હોંગકોંગમાં રમાયેલી Hong Kong Sixes 2026 ટૂર્નામેન્ટમાં અફઘાનિસ્તાને ઐતિહાસિક સફળતા મેળવી છે. રવિવારે રમાયેલી ફાઇનલમાં અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવીને પ્રથમવાર આ ટૂર્નામેન્ટનો ખિતાબ પોતાના નામે કર્યો. આ જીત સાથે અફઘાનિસ્તાન ટૂર્નામેન્ટ જીતનારો આઠમો દેશ પણ બન્યો છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં 6 ઓવરમાં 115/5 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાને 5.1 ઓવરમાં 119/2 રન કરીને લક્ષ્યાંક હાંસલ કર્યો. ઇમરાન મીર 14 બોલમાં 53 રન બનાવી અણનમ રહ્યો, જ્યારે ફારમાનુલ્લાહ સફીએ 7 બોલમાં અણનમ 26 રનનું યોગદાન આપ્યું.
ઇમરાન મીરની તોફાની બેટિંગ
અફઘાનિસ્તાનની ઇનિંગ્સમાં ઇમરાન મીર સૌથી મોટો હીરો રહ્યો. તેણે 378.57ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરતાં 7 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા. એટલે કે તેની ઇનિંગ્સના 53 રનમાંથી 50 રન બાઉન્ડ્રીથી આવ્યા. ફારમાનુલ્લાહ સફીએ પણ માત્ર 7 બોલમાં 26 રન બનાવીને તેનો સાથ આપ્યો.
ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી, પરંતુ અફઘાનિસ્તાનનો પલટવાર
ઓસ્ટ્રેલિયા તરફથી મેક્સ બ્રાયન્ટે 14 બોલમાં 44 રન બનાવ્યા. નિક હોબસને 8 બોલમાં 23 અને એલેક્સ રોસે 10 બોલમાં અણનમ 29 રન બનાવ્યા. તેમ છતાં ઓસ્ટ્રેલિયા 115 રન સુધી જ પહોંચી શક્યું. અફઘાનિસ્તાન તરફથી નંગેયાલિયા ખારોતે અને કરીમ જનાતે એક-એક વિકેટ ઝડપી હતી.

અફઘાનિસ્તાનની અણનમ સફર
અફઘાનિસ્તાને ફાઇનલ સુધીની સફરમાં દક્ષિણ આફ્રિકા અને ઓમાનને ગ્રૂપ તબક્કામાં હરાવ્યા હતા. ત્યારબાદ સેમિફાઇનલમાં સ્કોટલેન્ડને 21 રનથી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી. ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ટીમે ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હાર્યા વિના ખિતાબ જીત્યો. આ જીત અફઘાનિસ્તાન માટે ખાસ છે, કારણ કે ટીમે પ્રથમવાર હોંગકોંગ સિક્સેસનો ખિતાબ જીત્યો છે. આ ટૂર્નામેન્ટ 1992થી રમાય છે અને પાકિસ્તાન 6 ખિતાબ સાથે સૌથી સફળ ટીમ છે. અફઘાનિસ્તાનની જીત સાથે આ ટૂર્નામેન્ટમાં ખિતાબ જીતનારા દેશોની સંખ્યા 8 થઈ છે.
આ પણ વાંચો: IND VS NZ: ભારત-ન્યૂઝીલેન્ડે છગ્ગાના વરસાદથી રચ્યો ઈતિહાસ, બંનેએ બનાવ્યો રેકોર્ડ