ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T20સીરિઝની બીજી મેચમાં ભારતીય ઓપનર અભિષેક શર્માએ મોટી સિદ્ધિ મેળવી છે. રાંચીમાં રમાયેલી આ મેચમાં અભિષેક માત્ર 20 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ આટલી ટૂંકી ઇનિંગ્સ છતાં તેણે પોતાના નામે એક ખાસ રેકોર્ડ નોંધાવ્યો હતો. અભિષેક ઘરઆંગણે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1000 રન પૂરા કરનારા ભારતના 7મા બેટર બન્યા છે. પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતા અભિષેકે ટૂંકા સમયમાં ભારતીય T20 ટીમમાં મહત્ત્વનું સ્થાન મેળવ્યું છે. હવે તે ઘરઆંગણે સૌથી વધુ T20I રન બનાવનારા ભારતીય ખેલાડીઓની યાદીમાં પણ સામેલ થઈ ગયો છે.
માત્ર 29 મેચમાં પૂરા કર્યા 1000 રન
T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યા બાદ અભિષેક શર્માએ પોતાની બેટિંગથી સતત પ્રભાવ પાડ્યો છે. ખાસ કરીને ઓપનર તરીકે તેણે આક્રમક અંદાજમાં બેટિંગ કરીને અનેક યાદગાર ઇનિંગ્સ રમી છે.આંકડા મુજબ, અભિષેકે ઘરઆંગણે માત્ર 29 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 36.07ની સરેરાશથી 1010 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 2 સદી અને 6 અડધી સદી પણ જોવા મળી છે.અભિષેકની આ સિદ્ધિ દર્શાવે છે કે તેણે ટૂંકા સમયમાં ભારતીય ટીમ માટે કેટલું અસરકારક પ્રદર્શન કર્યું છે. તેની આક્રમક બેટિંગ અને મોટા શોટ રમવાની ક્ષમતા તેને T20 ફોર્મેટમાં ખાસ બનાવે છે.

