ટેસ્ટ ક્રિકેટના 150 વર્ષ પૂરા થવાના અવસર પર ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ખાસ ટેસ્ટ મેચ અત્યારથી જ ચર્ચામાં આવી ગઈ છે. 11 માર્ચથી 15 માર્ચ 2027 દરમિયાન મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે આ ઐતિહાસિક મેચ રમાશે. મેચને લઈને ટિકિટની માંગ એટલી વધારે રહી કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાના ઇતિહાસમાં પહેલીવાર જાહેર ટિકિટ માટે બેલેટ સિસ્ટમનો ઉપયોગ કરવો પડ્યો.

ટિકિટ માટે જબરદસ્ત માંગ

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અપડેટ પ્રમાણે, મેચના પહેલા ચાર દિવસ માટે 1,25,000થી વધુ ટિકિટ વેચાઈ ચૂકી હતી. આમાંથી 68,289 ટિકિટ વિક્ટોરિયાની બહારના ચાહકોએ ખરીદી હતી. એટલે કે વેચાયેલી ટિકિટોમાં અડધાથી વધુ હિસ્સો અન્ય રાજ્ય અને વિદેશથી આવેલા ચાહકોનો હતો. ખાસ વાત એ છે કે વિદેશી ચાહકોમાં બ્રિટનના ચાહકોની સંખ્યા સૌથી વધુ જોવા મળી. આ માંગને કારણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ અગાઉ જ કહ્યું હતું કે મેચ માટેનો પ્રતિસાદ તેની અપેક્ષા કરતાં પણ ઘણો વધારે રહ્યો છે.

બેલેટ સિસ્ટમ કેમ લાવવી પડી

MCGમાં પાંચેય દિવસ ભારે ભીડ રહેવાની આશંકાને કારણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પહેલીવાર જાહેર ટિકિટ માટે બેલેટ સિસ્ટમ શરૂ કરી હતી. બેલેટ માટેની અરજી 6 ફેબ્રુઆરી 2026ના રોજ બંધ થઈ હતી અને ત્યાર બાદ પસંદ થયેલા લોકોને ટિકિટ ફાળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ મેચ માટે માત્ર ઓસ્ટ્રેલિયાના ચાહકો જ નહીં, પરંતુ વિદેશથી પણ મોટી સંખ્યામાં અરજીઓ આવી હતી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના જણાવ્યા પ્રમાણે વિદેશી અરજીઓમાં સૌથી મોટો હિસ્સો બ્રિટનનો હતો.

1877થી શરૂ થયેલો ઈતિહાસ

આ મેચનું મહત્વ માત્ર 150મી વર્ષગાંઠ પૂરતું નથી. ટેસ્ટ ક્રિકેટની શરૂઆત જ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે MCGમાં માર્ચ 1877માં રમાયેલી મેચથી થઈ હતી. હવે 150 વર્ષ બાદ એ જ મેદાન પર બંને ટીમો ફરી એક ખાસ ટેસ્ટમાં સામસામે આવશે. 1977માં પણ પ્રથમ ટેસ્ટની 100મી વર્ષગાંઠ નિમિત્તે MCGમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે સેન્ટેનરી ટેસ્ટ રમાઈ હતી. રસપ્રદ વાત એ છે કે ઓસ્ટ્રેલિયાએ 1877ની પ્રથમ ટેસ્ટ અને 1977ની સેન્ટેનરી ટેસ્ટ બંને 45 રને જીતી હતી. હવે 2027માં ત્રીજી ઐતિહાસિક કડી જોડાશે.

MCGમાં પહેલી પુરુષ ડે-નાઇટ ટેસ્ટ

2027ની આ મેચ પિંક બોલથી લાઈટ્સ હેઠળ રમાશે. આ MCGમાં ઓસ્ટ્રેલિયાની પુરુષ ટીમની પહેલી ડે-નાઇટ ટેસ્ટ હશે. ICCએ પણ પુષ્ટિ કરી છે કે આ ટેસ્ટ 11થી 15 માર્ચ 2027 દરમિયાન રમાશે. MCGના સત્તાવાર કાર્યક્રમમાં પણ આ મેચને 150 વર્ષના ટેસ્ટ ક્રિકેટની ઉજવણી અને 1977ની સેન્ટેનરી ટેસ્ટની 50મી વર્ષગાંઠ સાથે જોડવામાં આવી છે.

ક્રિકેટના દિગ્ગજોની પણ હાજરી

આ મેચને માત્ર ટેસ્ટ મેચ નહીં, પરંતુ ક્રિકેટના 150 વર્ષના ભવ્ય સમારોહ તરીકે ઉજવવાની તૈયારી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ICC હોલ ઓફ ફેમના જીવિત સભ્યો, ઓસ્ટ્રેલિયન ક્રિકેટ હોલ ઓફ ફેમના સભ્યો, 1977ની સેન્ટેનરી ટેસ્ટમાં રમેલા ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ, પૂર્વ ટેસ્ટ કેપ્ટન અને બંને દેશોના પૂર્વ ટેસ્ટ ખેલાડીઓને આમંત્રણ આપવાની યોજના બનાવી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના જણાવ્યા પ્રમાણે 100થી વધુ પૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ અને વિશ્વભરના ક્રિકેટ દિગ્ગજોએ અત્યાર સુધીમાં હાજરીની પુષ્ટિ કરી છે.

150 વર્ષના ક્રિકેટનો સૌથી મોટું સેલિબ્રેશન

આ મેચમાં એક સાથે ત્રણ ઐતિહાસિક ક્ષણો જોડાશે—1877ની પ્રથમ ટેસ્ટ, 1977ની સેન્ટેનરી ટેસ્ટ અને 2027ની 150મી વર્ષગાંઠની ટેસ્ટ. બંને દેશોની જૂની હરીફાઈ અને ટેસ્ટ ક્રિકેટના લાંબા ઈતિહાસને કારણે આ મેચ વિશ્વભરના ચાહકો માટે ખાસ બની છે. ટિકિટની માંગ પણ બતાવી રહી છે કે ટેસ્ટ ક્રિકેટ માટેનો ક્રેઝ હજુ પણ કેટલો મોટો છે. 1,25,000થી વધુ ટિકિટ વેચાઈ જવી અને તેમાં 68,289 ટિકિટ વિક્ટોરિયાની બહારના ચાહકો દ્વારા ખરીદવામાં આવવી એ આ ઐતિહાસિક મેચની લોકપ્રિયતાનો મોટો પુરાવો છે.

આ પણ વાંચો: Mukesh Kumar સામે જમ્મુ-કાશ્મીર લાચાર, રેસ્ટ ઓફ ઈન્ડિયાએ 31મો ઈરાની કપ પોતાના નામ કર્યો