ભારતીય વિકેટકીપર બેટર ઋષભ પંત ઈજાને કારણે ન્યૂઝીલેન્ડ-A સામેની 3 મેચની અનૌપચારિક ટેસ્ટ શ્રેણીની પ્રથમ 2 મેચમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને 21 વર્ષના યુવા વિકેટકીપર બેટર કુમાર કુશાગ્રને ઈન્ડિયા-Aની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. BCCIએ 12 ઓક્ટોબરે આ અંગે જાહેરાત કરી હતી. તાજેતરમાં ઓસ્ટ્રેલિયા-A સામે સદી ફટકારનાર કુશાગ્ર માટે આ તક પોતાના પ્રદર્શનને વધુ મજબૂત બનાવવાની છે.

ઈરાની કપ દરમિયાન પંતને થઈ હતી ઈજા

પંતને ઈરાની કપમાં ઈજા થઈ હતી. ત્યારથી તે BCCIની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. ઈજામાંથી સંપૂર્ણ રીતે સાજો ન થયો હોવાથી તેને ન્યૂઝીલેન્ડ-A સામેની પ્રથમ 2 મેચમાંથી બહાર રાખવામાં આવ્યો છે. ત્રીજી મેચ માટે તેની ઉપલબ્ધતા અંગેનો નિર્ણય પછીથી લેવામાં આવશે. પંતની ગેરહાજરીમાં ધ્રુવ જુરેલ ટીમના કેપ્ટન તરીકે જવાબદારી સંભાળશે. જુરેલ વિકેટકીપરની ભૂમિકા પણ નિભાવશે, જ્યારે કુશાગ્રને વધારાના વિકેટકીપર-બેટર તરીકે ટીમમાં સ્થાન મળ્યું છે.

ઓસ્ટ્રેલિયા-A સામે સદીથી ધ્યાન ખેંચ્યું

કુમાર કુશાગ્રે તાજેતરમાં ઓસ્ટ્રેલિયા-A સામે ઈન્ડિયા-A તરફથી રમતાં પ્રથમ ઇનિંગમાં 240 બોલમાં 113 રન બનાવ્યા હતા. બીજી ઇનિંગમાં પણ તે 46 રન બનાવી અણનમ રહ્યો હતો. તેના આ પ્રદર્શને લાલ બોલના ક્રિકેટમાં તેની ક્ષમતા દર્શાવી છે. આ પહેલાં તેણે 2026ની દુલીપ ટ્રોફીની ફાઇનલમાં પણ સદી ફટકારી હતી. સતત સારા પ્રદર્શનને કારણે તેને હવે ન્યૂઝીલેન્ડ-A સામેની શ્રેણીમાં તક મળી છે. કુશાગ્ર જમણા હાથનો બેટર છે અને વિકેટકીપિંગ પણ કરે છે. તે ઘરેલુ ક્રિકેટમાં ઝારખંડનું પ્રતિનિધિત્વ કરે છે.

IPLની હરાજીમાં મળ્યા હતા 7.20 કરોડ રૂપિયા

કુશાગ્રનું નામ IPL 2024ની મેગા હરાજી દરમિયાન ચર્ચામાં આવ્યું હતું. દિલ્હી કેપિટલ્સે તેને 7.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઇસ માત્ર 20 લાખ રૂપિયા હતી. જોકે, દિલ્હી તરફથી રમવાની તકનો તે પૂરતો લાભ ઉઠાવી શક્યો નહોતો અને બાદમાં ટીમે તેને રિલીઝ કર્યો હતો. 2025ની હરાજીમાં ગુજરાત ટાઇટન્સે કુશાગ્રને 65 લાખ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. 2026ની સીઝન માટે પણ ગુજરાતે તેને જાળવી રાખ્યો હતો. હવે ઘરેલુ ક્રિકેટ અને ઈન્ડિયા-A તરફથી મળેલી તકોમાં સારો દેખાવ કરીને તે પોતાની કારકિર્દીમાં આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યો છે.

12 વર્ષની ઉંમરે અંડર-16 ટીમમાં પસંદગી

કુશાગ્રને નાની ઉંમરથી જ ક્રિકેટમાં રસ હતો. માત્ર 12 વર્ષની ઉંમરે તેને ઝારખંડની અંડર-16 ટીમમાં સ્થાન મળ્યું હતું. ત્યારથી તેણે જુનિયર ક્રિકેટમાંથી આગળ વધીને ઘરેલુ ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવી છે. 2025માં ઝારખંડે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતી હતી, જેમાં કુશાગ્રે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તેણે ટૂર્નામેન્ટની 10 મેચમાં 422 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઇક રેટ 162 હતો અને તેણે 4 અડધી સદી ફટકારી હતી. ફાઇનલમાં તેણે 38 બોલમાં 81 રનની આક્રમક ઇનિંગ રમી હતી. હવે ન્યૂઝીલેન્ડ-A સામેની શ્રેણી કુશાગ્ર માટે પોતાની બેટિંગ અને વિકેટકીપિંગ ક્ષમતા દર્શાવવાની વધુ એક તક છે.

આ પણ વાંચો: World Cup 2027: માત્ર 12 દિવસમાં 1.5 કરોડ ટિકિટ એપ્લિકેશન, ભારત-પાક મેચની સૌથી વધુ ડિમાન્ડ