કાપી નાંખ્યા બાદ, કોઇક અજાણ્યા વ્યક્તિએ પુત્રની હત્યા કર્યા બાદ તેના હાથની નસો કાપી નાંખી હોવાનો બચાવ કરીને પોલીસ તથા કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તેની વિરુદ્ધ પોલીસ પાસે સજ્જડ પુરાવાઓ હોવાને કારણે કોર્ટે આરોપીને સજા ફટકારી છે. આ કેસમાં સરકારી વકીલ સાથે ફરિયાદી તરફે ખાનગી વકીલ ડી.સી. દેસાઇએ પણ સેવા આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન