cricket indvssa rishabh pant scored Century after virat kohli advice test
  • Home
  • Sports
  • Cricket
  • IND vs SA: કોહલીની સલાહ બાદ ત્રીજા જ દિવસે પંતે ફટકારી સદી

IND vs SA: કોહલીની સલાહ બાદ ત્રીજા જ દિવસે પંતે ફટકારી સદી

 | 7:50 pm IST
  • Share

  • ત્રીજી ટેસ્ટમાં ભારતને 211 રનની લીડ

  • રિષભ પંતે અણનમ 100 રન બનાવ્યા

  • પંત સિવાય તમામ બેટ્સમેનો ફ્લોપ

કેપટાઉન ટેસ્ટના ત્રીજા દિવસે રિષભ પંતે શાનદાર સદી ફટકારી હતી. તેણે માત્ર 58 બોલમાં પોતાના 50 રન પૂરા કર્યા હતા. એક તરફ ભારતની વિકેટો પડતી રહી અને બીજી તરફ રિષભ પંતના ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ ચાલુ રહ્યો. તેની સદીના કારણે જ ભારતીય ટીમ 198 રન બનાવી શકી હતી. પંત 100 રન બનાવીને અણનમ રહ્યો હતો.

રિષભ પંતે ફ્રોમ પાછું મેળવ્યું

ઋષભ પંત રંગમાં પાછો ફર્યો છે. તેણે દક્ષિણ આફ્રિકા સામે કેપટાઉન ટેસ્ટના ત્રીજા દિવસે માત્ર 133 બોલમાં સદી ફટકારી હતી. દિવસની પ્રથમ બે ઓવરમાં ભારતે ચેતેશ્વર પુજારા (9) અને અજિંક્ય રહાણે (1)ની વિકેટ ગુમાવી, ત્યારબાદ પંતે આ ઇનિંગ રમી હતી. ભારત પર વહેલા આઉટ થવાનું જોખમ હતું. પરંતુ પંતે કેપ્ટન વિરાટ કોહલી સાથે મળીને ભારતને સંકટમાંથી ઉગાર્યું હતું, એટલું જ નહીં એક્સપ્રેસ ટ્રેનની ઝડપે રન પણ બનાવ્યા હતા.

પંતે સન્માનજનક સ્કોર પહોંચાડ્યો

લંચ પહેલા જ્યાં વિરાટ કોહલી સહિત બાકીના બેટ્સમેનોએ 96 બોલ રમીને માત્ર 22 રન બનાવ્યા હતા. ત્યારે ઋષભ પંતે એકલાએ 60 બોલમાં 51 રન બનાવ્યા હતા. તેણે 85ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. લંચ સુધી પંત અને વિરાટ વચ્ચે પાંચમી વિકેટ માટે 94 રનની ભાગીદારી થઈ હતી. વિરાટ કોહલી (29)ના આઉટ થયા બાદ ભારતની વિકેટો પડતી રહી હતી. પંતે સદી ફટકારવાની સાથે ભારતને લડાયક સ્કોર પર પણ પહોંચાડ્યો હતો.

જોહાનિસબર્ગમાં શોટ રમતા વિકેટ ગુમાવી

રિષભ પંત જોહાનિસબર્ગમાં રમાયેલી બીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં હવામાં બેદરકાર શોટ રમીને શૂન્ય પર આઉટ થયો હતો. આ ટેસ્ટના ત્રીજા દિવસે પંત જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે ભારતે 163 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે પેવેલિયન પરત ફર્યા હતા અને ભારતને ભાગીદારીની જરૂર હતી. પરંતુ તેણે કાગિસો રબાડાની બોલ પર મોટો શોટ રમતા પોતાની વિકેટ ગુમાવી દીધી અને ભારતને હારના રૂપમાં તેનો ભોગ બનવું પડ્યું હતું. આ પછી ગૌતમ ગંભીર અને સુનીલ ગાવસ્કરે પણ પંતને ખૂબ ઠપકો આપ્યો હતો.

વિરાટે પંતને સલાહ આપી હતી

કેપટાઉન ટેસ્ટના એક દિવસ પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કોહલીને પંતના આ શોટ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. ત્યારે તેણે મહેન્દ્ર સિંહ ધોનીની એક સલાહનો ઉલ્લેખ કર્યો હતો. જે માહીએ તેની કારકિર્દીની શરૂઆતમાં વિરાટને આપી હતી. ત્યારે વિરાટે કહ્યું હતું કે, “મહેન્દ્ર સિંહ ધોનીએ મારી કારકિર્દીની શરૂઆતમાં મને ઘણી સારી સલાહ આપી હતી. તમારી પહેલી અને બીજી ભૂલ વચ્ચે ઓછામાં ઓછું સાતથી આઠ મહિનાનું અંતર હોવું જોઈએ અને તો જ તમે તમારી ટેસ્ટ કારકિર્દીને લંબાવી શકશો. ત્યારે મેં નક્કી કર્યું હતું કે હું ભૂલનું પુનરાવર્તન નહીં કરું. જ્યારે તમે તમારી ભૂલો પર વિચાર કરો છો ત્યારે આવું જ થાય છે, જે હું જાણું છું કે રિષભ પણ કરે છે. હું આશા રાખું છું કે તે તેની ભૂલો સુધારશે.”

કોહલીની સલાહ રંગ લાવી

કેપ્ટન કોહલીની આ જ વાત પંત માટે કામ કરી ગઈ અને તેણે કેપટાઉનમાં પોતાની બેટિંગ સ્ટાઈલ બદલી તો ન હતી પણ કયા બોલ પર મોટો શોટ મારવો? તે સમજીને તેણે બેટિંગ કરી. પરિણામ એ આવ્યું કે તેણે આ મેચમાં સદી ફટકારી હતી. ઋષભ પંતે કેપ્ટન વિરાટ કોહલી સાથે મળીને આ ટેસ્ટ મેચમાં ચોથી 50+ રનની ભાગીદારી કરી હતી. પ્રથમ દાવમાં પણ બંને વચ્ચે 113 બોલમાં 51 રનની ભાગીદારી નોંધાઈ હતી. ચોથી ઇનિંગ્સમાં માત્ર 3 વખત, કોઈ ટીમ 200 થી વધુ રનનો પીછો કરતી વખતે જીતી શકી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો