ભારતીય મહિલા ક્રિકેટ ટીમની યુવા સ્પિનર વૈષ્ણવી શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે. ઝિમ્બાબ્વે સામેની વનડે સિરીઝમાં શાનદાર બોલિંગ કર્યા બાદ વૈષ્ણવીએ ICCની તાજેતરની મહિલા વનડે રેન્કિંગમાં 53 સ્થાનની મોટી છલાંગ લગાવી છે. તે હવે બોલરોની યાદીમાં 94મા ક્રમે પહોંચી ગઈ છે. 20 વર્ષની વૈષ્ણવી માટે આ સિરીઝ યાદગાર રહી હતી. તેણે ઝિમ્બાબ્વે સામેની ત્રણ મેચની સિરીઝમાં બે મેચ રમીને કુલ 9 વિકેટ ઝડપી હતી. તેના આ પ્રદર્શનથી ભારતે સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યો હતો.
ત્રીજી જ વનડેમાં પ્રથમ પાંચ વિકેટ ઝડપવાની સિદ્ધિ
વૈષ્ણવીએ સિરીઝની બીજી વનડેમાં 39 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ ત્રીજી અને અંતિમ વનડેમાં તેણે વધુ ઘાતક બોલિંગ કરી હતી. આ મેચમાં તેણે 10 ઓવરમાં 39 રન આપીને 5 વિકેટ પોતાના નામે કરી હતી. આ વૈષ્ણવીની વનડે કારકિર્દીની પ્રથમ પાંચ વિકેટ લેવાની સિદ્ધિ હતી. પોતાની કારકિર્દીની માત્ર ત્રીજી વનડેમાં જ તેણે આ કમાલ કરી હતી. તેના આ પ્રદર્શન બદલ તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો.
સયાલી સઠઘરેને પણ રેન્કિંગમાં ફાયદો
ભારતની બીજી બોલર સયાલી સઠઘરેને પણ તાજેતરની રેન્કિંગમાં ફાયદો થયો છે. તે 18 સ્થાન આગળ વધીને 85મા ક્રમે પહોંચી છે. ઝિમ્બાબ્વે સામેની અંતિમ વનડેમાં તેણે 6 ઓવરમાં માત્ર 11 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેણે 30 ડોટ બોલ પણ ફેંક્યા હતા. બીજી તરફ ક્રાંતિ ગૌડ એક સ્થાન આગળ વધીને 24મા ક્રમે પહોંચી છે. તેણે અંતિમ વનડેમાં 2 વિકેટ ઝડપી હતી. ઝિમ્બાબ્વેની નોમવેલો સિબાન્ડા પણ બે સ્થાન આગળ વધીને 60મા ક્રમે પહોંચી છે.
બેટિંગ રેન્કિંગમાં પ્રતિકા અને શેફાલીને ફાયદો
ભારતીય બેટર્સે પણ રેન્કિંગમાં સુધારો કર્યો છે. ઓપનર પ્રતિકા રાવલ ત્રણ સ્થાન આગળ વધીને 18મા ક્રમે પહોંચી છે. તેણે ઝિમ્બાબ્વે સામેની ત્રણેય વનડેમાં અડધી સદી ફટકારી હતી. તેના સ્કોર અનુક્રમે 100 નોટઆઉટ, 61 અને 59 નોટઆઉટ રહ્યા હતા. શેફાલી વર્માએ પણ 8 સ્થાનની છલાંગ લગાવી છે. અંતિમ વનડેમાં 26 બોલમાં અણનમ 51 રનની આક્રમક ઇનિંગ રમ્યા બાદ તે બેટિંગ રેન્કિંગમાં સંયુક્ત રીતે 65મા ક્રમે પહોંચી છે.
આ રીતે ઝિમ્બાબ્વે સામેની સિરીઝમાં ભારતીય મહિલા ટીમના ખેલાડીઓએ મેદાન પર શાનદાર પ્રદર્શન કરવાની સાથે ICC રેન્કિંગમાં પણ પોતાની સ્થિતિ મજબૂત કરી છે.
આ પણ વાંચો: IND VS NZ: ના JioHotstar, ના ફેનકોડ! ભારત-ન્યૂઝીલેન્ડની ODI સિરીઝ ફ્રીમાં ક્યાં જોઈ શકશો?