IPLમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા યુવા વિકેટકીપર-બેટર અભિષેક પોરેલને બંગાળની સિનિયર ટીમમાં સ્થાન મળ્યું છે. બંગાળ ક્રિકેટ એસોસિએશન એટલે કે CABએ આસામ સામેની પ્રેક્ટિસ મેચો માટે ટીમની જાહેરાત કરી છે, જેમાં પોરેલનું નામ પણ સામેલ છે.બંગાળની ટીમ સુદીપ ચેટર્જીની કેપ્ટનશિપમાં 30 સપ્ટેમ્બરે કોલકાતાથી ગુવાહાટી માટે રવાના થશે. ત્યાં ACA સ્ટેડિયમમાં પ્રેક્ટિસ મેચ રમ્યા બાદ ટીમ 6 ઓક્ટોબરે પરત ફરશે.
ઓગસ્ટમાં થઈ હતી ધરપકડ
અભિષેક પોરેલની 11 ઓગસ્ટે કોલકાતા પોલીસે ધરપકડ કરી હતી. એક મેડિકલ વિદ્યાર્થીનીએ તેમના વિરુદ્ધ લગ્નનું વચન આપીને બળાત્કાર અને ધમકી આપવાના ગંભીર આરોપ લગાવ્યા હતા.ધરપકડ બાદ પોરેલને આશરે 4 અઠવાડિયા સુધી ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ 18 સપ્ટેમ્બરે તેમને કોર્ટમાંથી જામીન મળ્યા હતા.હવે જામીન પર બહાર આવ્યા બાદ તેઓ ફરી ક્રિકેટના મેદાન પર જોવા મળશે.
CABએ ફરી તક કેમ આપી?
પોરેલ જ્યારે પોલીસ કસ્ટડીમાં હતા ત્યારે CABએ તેમને પ્રી-સીઝન માટેના સંભવિત ખેલાડીઓના લિસ્ટમાંથી બહાર કરી દીધા હતા. જોકે, જામીન મળ્યા બાદ પસંદગીકારોએ તેમને ફરી ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે.બંગાળની ટીમને મલ્ટિ-ડે ફોર્મેટ માટે નિષ્ણાત વિકેટકીપરની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પોરેલને પ્રેક્ટિસ મેચ માટે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.આ મેચો પોરેલને લાંબા સમય બાદ મેચ ફિટનેસ મેળવવામાં પણ મદદ કરી શકે છે.
IPL કરિયર અંગે પણ ચર્ચા
બંગાળની ટીમમાં સ્થાન મળ્યા બાદ પોરેલની ક્રિકેટમાં વાપસી થઈ છે, પરંતુ તેમની સામેનો કાનૂની મામલો હજુ કોર્ટમાં ચાલી રહ્યો છે. તેથી આગામી સમયમાં તેમના IPL કરિયર અંગે પણ સ્થિતિ પર નજર રહેશે.પોરેલ IPLમાં દિલ્હી કેપિટલ્સનો ભાગ છે. જોકે, કોર્ટની કાર્યવાહી અને કેસમાં આગળ શું થાય છે તેના આધારે તેમની ક્રિકેટ કારકિર્દીને લઈને સ્થિતિ બદલાઈ શકે છે.હાલમાં પોરેલને બંગાળની ટીમમાં સ્થાન મળવું તેમની ક્રિકેટમાં વાપસી તરફનું પહેલું પગલું છે. આસામ સામેની પ્રેક્ટિસ મેચમાં તેમનું પ્રદર્શન પણ મહત્વનું રહેશે.
આ પણ વાંચો - Australiaને સીરિઝ પહેલા મોટો ઝટકો, 2 સ્ટાર ખેલાડીઓ થયા બહાર