ભારત સામેની 5 મેચની ટી20 સીરિઝ શરૂ થાય તે પહેલાં વેસ્ટ ઈન્ડિઝે ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. ભારત સામેની વનડે શ્રેણીમાં શાનદાર બેટિંગ કરનાર આમિર જંગુને ટી20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જંગુને યુવા વિકેટકીપર-બેટ્સમેન જ્વેલ એન્ડ્રુના કવર તરીકે ટીમમાં સ્થાન મળ્યું છે.જ્વેલ એન્ડ્રુને ભારત સામેની ત્રીજી વનડે દરમિયાન આંગળીમાં ઈજા થઈ હતી. હાલમાં તે મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. તપાસ દરમિયાન તેમની આંગળીમાં ફ્રેક્ચર ન હોવાનું જાણવા મળ્યું છે. જોકે, તેમની ઈજા પર મેડિકલ ટીમ સતત નજર રાખી રહી છે અને તેમને ટી20 સીરિઝમાંથી સંપૂર્ણપણે બહાર કરવામાં આવ્યા નથી.

આમિર જંગુની ટીમમાં એન્ટ્રી

મિડિયા રિપોર્ટ અનુસાર  ભારત સામેની વનડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરનાર આમિર જંગુને જ્વેલ એન્ડ્રુના કવર તરીકે વેસ્ટ ઈન્ડિઝની ટી20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે 5 ઓક્ટોબરે જણાવ્યું હતું કે ત્રીજી વનડે દરમિયાન ઈજા થયા બાદ જ્વેલ એન્ડ્રુને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને સ્કેન કરવામાં આવ્યું હતું. રાહતની વાત એ છે કે સ્કેનમાં તેમની આંગળીમાં કોઈ ફ્રેક્ચર જોવા મળ્યું નથી.હાલમાં એન્ડ્રુની સ્થિતિ પર મેડિકલ ટીમ નજર રાખી રહી છે. તેથી ટી20 શ્રેણીમાં તેમના રમવાની શક્યતા સંપૂર્ણપણે સમાપ્ત થઈ નથી.

https://x.com/ICC/status/2106979046173380889?s=20


કેચ લેતી વખતે ઈજાગ્રસ્ત થયો એન્ડ્રુ

19 વર્ષીય જ્વેલ એન્ડ્રુ ભારત સામેની પ્રથમ વનડેમાં પ્રથમ જ બોલે ખાતું ખોલ્યા વિના આઉટ થયો હતો. ત્યારબાદ તેને બીજી વનડેની ટીમમાં સ્થાન મળ્યું નહોતું. ત્રીજી વનડેમાં તેને ફરી પ્લેઇંગ ગ્રુપમાં સામેલ કરવામાં આવ્યો હતો.મેચ દરમિયાન નમન ધીરનો કેચ લેતી વખતે એન્ડ્રુની આંગળીમાં ઈજા થઈ હતી. ત્યારબાદ તેને તપાસ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ઈજાના કારણે વેસ્ટ ઈન્ડિઝની સફળ રનચેઝ દરમિયાન તે બેટિંગ કરવા પણ મેદાનમાં ઉતરી શક્યો નહોતો.

જંગુએ વનડે શ્રેણીમાં મચાવી ધમાલ

બીજી તરફ, આમિર જંગુ હાલમાં શાનદાર ફોર્મમાં છે. ભારત સામેની 3 મેચની વનડે શ્રેણીમાં તેણે નોટઆઉટ 58, 114 અને 67 રનની ઇનિંગ્સ રમી હતી.આમિર જંગુએ 3 મેચમાં કુલ 239 રન બનાવ્યા હતા. બંને ટીમોને મળીને સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં તે ત્રીજા સ્થાને રહ્યો હતો.તેની આગળ ભારતનો શુભમન ગિલ 334 રન સાથે પ્રથમ અને વેસ્ટ ઈન્ડિઝનો શે હોપ 278 રન સાથે બીજા સ્થાને રહ્યો હતો.29 વર્ષીય આમિર જંગુએ ડિસેમ્બર 2024માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધી તે વેસ્ટ ઈન્ડિઝ માટે 7 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે 163 રન બનાવ્યા છે. જોકે, ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેનો સ્ટ્રાઈક રેટ 120.74 રહ્યો છે.

આ પણ વાંચો - IND vs WI T20 મેચનો જબરદસ્ત ક્રેઝ,ટિકિટ કાઉન્ટર ખૂલે તે પહેલાં જ સ્ટેડિયમ બહાર જામી ભીડ, સુરક્ષા વધારાઈ