ભારતીય ક્રિકેટમાં અજીત અગરકરના ચીફ સિલેક્ટર તરીકેના કાર્યકાળને લઈને છેલ્લા કેટલાક દિવસોથી અનેક ચર્ચાઓ ચાલી રહી છે.અગરકરે સપ્ટેમ્બર 2026 બાદ ચીફ સિલેક્ટર તરીકે ચાલુ ન રહેવાનો નિર્ણય BCCIને જણાવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. હવે તેમના કાર્યકાળ દરમિયાન BCCI સાથે થયેલા કેટલાક મતભેદોની વિગતો પણ સામે આવી રહી છે.અગરકર અને BCCI વચ્ચેનો મતભેદ તેમના કાર્યકાળની શરૂઆતમાં જ સામે આવ્યો હતો.ખાસ કરીને 2023માં આયર્લેન્ડ પ્રવાસ દરમિયાન જસપ્રીત બુમરાહને કેપ્ટન બનાવવાના નિર્ણયને લઈને અગરકર અને બોર્ડના વહીવટીતંત્રના વિચારો અલગ હતા
બુમરાહની કેપ્ટન્સી મુદ્દે મતભેદ
વર્ષ 2023માં ભારતીય ટીમ આયર્લેન્ડના પ્રવાસે જવાની હતી.આ પ્રવાસ ઓગસ્ટમાં યોજાયો હતો અને ત્યારબાદ એશિયા કપ તથા વનડે વર્લ્ડ કપ જેવી મોટી સ્પર્ધાઓ આવવાની હતી.બુમરાહ લાંબા સમય બાદ ઈજામાંથી વાપસી કરી રહ્યો હતો. BCCIએ જુલાઈ 2023માં તેની ફિટનેસ અંગે સકારાત્મક માહિતી આપી હતી. અગરકરનું માનવું હતું કે બુમરાહ પર વાપસી સમયે કેપ્ટનશિપનો વધારાનો બોજ મૂકવો યોગ્ય નહીં રહે.તેઓ ઈચ્છતા હતા કે ઋતુરાજ ગાયકવાડને આયર્લેન્ડ પ્રવાસમાં ટીમની જવાબદારી સોંપવામાં આવે.ગાયકવાડને 2023 એશિયન ગેમ્સ માટે પણ ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
https://x.com/Cricketmythos/status/2101921846849605929?s=20
ભારતે આયર્લેન્ડ સામે જીતી હતી સિરીઝ
બુમરાહની કેપ્ટનશિપમાં ભારતે આયર્લેન્ડ સામે 3 મેચની T20I સિરીઝ રમી હતી.ભારતે પ્રથમ મેચ વરસાદથી પ્રભાવિત સ્થિતિમાં 2 રનથી જીતી હતી અને બીજી મેચમાં 33 રનથી વિજય મેળવીને સિરીઝમાં 2-0ની અપરાજિત લીડ મેળવી હતી.ત્રીજી મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી,તેથી ભારતે સિરીઝ 2-0થી જીતી હતી.બુમરાહ માટે આ વાપસી ખાસ હતી, કારણ કે તે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો.ત્યારબાદ તેણે ભારતીય ક્રિકેટમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
અગરકરના કાર્યકાળના અંતને લઈને શું થયું?
અગરકર જુલાઈ 2023માં ભારતીય સિનિયર પુરુષ ટીમની પસંદગી સમિતિના ચેરમેન બન્યા હતા.ત્રણ વર્ષનો તેમનો કાર્યકાળ જુલાઈ 2026માં પૂર્ણ થયો હતો અને ત્યારબાદ તેઓ કામચલાઉ વિસ્તરણ પર હતા. મીડિયા રિપોર્ટ અનુસાર અગરકરે પોતે આગળ ચાલુ ન રહેવાનો નિર્ણય BCCIને જણાવ્યો છે. પસંદગીના કેટલાક મુદ્દાઓમાં BCCIના હસ્તક્ષેપને કારણે અગરકર અસંતુષ્ટ હતા.જોકે,આ બાબતો અંગે BCCI તરફથી તમામ દાવાઓની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
રોહિત શર્માનો મુદ્દો પણ ચર્ચામાં
અગરકરના કાર્યકાળના અંત સાથે રોહિત શર્મા સાથે જોડાયેલો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે. સપ્ટેમ્બર 2026ના અહેવાલ મુજબ, પસંદગી સમિતિ અને BCCI વચ્ચે રોહિતના ભવિષ્યને લઈને મતભેદની સ્થિતિ સર્જાઈ હતી. બાદમાં BCCI તરફથી રોહિત અંગે જાહેર નિવેદન પણ આવ્યું હતું. હાલમાં અગરકર ચીફ સિલેક્ટર તરીકે આગળ ચાલુ નહીં રહે તે વાત સામે આવી છે અને BCCI નવા ચેરમેનની શોધની પ્રક્રિયા શરૂ કરવાની તૈયારીમાં છે. નવા ચીફ સિલેક્ટર તરીકે વિવિધ નામોની ચર્ચા ચાલી રહી છે, પરંતુ અંતિમ નિર્ણય BCCIના અધિકારીઓ દ્વારા લેવામાં આવશે.
આ પણ વાંચો - Asian Games 2026 : શ્રીલંકા સામે ફાઇનલમાં ભારતની પ્લેઇંગ-11માં થશે ફેરફાર