ભારતીય અંડર-19 ટીમે પાકિસ્તાનને એક વિકેટે હરાવીને એશિયા કપ 2026નો ખિતાબ જીતી લીધો છે. ઓમાનના અલ અમરાતમાં રમાયેલી ફાઇનલમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરીને 50 ઓવરમાં 9 વિકેટે 337 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે પણ 50 ઓવરમાં 9 વિકેટે 339 રન બનાવીને રોમાંચક જીત મેળવી. એક સમયે ભારતે 252 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી. મનલ ચૌહાણે 47 રનની લડાયક ઇનિંગ રમી, પરંતુ 309 રને તેની વિકેટ પડતાં ભારતે નવમી વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ મોહિત ઉલ્વા અને ચિગુરૂપતિ વેંકટાએ છેલ્લી વિકેટ માટે અણનમ 30 રનની ભાગીદારી કરીને ભારતને ચેમ્પિયન બનાવ્યું.
પાકિસ્તાને ઊભો કર્યો 337 રનનો પહાડ
ટોસ જીતીને પાકિસ્તાને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓપનર ઉસ્માન ખાને 111 બોલમાં 107 રન ફટકાર્યા હતા. અબ્દુલ કાદિરે 54 બોલમાં 80 રનની આક્રમક ઇનિંગ રમી હતી. કેપ્ટન ફરહાન યુસુફે પણ 60 બોલમાં 63 રન બનાવ્યા હતા. આ ત્રણેય બેટર્સના યોગદાનથી પાકિસ્તાને 337 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ભારત તરફથી કાવ્યા પટેલે 68 રન આપીને 4 વિકેટ ઝડપી હતી, જ્યારે ચિગુરૂપતિ વેંકટાએ 40 રનમાં 3 વિકેટ મેળવી હતી.
કેપ્ટન લક્ષ્ય અને આર્યવીરે સંભાળી ઇનિંગ
338 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને આર્યવીર સેહવાગ અને કેપ્ટન લક્ષ્ય રાજેશ રાયચંદાનીએ મજબૂત શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 95 રનની ભાગીદારી થઈ હતી. આર્યવીરે 61 બોલમાં 58 રન બનાવ્યા હતા, જ્યારે લક્ષ્યે 101 બોલમાં 80 રનની ઇનિંગ રમી હતી. જોકે, લક્ષ્યની વિકેટ પડ્યા બાદ ભારતીય બેટિંગ લાઇનઅપ દબાણમાં આવી ગઈ હતી. 217 રનના સ્કોરે પાંચમી અને છઠ્ઠી વિકેટ પડી હતી. ત્યારબાદ પણ વિકેટ પડવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો. 41.3 ઓવરમાં ભારતનો સ્કોર 252/8 થઈ ગયો હતો.
મનલની 47 રનની લડત, છતાં નવમી વિકેટ પડી
મુશ્કેલ પરિસ્થિતિમાં મનલ ચૌહાણે આક્રમક બેટિંગ કરી હતી. તેણે 32 બોલમાં 47 રન બનાવ્યા હતા, જેમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. મનલ અને મોહિત ઉલ્વા વચ્ચે નવમી વિકેટ માટે 57 રનની ભાગીદારી થઈ હતી. આ ભાગીદારીએ ભારતને ફરી જીતની આશા અપાવી હતી. પરંતુ 47.2 ઓવરમાં 309 રનના સ્કોરે મનલ આઉટ થયો હતો. હવે ભારતની માત્ર એક વિકેટ બાકી હતી અને જીત માટે 29 રનની જરૂર હતી.
મોહિત અને વેંકટાએ છેલ્લી વિકેટથી જીત અપાવી
છેલ્લી વિકેટે મોહિત ઉલ્વા અને ચિગુરૂપતિ વેંકટાએ દબાણમાં શાનદાર બેટિંગ કરી હતી. બંનેએ માત્ર 16 બોલમાં અણનમ 30 રન ઉમેરીને ભારતને જીત અપાવી હતી. મોહિતે 26 બોલમાં અણનમ 49 રન બનાવ્યા હતા, જેમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સામેલ હતા. વેંકટાએ 8 બોલમાં અણનમ 11 રન બનાવ્યા હતા. મેચની છેલ્લી ઓવરમાં ભારતને ત્રણ રનની જરૂર હતી. મોહિતે 49.6 ઓવરના બોલે ચોગ્ગો ફટકારીને ભારતને એક વિકેટે જીત અપાવી હતી. આ સાથે ભારતીય ટીમે પાકિસ્તાનને ફાઇનલમાં હરાવીને એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો.